સુવિધા:જિલ્લો સજ્જઃ સરકારી - ખાનગી હોસ્પિટલમાં 1716 બેડ રેડી

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સામે લડવા ટેસ્ટીગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ

કોરોના નામક વૈશ્વિક મહામારી સામે પ્રજાજનોને કોઈ પણ જાતની અગવડ કે મુશ્કેલી નહીં અનુભવવી પડે તે માટે નવસારી જિલ્લા વહીવટી તંત્રના કર્મયોગી અધિકારી – કર્મચારીઓએ કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સતત સંનિષ્ઠતાથી કાર્ય કર્યું છે.

ગુજરાતમાં પહેલો કોરોના પોઝીટીવ કેસ આવ્યો ત્યારથી જિલ્લા વહીવટી તંત્ર પોતાના નાગરિકોને રક્ષણ પુરૂ પાડવાના પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. નવસારી જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સુસજ્જ બન્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે. એવા સમયે જિલ્લા પ્રશાસને કોરોના સંક્રમણને અટકાવવા ત્વરિત અને અસરકારક પગલાં લીધા છે.

કોરોનાગ્રસ્તોન ે અસરકારક આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે પ્રભારી મંત્રી જીતુભાઇ ચૌધરીના અસરકારક માર્ગદર્શન હેઠળ પ્રભારી સચિવ કે.કે.નિરાલા, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ જિલ્લાવાસીઓના આરોગ્યની જાળવણી માટે અનેકવિદ્ય પગલાં લેવામાં આવ્યા છે.

જિલ્લામાં કોરોના સામે લડવા ટેસ્ટીગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેર અને જિલ્લામાં સંજીવની અને ધન્વંતરી રથોના માધ્યમથી ઘરે સારવાર લેતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ દ્વારા આર્યુવેદિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી રામબાણ ઈલાજ છે ત્યારે જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે તે જરૂરી છે.

શહેર જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રીમ હરોળના કોરોના વોરિયર, 45+ તેમજ 60 વર્ષથી વય ધરાવતા નાગરિકોનું રસીકરણ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓને જરૂરી ઓક્સિજન, દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો કોરોના વાયરસની પ્રથમ લહેરની શરૂઆતથી 10 જાન્યુઆરી સુધીમાં કુલ 5.36 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જરૂરી પગલા લેવામાં આવ્યા છે, તેની સાથે કોવિડ કેસોમાં વધારો થાય તો નાગરીકોને ઝડપથી સઘન સારવાર ઉપલબ્ધ બનાવી શકાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પુરતી તૈયારી પણ કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે જિલ્લામાં 18થી 60ની ઉંમરના વ્યકિતનો 86 ટકા રસીનો પ્રથમ ડોઝ જ્યારે 102 ટકાને (પ્રથમ ડોઝની સામે) રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

જિલ્લામાં તરૂણો-યુવાઓને કોરોના સામે રસીનું સુરક્ષા ચક્ર પ્રદાન કરવાની કામગીરી પણ જોશભેર ચાલી રહી છે. આરોગ્ય અને શિક્ષણતંત્ર દ્વારા થઇ રહેલી આ કામગીરીને લોક સહયોગ મળતાં તેની અસરકારકતા વધી છે. જિલ્લામા 15થી 18 વર્ષની વયજૂથના રસી લેવાને પાત્ર બાળકોને પ્રથમ ડોઝ 69 ટકા રસીકરણની કામગીરી કરી છે. બાકી યુવાઓના વેક્સિનેશનની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે.

જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો સેટેલાઇટ હોસ્પિટલ રૂપે કાર્યરત રહેશે
નવસારી જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને કુલ 1716 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જેમાં 1004 બેડ ઓક્સિજન ફેસિલિટી તથા 187 બેડ વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ધરાવે છે. બાળકોની સારવાર માટે 343 જેટલા બેડ જેમાં 80 ઓકસિજન બેડ અને 26 જેટલા આઇ.સી.યુ.બેડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો સેટેલાઇટ હોસ્પિટલ તરીકે કાર્યરત રહેશે. જેમાં કુલ 300 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

જે સિવિલ હોસ્પિટલ નવસારી, સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ વાંસદા, ચીખલી અને મેંગુષી હોસ્પિટલ બીલીમોરા સાથે લીંકમાં રહીને દર્દીની ક્રીટીકલ સારવાર અંગેની કામગીરી કરશે સંભવિત કોરોનાની ત્રીજી લહેર દરમિયાન પ્રજાજનોને પ્રાણવાયુની અછત નહીં પડે તે માટે જિલ્લામાં કુલ 26 પી.એસ.એ. પ્લાન્ટ છે. તે પૈકી સરકારી હોસ્પિટમાં 12 અને ખાનગી હોસ્પિટલમાં 14 છે જેની દૈનિક ક્ષમતા 13.76 મેટ્રિક ટન ઓકસિજનની છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં કોઇ પણ દર્દીને મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...