ભારતમાં એવા અનેક પ્રતિભાશાળી લોકો રહે છે, જેઓ પોતાની આગવી કળાથી કોઈપણ મુશ્કેલ કામ સરળતાથી કરી નાખતા હોય છે, જેના વીડિયો પણ અવારનવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. ત્યારે આવો જ એક રોમાંચક વીડિયો નવસારીમાં પણ વાઇરલ થયો છે, જેમાં એક યુવાનની કળાની સામે ભલભલાં મશીનો પણ ફેઇલ છે. કોઈને પણ વિશ્વાસ ન આવે એવું કાર્ય આ યુવાન કરે છે. માત્ર ચારથી લઈને સાત સેકન્ડમાં મજબૂત નારિયેળ પોતાના દાંતથી છોલી કાઢે છે.
દાંત વડે નારિયેળ છોલવાની અનોખી કળા
નવસારીમાં હાર્ડવેરનો ધંધો કરતા 40 વર્ષીય લક્ષ્મણ પુરોહિતના દાંત એવા તો મજબૂત છે કે તેઓ 4થી લઈને 7 સેકન્ડમાં એક નારિયેળને પોતાના દાંત વડે છોલી શકે છે. સામાન્ય રીતે નારિયેળ છોલવામાં હાથથી પણ મુશ્કેલી પડે છે. ત્યારે પોતાના દાંત વડે નારિયેળ છોલવાની અનોખી કળા ધરાવતા લક્ષ્મણભાઈ સામાન્ય રીતે હોળીના દિવસોમાં આ પ્રકારનો પડકાર ફેંકતી રમત રમે છે.
નારિયેળ છોલવું એક રમતનો પ્રકાર છે
બનાસકાંઠામાં આ રમતનો જન્મ થયો છે, જેમાં અગિયારસથી લઈને હોળીના તહેવાર સુધી સમાજના યુવાનો એકબીજાને અલગ-અલગ પ્રકારના પડકારો આપે છે અને જેમાં નિયત સમયમાં એ પડકારો પૂર્ણ કરવાના હોય છે, જે પૈકી ઝડપી નારિયેળ છોલવું એક રમતનો પ્રકાર છે. એમાં લક્ષ્મણભાઈએ મહારત હાંસલ કરી છે. પોતાના ગામ ધાનેરા સહિતના વિસ્તારોમાં છેલ્લાં 100 વર્ષથી વધુથી ચાલી આવેલી આ રમત શહેરોમાં પણ જીવંત રહી છે. આગામી સમયમાં હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પુરોહિત સમાજના યુવાનો આવા પ્રકારની રમત રમીને એકબીજાને પડકારો ફેંકે છે.
યુવાન છેલ્લાં અનેક વર્ષથી આ પ્રકારની રમત રમે છે
પુરોહિત રબારી સહિતના સમાજમાં હોળીના તહેવાર દરમિયાન આ વિશેષ પ્રકારની રમત રમવામાં આવે છે, જેમાં સમાજના લોકો એકબીજાને અલગ-અલગ પ્રકારની પડકારો કરતી રમત રમે છે. એમાં નારિયેળ હોમવું, ફેંકવું અને છોલવું જેવી પ્રકારની રમતોનો સમાવેશ થાય છે. ત્યારે લક્ષ્મણભાઈ છેલ્લાં 20 વર્ષથી વધુથી આ પ્રકારની રમત રમે છે, એમાં તેમણે મહારત હાંસલ કરી છે. આ રમત રમવા માટે દાંત મજબૂત હોવાની પૂર્વ શરત છે અને હોઠ વચ્ચે ન આવે એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે.
સામાન્ય રીતે નારિયેળ છોલવું એ અઘરું કામ છે, જેમાં કોઈ સાધન વડે એને છોલવું પડે છે, પરંતુ માત્ર ચારથી લઈને સાત સેકન્ડમાં નારિયેળ પોતાના દાંતથી છોલવું એ સતત પ્રેક્ટિસ અને દાતની મજબૂતી હોવી જોઈએ.
નારિયેળ છોલવા માટે દાંત મજબૂત હોવા જોઈએઃ લક્ષ્મણભાઈ
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે નારિયેળને આ પ્રકારે છોલવું એ એક અમારી પરંપરાગત રમત છે. બનાસકાંઠા, રાજસ્થાનનાં ગામડાંમાં અમારા સમાજના લોકો સાથે અમે હોળી પર આ પ્રકારની રમતો રમતા હોઈએ છીએ. નારિયેળ છોલવાનું, ફેંકવાનું તેવી અલગ અલગ રમતો અમે શરતો મારીને રમીએ છીએ. મેં 4 સેકન્ડમાં પણ નારિયેળ છોલ્યું છે. આ કળા માટે દાંત મજબૂત જોઈએ, નહીંતર દાંત પડી જવાનું જોખમ રહેલું છે. અગિયારસથી લઈને હોળી સુધી અમે આ રમતો રમીએ છીએ. હું 20 વર્ષથી આ રમત રમું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.