મન્ડે પોઝિટિવ:હવે કરોડો લિટર વરસાદી પાણીનો વ્યય નહિ સદુપયોગ

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીનો સંગ્રહ કરવા વોટર હારવેસ્ટિંગના ઠેર ઠેર પ્રોજેકટ, નરેગા યોજનાને પણ તેમાં આવરી લેવાઇ
  • નવસારી​​​​​​​ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની જ 2000થી વધુ વિવિધ સરકારી ઇમારતોમાં વોટર હારવેસ્ટિંગના ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટો

નવસારી જિલ્લામાં પ્રથમવખત વોટર હારવેસ્ટિંગ પ્રોજેકટ થકી કરોડો લિટર પાણીનો બગાડ રોકી સદઉપયોગ કરવામાં આવશે. 2 હજારથી વધુ તો ગ્રામ્ય વિસ્તારની સરકારી બિલ્ડીંગ વિગેરેમાં વોટર હારવેસ્ટિંગ કરાશે. નવસારી જિલ્લો વરસાદની બાબતમાં નસીબદાર છે. અહીં મહત્તમ વર્ષોમાં ખૂબ સારો વરસાદ પડે છે.

જિલ્લાનો 30 વર્ષનો સરેરાશ વરસાદ 72 ઈંચ તો છે. જોકે દુઃખદાયક વાત એ છે કે સારો વરસાદ પડવા છતાં અનેક જગ્યાએ પાણીની ખેંચ પડે છે તેનું મુખ્ય કારણ વરસાદી પાણીનો સંગ્રહ કરાતો નથી અને મહત્તમ વરસાદી પાણી નદી, ખાડી વાતે દરિયામાં વહી જાય છે. કેટલાક વર્ષોથી વરસાદી પાણીના સંગ્રહની વાતો તો થઈ રહી છે પણ મોટા પાયે નક્કર થયું નથી.

હવે પ્રથમવાર સરકારી તંત્રે વોટર હારવેસ્ટિંગની યોજના બનાવી છે. જે અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સરકારી ઇમારતો વિગેરેમાં વોટર હારવેસ્ટિંગ કરવાનું કામ હાથ ઉપર લેવાયું છે. જેમાં અનેક કામોમાં નરેગા યોજનાને પણ સાંકળવામાં આવી છે. અંદાજે 2011 સરકારી વિવિધ ઇમારતો નજીક વોટર હારવેસ્ટિંગ કરાઈ રહ્યું છે. જેમાં શાળાઓ, ગ્રામ પંચાયતો, આંગણવાડી તથા અન્ય સરકારી ઇમારતોનો પણ સમાવેશ થાય છે. કેટલીક જગ્યાએ ડેરીનો પણ સમાવેશ કરાયાની જાણકારી મળી છે. આ પ્રોજેકટ થકી ચોમાસામાં હજાર, લાખો નહિ પણ કરોડો લિટર પાણીનો સદઉપયોગ થવાનો અંદાજ છે.

1 હજાર જેટલા કામો તો પુરા પણ થઇ ગયા
નવસારી જિલ્લામાં રૂરલ વિસ્તારમાં વોટર હારવેસ્ટિંગના અનેક કામો ચાલે છે. જર્જરિત ઇમારતો નથી ત્યાં ચાલે છે. અંદાજે 1 હજાર જેટલા કામો તો પૂર્ણ પણ થઈ ચૂક્યા છે. > અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી, નવસારી જિલ્લો

3 પ્રકારથી વોટર હારવેસ્ટિંગ

  • બોરવેલ: અનેક જગ્યાએ બોરવેલ છે, ત્યાં વરસાદી પાણી સીધુ જ બોરવેલમાં ઉતારી ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરાશે
  • હેન્ડપમ્પ : ગામડાઓમાં હજુ હેન્ડપમ્પ ઉપયોગમાં લેવાય છે ત્યાં પણ વરસાદી પાણી ઉતારી ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં આવશે.
  • ભૂગર્ભ ટાંકા : પાણીની અછતવાળા કેટલાક વિસ્તારો છે ત્યાં ભૂગભ ટાકા બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરાશે

​​​​​​​

​​​​​​​નવસારીમાં પણ પાલિકા પ્રોત્સાહન આપે છે
નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં તો જિલ્લા પંચાયત, ગ્રામ વિકાસ એજન્સીની દેખરેખ હેઠળ વોટર હારવેસ્ટિંગના પ્રોજેકટ શરૂ થયા છે, સાથે શહેરી વિસ્તારોમાં પણ હાથ ધરાયા છે. રાજ્યની સૌથી મોટી નગરપાલિકામાંની એક એવી નવસારી વિજલપોર પાલિકાએ પણ વોટર હારવેસ્ટિંગ માટે ખાનગી ઇમારતોને પ્રોત્સાહન પણ આપવાનો નિર્ણય લીધો છે. જે અંતગત એપાર્ટમેન્ટ વિગેરેને 25 હજાર પ્રોત્સાહન રકમ પણ આપવાનો નિર્ણય લીધો છે. શહેરમાં કેટલીક સોસાઇતિઓએ તો પોતાની મેળે જ વોટર હારવેસ્ટિંગના કામ કર્યા છે. વડાપ્રધાન મોદીના જન્મદિને પણ અનેક જગ્યાએ કામ શરૂ કરાયા હતા.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...