નવસારીમાં હવે બેંકના એટીએમની સાથે પાણીના એટીએમ પણ શરૂ થશે. 2 રૂપિયો નાંખો એટલે ગમે ત્યારે 1 લિટર મિનરલ વોટર મળશે. નવસારી-વિજલપોર પાલિકા શહેરમાં લોકોને 24 કલાક મિનરલ વોટર મળે તેવા ‘પાણીના એટીએમ’ શરૂ કરશે. બેંકોના એટીએમમાં જેમ 24 કલાક પૈસા મળે તેમ આ એટીએમમાં 24 કલાક પાણી મળી શકશે.
પાલિકાની પાણીન સમિતિના ચેરમેન પ્રશાંત દેસાઈએ જણાવ્યું કે, ‘શહેરમાં હાલ પ્રાયોગિક ધોરણે પ્રથમ પાંચ જગ્યાએ પાણીના એટીએમ મશીન મૂકાશે, જેમાં બાળ ક્રિડાંગણ, કબીલપોર, વિઠ્ઠલમંદિર, જલાલપોર લીમડાચોક અને દશેરા ટેકરી વિસ્તારનો સમાવેશ થાય છે. જે ભાવ પત્રક મૂકવામાં આવ્યું છે તે મુજબ 2 રૂપિયાનો સિક્કો નાંખવાથી 1 લિટર ઠંડુ મિનરલ વોટર પાણી મળી શકશે. પ્રથમ પાંચ એટીએમ મૂકાયા બાદ આગામી દિવસોમાં વધુ એટીએમ મૂકવાનું આયોજન છે. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કેટલીક જગ્યાએ આવા પાણીના એટીએમ છે.
બુધવારે લોકાર્પણ ન થઈ શક્યું
બુધવારે સાંસદ સી.આર. પાટીલના નવસારી પંથકમાં અનેક કાર્યક્રમો હતા, જેમાં નવસારીના બાળ ક્રિડાંગણ નજીક એટીએમ મૂકી લોકાર્પણ કરવાનો કાર્યક્રમ પણ હતો પરંતુ આ શક્ય બન્યું ન હતું અને આગામી દિવસોમાં તમામ એટીએમનું એકસાથે લોકાર્પણ કરવાની વિચારણા ચાલતી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, લોકાર્પણ પહેલા બાળ ક્રીડાગંણ નજીક તો એટીએમમાંથી લોકોએ પાણી પીવા પણ માંડ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.