ભાસ્કર રિયાલિટી ચેક:નવસારી પાલિકાને અરીસો બતાવતી જર્જરિત ઇમારતો

નવસારી11 દિવસ પહેલાલેખક: ભદ્રેશ નાયક
  • કૉપી લિંક
દાદા ભાઇ શોપિંગ સેન્ટર - Divya Bhaskar
દાદા ભાઇ શોપિંગ સેન્ટર
  • પાલિકાની કેટલાક બિલ્ડીંગોમાં જ્યાં ને ત્યાં ખરેલા પોપડા તથા સળિયા બહાર આવેલી હાલતમાં જોવા મળે છે
  • શહેરમાં સરવે કરી ખાનગી જર્જરિત બિલ્ડીંગોને નોટિસ આપતી પાલિકાની કેટલીક બિલ્ડીંગ સામે કાર્યવાહી કોણ કરશે?

નવસારી શહેરમાં જે ખાનગી બિલ્ડીંગો જર્જરિત છે યા બિસ્માર છે તેનો સરવે કરી અહીંની પાલિકા ખાસ કરીને ચોમાસા અગાઉ ઉનાળામાં મરામત કરાવી લેવા યા વધુ જર્જરિત હોય તેને ઉતારી લેવા નોટિસ આપે છે. આ નોટિસ મળતા કેટલાય મિલકતધારક પગલાં પણ લે છે. બીજી તરફ ખુદ નવસારી-વિજલપોર પાલિકાની જ કેટલીક બિલ્ડીંગોની હાલત ખરાબ હોવાની માહિતી બહાર આવી છે.

પાલિકાની કોઈ બિલ્ડીંગ અતિ જર્જરિત તો નથી પણ જર્જરિત, બિસ્માર કેટલીય જગ્યાએ જોવા મળે છે. 4 જેટલા શોપિંગ સેન્ટરોમાં પોપડા ખરેલ તથા જ્યાં ને ત્યાં સળિયા બહાર આવેલ જોવા મળી રહ્યા છે. પાલિકા હસ્તકની એક-બે શાળાના મકાનની પણ તાકીદે મરામત કરવી જરૂરી જણાય છે. જ્યાં એક તરફ પાલિકા ખાનગી બિલ્ડીંગોમાં જર્જરિત હાલત સુધારવા કડકાઈ દાખવે છે ત્યાં પાલિકાના જ અનેક બિલ્ડીંગોની હાલત ખરાબ જોતા તે તરફ દુર્લક્ષ સેવી રહ્યાનું જોવા મળે છે. જો રિપેરીંગ નહીં કરાય તો આ જર્જરિત મકાન સમય જતાં અતિ જર્જરિત બની શકે છે.

દાદા ભાઇ શોપિંગ સેન્ટર
પાંચ હાટડી વિસ્તારમાં આવેલ દાદભાઇ નવરોજી શોપિંગ સેન્ટરમાં પાલિકાએ કેટલોક ભાગ તો તોડી પાડ્યો છે, પરંતુ હજુ પાછળનો કેટલાક ભાગમાં સળિયા દેખાતા હોય બિસમાર હાલતમાં જોવા મળી રહ્યો છે.

શાંતાદેવી શોપિંગ સેન્ટર
શાંતાદેવી શોપિંગ સેન્ટર

શાંતાદેવી શોપિંગ સેન્ટર
શાંતાદેવી રોડ ઉપર પાલિકાનું શોપિંગ સેન્ટર આવેલું છે. આ શોપિંગ સેન્ટરમાં ફ્લોરિંગ સહિતના કેટલાક ભાગો ઉપર સળિયા બહાર આવેલા ઠેરઠેર જોવા મળે છે.

મોટા બજાર જૂની પાલિકા
મોટા બજાર જૂની પાલિકા

મોટા બજાર જૂની પાલિકા
નવસારી નગરપાલિકા ભૂતકાળમાં વર્ષો અગાઉ મોટા બજાર વિસ્તારમાં ચાલતી હતી. જૂની પાલિકાનો અંદરનો ભાગ બિલકુલ બિસમાર જોવા મળી રહ્યો છે. જોકે, હાલ આ ભાગમાં પાલિકાએ પ્રવેશ બંધ કર્યો છે.

દુધિયા તળાવ શોપિંગ સેન્ટર
નવસારી પાલિકાનું સૌથી મોટું શોપિંગ સેન્ટર દુધિયા તળવા વિસ્તારમાં આવેલું છે. જે નહેરૂ શોપિંગ સેન્ટરના નામે પણ ઓળખાય છે. જ્યાં મરામત કરવા છતાં હજુ અનેક જગ્યાએ જર્જરિત હાલત જોવા મળી રહી છે.

ફુવારા કોમ્યુનિટી હોલ
ફુવારા કોમ્યુનિટી હોલ

ફુવારા કોમ્યુનિટી હોલ
નવસારીમાં ફુવારા નજીક ડો. રમાબેન હોસ્પિટલની સામે પાલિકાનો કોમ્યુનિટી હોલ આવેલ છે. આ કોમ્યુનિટી હોલની બહારની ભાગે સળિયાઓ જોવા મળી રહ્યા છે અને અહીંની બિસ્માર હાલતને જોતા તાકીદે મરામત કરવું જરૂરી બન્યું છે.

રિનોવેશનનું કામ પ્લાનિંગમાં છે
જે બિલ્ડીંગોની હાલત ખરાબ છે અને મરામત જરૂરી છે તેના રિનોવેશનનું કામ પ્લાનિંગમાં છે. જે માટે કન્સલ્ટન્ટ નિમવાના છે. સ્કૂલોના મરામતના તો અંદાજ પણ આવી ગયા છે. લાઈબ્રેરી પાસેની સ્કૂલનો તો ટીએસ પણ આવી જતા કામ શરૂ થશે. > જગદીશ મોદી, ચેરમેન, બાંધકામ સમિતિ,પાલિકા

ડાહી સાસરે ન જાય અને ...જેવો ઘાટ છે
પાલિકાની બિલ્ડીંગો કેટલાક જર્જરિત છે એ વાત સાચી છે. હું જ્યારે ગત ટર્મમાં પાલિકામાં કાઉન્સિલર હતો ત્યારે લેખિત આપેલું જેમાં એમ પણ જણાવ્યું હતું કે પાલિકા જ્યારે બીજાને બિલ્ડીંગ સુધારવા કહે ત્યારે પ્રથમ અમલીકરણ તો પોતે જ કરવું જોઈએ. આ તો ડાહી સાસરે ન જાય અને... જેવો ઘાટ છે. > પિયુષ ઢીમ્મર, કોંગ્રેસ મહામંત્રી, પૂર્વ કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...