સરવે હાથ ધરાયો:ઉનાઈમાં ચીકનગુનિયાનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડધામ

ઉનાઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસને લઈ આરોગ્ય વિભાગે સરવે હાથ ધર્યો, અસર જણાઇ તો સારવાર લેવા તાકીદ કરાઇ

ઉનાઈ ગામના નવા ફળિયામાં શંકાસ્પદ તાવ જેવા લક્ષણ ધરાવતા લોકોના ઉનાઈ પ્રાથમિક આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા ત્રણ વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી એકને ચીકનગુનિયા નીકળતા ઉનાઈ આરોગ્ય વિભાગના ડોકટર તેમજ આરોગ્ય વિભાગ ઉનાઈની ટીમ દ્વારા નવા ફળિયામાં જઇ શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓની મુલાકાત લઈ સરવે હાથ ધરાયો હતો.

છેલ્લા ઘણા સમયથી ઉનાઈ ગામના નવા ફળિયામાં શંકાસ્પદ તાવના લક્ષણ ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. અગાઉ પણ તાવના લક્ષણ ધરાવતા દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. જે બાદ આરોગ્ય વિભાગને જાણ થતાં આરોગ્ય વિભાગ દ્વારા તાવ ધરાવતા દર્દીઓના સેમ્પલ લઇ ટેસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં એક વ્યક્તિમાં ચીકનગુનિયાના લક્ષણ દેખાતા નવસારી જિલ્લા મેલેરિયાના અધિકારી ડો.ધવલ મહેતા તાત્કાલિક ઉનાઈ દોડી આવ્યા હતા.

ઉનાઈ પીએચસીના ડો.દિવ્યેશ પટેલ સાથે નવા ફળિયામાં ઘરે ઘરે લોકોને મળી તાવ જેવા લક્ષણ ધરાવતા લોકોને તાત્કાલિક પીએચસીમાં સારવાર લેવા જણાવ્યું હતું તેમજ નવા ફળિયામાં ક્લોરીનેશન તેમજ ફોગીંગ કરાયું હતું. ઉનાઈ પ્રા.આરોગ્ય કેન્દ્રના ડો.દિવ્યેશ પટેલે ઉનાઈ સરપંચ મનિષ પટેલ સાથે નવા ફળિયામાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચીકનગુનિયા જેવા રોગો બાબતે સાવચેતીના પગલાં કેવી રીતે લેવાય એ માટે રહીશો માટે શિબિરનું આયોજન કર્યું હતું.

લક્ષણ ધરાવતા દર્દીઓની તપાસ
ઉનાઈમાં શંકાસ્પદ તાવના લક્ષણ ધરાવતા દર્દીઓને ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં તાવના લક્ષણ ધરાવતા લોકો સાજા થઈ ગયા છે. મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચીકનગુનિયા જેવા રોગો સામે રક્ષણ તેમજ સલામતી માટે લોકોને ભેગા કરી જાગૃતિ લાવવા શિબિરનું આયોજન કરાયું હતું. - ડો.દિવ્યેશ પટેલ, મેડિકલ ઓફિસર, ઉનાઈ

નવા ફળિયામાં ફોગીંગ પણ કરાયું
નવા ફળિયામાં કેટલાય સમયથી તાવના શંકાસ્પદ દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા તમામના સેમ્પલ લઈ ટેસ્ટ કરાવાયા હતા. જેમાં એક ચીકનગુનિયાનો કેસ સામે આવતા ઉનાઈ મેડિકલ ઓફિસર સાથે ડેન્ગ્યુ,મલેરિયા તેમજ ચિકનગુનિયા રોગો બાબતે લોકોમાં જાગૃતિ લાવવા શિબિરનું આયોજન કર્યું હતું તેમજ નવા ફળિયામાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. - મનિષભાઈ પટેલ, સરપંચ, ઉનાઈ

અન્ય સમાચારો પણ છે...