ઓછી ઘરાકી:હોળી પર્વ અગાઉ ધાણી-પતાસાની ખરીદીમાં નિરસતા, શનિ-રવિમાં ઘરાકી નીકળવાની આશા

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોળી પહેલા બજારમાં પહોંચાડવા ધાણી ફોડતા વિક્રેતા. - Divya Bhaskar
હોળી પહેલા બજારમાં પહોંચાડવા ધાણી ફોડતા વિક્રેતા.
  • નવસારીના બજારોમાં ધાણી, દાળિયા, પતાસાના હારડાના સ્ટોલ લાગી ચુક્યા છે

રંગોના મહાપર્વ હોળી તેમજ ધૂળેટીના રંગીલા તહેવારને હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ મહાપર્વને અનુલક્ષીને નવસારીના બજારોમાં ધાણી,દાળિયા, પતાસાના હારડાની ખરીદી માટેના સ્ટોલ લાગી ચુક્યા છે. જોકે ગત વર્ષ કરતા આ વખતે ઘરાકી ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. હોળી-ધૂળેટીના પર્વે ધાણી, દાળીયા અને પતાસા ખાવાનો વર્ષોથી અનન્ય મહિમા ચાલ્યો આવે છે. હોળી પ્રગટાવાય ત્યારે તેમાં ધાણી, દાળીયા વગેરે પધરાવી હોળીની પ્રદક્ષિણા કરવાનો પૌરાણિક કાળથી ભારે મહિમા છે. વર્ષ દરમિયાન હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન આ ચીજવસ્તુઓના વેચાણમાં ધરખમ વધારો નોંધાતો રહે છે.

જોકે આ વર્ષે ગણતરીના દિવસો બાકી હોવા છતા પણ બજારમાં ખરીદી ન નિકળતા વિતરકો ચિંતામય બન્યા છે. ધાણીમાં ભાવ વધારો ન કરતા ગત વર્ષ જેટલા જ ભાવ રાખ્યા હોવા છતા પણ ખરીદદારો ન આવતા અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. દર વર્ષે હોળી પર્વના બે-ત્રણ દિવસ પહેલા જે વિતરકોનો અડધો માલ વેચાઇ જતો હતો તેઓનો માત્ર આશરે 10 ટકા જેટલો જ માલ અત્યાર સુધી વેચાયો છે. શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આ સીઝનલ ચીજવસ્તુઓની સીઝનલ માર્કેટ ફકત 15 થી 20 દિવસ પૂરતી જ ગ્રાહકોથી સતત ધમધમતી હોય છે. સ્થાનિક 15 થી વધુ પરિવારોના સભ્યો આ વ્યવસાય પર નિર્ભર છે.

ભાવ વધારો નથી તો પણ ઘરાકી નહીં
ગત વર્ષે ધાણીનો જેટલો ભાવ હતો તેટલો જ ભાવ આ વર્ષે પણ છે, ભાવ વધારો કર્યો નથી. તેમ છતા પણ ઘરાકી નથી. - સરલાબેન લાંબોડે, ધાણી વિક્રેતા

આ વર્ષે ખરીદી નથી
દર વર્ષે આ સમયે અમારો અડધો માલ વેચાય ગયેલ હોય છે. આ વખતે તો ખરીદી જ નથી. શનિ-રવિની રજામાં ખરીદદારો આવે તેવી આશા છે. - લક્ષ્મણભાઇ લાંબોડે, ધાણી વિક્રેતા

અન્ય સમાચારો પણ છે...