કોરોના વકર્યો:જિલ્લો : નવસારી, કોરોના ટેસ્ટ : 100000, પોઝિટિવ : 1420

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ મહિના બાદ 250 જેટલા દિવસમાં 1 લાખ લોકોના સેમ્પલ લઈ સરકારી તંત્ર દ્વારા કોરોનાની ચકાસણી કરવામાં આવી છે
  • શરૂઆતના 4 મહિનામાં માંડ 8 હજાર ટેસ્ટ કરાયા બાદ બાકીના 4 મહિનામાં એન્ટીજન ટેસ્ટ વધારી 1 લાખનો આંક વટાવ્યો

નવસારી જિલ્લામાં આખરે 1 લાખ કોવિડ ટેસ્ટ શનિવારે પુરા થયા છે,જેમાં 1420 પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે.નવસારી જિલ્લામાં માર્ચ મહિનાથી સેમ્પલ લઈ કોરોનાની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના મહિનામાં તો આરટીપીસીઆર જ ટેસ્ટ કરવામાં આવતા હતા અને સેમ્પલ પણ ઓગસ્ટ ની 4 તારીખ સુધી 100ની આસપાસ જ લેવામાં આવતા હતા,જોકે ઓગસ્ટ 5 બાદ ટેસ્ટનો ક્રમશઃ વધારો કરવામાં આવ્યો હતો,જે દિવસના 1200 જેટલા પણ કરાયાનું નોંધાયું છે. આંકડાકીય હકીકત જોઈએ તો 31 જુલાઈ સુધી તો માત્ર 8091 જ ટેસ્ટ કરાયા હતા,જે ત્યારબાદ 4 મહિનાથી ય ઓછા સમયમાં વધુ 92 હજાર ટેસ્ટ કરી આજદિન સુધીમાં આખરે 1 લાખનો ટેસ્ટનો આંક વટાવી સંખ્યા 100152 ઉપર પહોંચી છે.

શરૂઆતના 4 મહિના માત્ર આરટીપીસીઆર જ ટેસ્ટ કરાયા હતા પરંતુ બાદમાં અનેક હેલ્થ સેન્ટરોએ રેપીડ એન્ટીજન ટેસ્ટ શરૂ કરી સંખ્યા વધારાઈ હતી. જિલ્લામાં 1લાખ જેટલા ટેસ્ટ કરાયા છે તેમાં 757 ના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. આ 1 લાખ ટેસ્ટમાં 1420 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.આ ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ આવેલ દર્દીમાંથી 101 દર્દીના મૃત્યુ નોંધાયા છે. હાલ જિલ્લામાં રોજ 750થી 850 જેટલા કોવિડ ટેસ્ટ(આરટીપીસીઆર અને એન્ટીજન બંને મળી) કરવામાં આવી રહ્યા છે.

68 ટકાથી વધુ એન્ટીજન ટેસ્ટ
જિલ્લામાં જે 1 લાખ ટેસ્ટ પૂરા કરવામાં આવ્યા છે તેમાં 68 ટકાથી વધુ (યા 68 હજાર) ટેસ્ટ રેપીડ એન્ટીજન કરવામાં આવ્યાનો અંદાજ છે, કારણ કે હાલ પણ 70થી 75 ટકા એન્ટીજન જ કરાય છે. આરટીપીસીઆર ટેસ્ટ પ્રમાણમાં ઓછા કરાયા છે.

વસતિના અંદાજે 7 ટકા ટેસ્ટ
નવસારી જિલ્લાની હાલની અંદાજીત વસતિ 14.50 લાખની ગણવામાં આવે છે. આ વસતિના પ્રમાણમાં 1 લાખ ટેસ્ટ કરાયા છે, જેને લઈ વસતિના 6.89 ટકા (7 ટકા જેટલા) ટેસ્ટ કરવામાં આવ્યાનું કહીં શકાય.

100 ટેસ્ટ એ 1.4 ટકા જ પોઝિટિવ
નવસારી જિલ્લામાં કરાયેલા 1 લાખ ટેસ્ટમાં માત્ર 1420 પોઝિટિવ આવ્યા છે, જે જોતા ટેસ્ટની સરખામણીએ પોઝિટિવ દર જિલ્લામાં 1.4 ટકા જ આવ્યાનું કહી શકાય છે. જોકે બંને પ્રકારના ટેસ્ટનો પોઝિટિવ દરમાં ભારે ફેરફાર છે. જ્યાં એન્ટીજનો પોઝિટિવ દર ખુબ જ ઓછો છે ત્યાં આરટીપીસીઆર પ્રકારના ટેસ્ટનો દર પ્રમાણમાં વધુ છે.

કોરોનાના શનિવારે 3 કેસ નોંધાયા, કુલ રિકવર 1282
નવસારી જિલ્લામાં હાલ 7-8 દિવસ કોરોનાના કેસ થોડા વધ્યા હતા. 7 થી 9 કેસ રોજ નોંધાતા હતા. જોકે, શનિવારે પુન: પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન ત્રણ જ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે રાહતરૂપ સમાચાર હતા. જે કેસો બહાર આવ્યા છે તેમાં વાંસદા તાલુકાના ચારણવાડા અને ભીનારમાં તથા ખેરગામમાં એક કેસ હતો. નવા 3 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 1420 થઈ ગયા હતા. શનિવારે કોરોનાની સારવાર લેતા વધુ 3 દર્દી રિકવર થયા હતા, જેની સાથે કુલ રિકવર સંખ્યા 1282 થઈ ગઈ હતી. એક્ટિવ કેસ 37 રહ્યા હતા. જે કેસ એક્ટિવ છે તેમાં મહત્તમ 31 દર્દી હોમ આઈસોલેશનમાં હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. હોમ આઇસોલેશનમાં દર્દીઓની સ્થિતિ સારી છે. 6 જેટલા દર્દી હોસ્પિટલમાં હાલ સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...