હુકુમ:DGVCLના કર્મીની બેદરકારી, ગ્રાહક કોર્ટનો વળતર માટે આદેશ, લારીને વીજ જોડાણ આપ્યા બાદ કાપી નંખાયુ હતું

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી DGVCLના અધિકારીઓએ ચકાસણી કર્યા વગર સ્ટેશન પાસે આવેલી સરબતની લારી વીજ જોડાણ ફાળવી દીધું પણ બે દિવસ બાદ વીજ જોડાણ કાપી નાંખતા અરજદારે ગ્રાહક કોર્ટમાં જતા વળતર ચૂકવણી કરવાનો આદેશ કર્યો હતો. બાદમાં રિવ્યુ અરજી DGVCLએ કરતા કોર્ટે અરજી ફગાવી દીધી. અગાઉનો હુકમ યથાવત રાખ્યો હતો. નવસારીના શિવનગરમાં રહેતા કિશોરભાઈ પટેલ સરબતની લારી ચલાવતા હતા. તેમણે સરબતની લારીમાં વીજ પુરવઠો મેળવવા અરજી કરી હતી. 12મી ડિસેમ્બર-2017એ વીજ કનેક્શન જોડી આપ્યું હતું અને 14 ડિસેમ્બરે વીજ કંપનીના અધિકારીઓએ વીજ જોડાણ રદ કરી નાંખ્યું હતું.

જેથી કિશોર પટેલે એડવોકેટ નયન ડી.વકીલ મારફતે ગ્રાહક તકરાર નિવારણમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં DGVCLના અધિકારીઓએ તપાસ કર્યા વગર કેટલીક ગેરસમજના કારણે વીજ જોડાણ આપી દીધું હોવાનું જણાવ્યું હતું પરંતુ ગ્રાહક કોર્ટે તેમને ઠપકો આપીને ગ્રાહકને શારીરિક-માનસિક ત્રાસ બદલ રૂ. 20 હજારનું વળતર જે તે અધિકારી પાસેથી વસૂલ લેવાનો આદેશ કર્યો હતો.

આ બાબતે DGVCLએ ગ્રાહક કોર્ટમાં રિવ્યુ અરજી દાખલ કરી હતી પરંતુ ગ્રાહક કોર્ટે DGVCLની રિવ્યુ અરજી પણ ફગાવી ગ્રાહકને વળતર આપવાનો અગાઉનો ચૂકાદો યથાવત રાખ્યો હતો. આ ચૂકાદાને લઇને ગ્રાહકોની ફોરમ તરફ વધુ એક વખત આશા જન્મી છે અને ન્યાય તરફ ઝોક વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...