ખેતી કરતી ગુજરાતી 'ગોલ્ડન ગર્લ':એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી DySP સરિતા ગાયકવાડ ખેતી કરવાનું નથી ભૂલી, જીન્સ-ટીશર્ટ પહેરી કરે છે ખેતીકામ

નવસારી12 દિવસ પહેલા
  • ખેલક્ષેત્રે સિદ્ધિ મેળવ્યા બાદ સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે ડીવાયએસપીની નોકરી આપી છે
  • 2018 એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો
  • ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામમાં રહે છે સરિતા ગાયકવાડ

આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવી ગુજરાત અને ભારતનું નામ રોશન કરી ચૂકી છે. ત્યારે હાલ તેનો એક ડાંગરની કાપણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વીડિયો જોતાં લાગી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવ્યા બાદ પણ સરિતા ગાયકવાડ તેના પરિવારનો પરંપરાગત ખેતીનો વ્યવસાય ભૂલી નથી. આજે પણ તે તેના પરિવારને ખેતીમાં મદદ કરાવે છે.

ડાંગરની કાપણી કરતો વીડિયો વાઈરલ
સરિતા ગાયકવાડ ખેતરમાં ડાંગરની કાપણી કરી રહી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સરિતા ગાયકવાડ જે ઝડપથી ડાંગરની કાપણી કર રહી છે એ જોઈને લોકો તેના કામની પ્રશંસા કરી રહ્યા છે.

એશિયન ગેમ્સ 2018માં ભારતને મેડલ અપાવ્યો હતો
એશિયન ગેમ્સ-2018માં સરિતા ગાયકવાડે 4 બાય 400 મીટર રીલે રેસમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ગાયકવાડને તેની આ સિદ્ધિ બદલ તેને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં ડીવાયએસપી તરીકે નોકરી આપવામાં આવી છે. ગુજરાત પોલીસના જવાનોને એથ્લેટિક્સની તાલીમ આપવાનું કામ પણ સરિતા ગાયકવાડને સોંપવામાં આવ્યું હતું.

ખેતીને મહત્ત્વ આપતો સરિતાનો સંદેશ
ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં નવી પેઢીના યુવાનો ખેતીથી દૂર થઈ રહ્યા છે અને રોજગાર મેળવવા માટે શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. ત્યારે 'ગોલ્ડન ગર્લ' તરીકે ઓળખ ધરાવનાર સરિતા ગાયકવાડ પોતાના પરિવારના પરંપરાગત ખેતીના વ્યવસાયમાં મદદ કરાવી રહી છે. એ દર્શાવે છે કે લોકો ભલે ગમે એટલી મોટી સિદ્ધિ મેળવી લે, પણ પોતાની પરંપરાને ભૂલવી ના જોઈએ. લોકો પણ હાલ સરિતા ગાયકવાડના વીડિયોની ખૂબ સરાહના કરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...