મંદિરમાં ભક્તોની હકડેઠઠ ભીડ:નવસારીના આશાપુરી મંદિરમાં હવન અષ્ટમીએ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા, આદિવાસીઓનું ઘેરૈયા નૃત્ય બન્યું આકર્ષણનું કેન્દ્ર

નવસારી2 મહિનો પહેલા

નવસારી શહેરના દુધિયા તળાવ પાસે આવેલું આશાપુરી મંદિર ગાયકવાડી રાજનું પ્રતિક માનવામાં આવે છે ત્યારે આજે આઠમા નોરતે આશાપુરી મંદિરમાં આયોજિત હવનમાં શ્રીફળ હોમવા માટે મોટી સંખ્યામાં દર વર્ષે માઈ ભક્તો ઉમટી પડે છે, ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરમાં જોવા મળ્યાં હતા. કોરોનકાળ બાદ આ પ્રથમ વર્ષ એવું છે કે જેમાં કોઈ પણ સરકારી ગાઈડલાઈન નથી અને તમામ ધાર્મિક તહેવારો છૂટથી ઉજવવામાં આવી રહ્યા છે, ત્યારે ગાયકવાડી શાસનમાં નિર્મિત થયેલું આશરે 385 વર્ષ જૂનું આશાપુરી મંદિર સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આઠમના દિવસે દર વર્ષે માઇ ભક્તો અચૂક માતાના દર્શન કરે છે. સવારથી મંદિરમાં ભક્તોની કતાર લાગે છે.

મંદિર બહાર ઘેરૈયા નૃત્યનું આકર્ષણ
મંદિર પરિસરની બહાર આદિવાસી પુરુષો ઘેરૈયા બનીને નૃત્ય કરે છે. જેને જોવા અને તેમના આશીર્વાદ લેવા એ પણ એક લ્હાવો છે. નવરાત્રી દરમિયાન દ.ગુજરાતમાં ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવે છે. પુરુષો ઘેર બાંધીને સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને માતાજીના ગરબા પર દાંડિયા રમે છે. પોતાની વિશિષ્ઠ ઢબમાં તેમને ગરબે રમતા નિહાળવું એ પણ એક લ્હાવો છે.

શું છે આશાપુરી મંદિરનું મહત્મય?
દક્ષિણ ગુજરાતના પૌરાણિક મંદિરોમાનું એક નવસારીના દુધિયા તળાવની પાળે આવેલુ માં આશાપુરીનું મદિર આશરે 385 વર્ષ જુનું છે. આ મંદિરની લોક્વાયકા એવી છે કે, નવસારીમાં વડોદરાના ગાયકવાડનું રાજ હતું. ગાયકવાડી રાજના પાંચ પ્રાંતોમાંનુ એક નવસારીના સુબાને માં સપનામાં આવ્યાં હતા અને કહ્યુ હતું કે, હું દુધિયા તળાવ નજીક જમીનમાં છુ મને બહાર કાઢ. સપના અનુસાર સુબાએ જમીન ખોદાવી તો દૈવીની મુર્તિ નિકળી અને સુબાએ નાની ડેરી બનાવી માંની સ્થાપના કરી હતી. બાદમાં સુબાની માનતા પ્રમાણે માતાએ તેના ઘરે પુત્ર રત્ન આપ્યું. સુરત રહેતી પત્નીને મળવા જવા સુબો નિકળ્યો પણ પુર્ણામાં ઘોડાપૂર હોવાના કારણે જઇ ના શક્યો, જેથી સુબાએ માતાજીને પ્રાથના કરી અને પુર ઓસરી ગયા હતા. જેથી માતાજીનુ નામ આશાપુરી માતાજી પડ્યુ હતું.

ભક્તો નારિયળ હોમી માના આશિર્વાદ પ્રાપ્ત કરે છે
ગાયકવાડી રાજથી માંદિરના પુજારીઓ ચૈત્ર અને આસો માસની અ‍ષ્ટમીએ માતાજીનો હવન કરે છે. જેમાં દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં માઇ ભક્તો આવે છે અને નારિયળ હોમી માના આશિર્વાદ પ્રાપ્ત કરે છે. દક્ષિણ ગુજરાતના પ્રચલિત શક્તિ મંદિરોમાંના એક એવા આશાપુરી માતાજીના ભક્તો નવરાત્રિમાં દરરોજ માતાજીના શૃંગારિત દર્શનનો લાભ લેવા શ્રધ્ધા સાથે ઉમટી પડતા હોય છે.

કહેવાય છે કે, આશાપુરી માતાજી પાસે ભક્ત જે પણ મનોકામના લઇને આવે છે તે પુરી થાય છે. જેના કારણે જ અહી પારણા બંધાય છે, બાબરી ઉતરે છે, વિવાહ સંબંધ બંધાય છે અને લગ્નો પણ થાય છે. 1982માં મંદિર ટ્રસ્ટ બન્યુ અને આશાપુરી માતાજી મંદિરનો જિર્ણધ્ધાર કરવામાં આવ્યો હતો. આશાપુરી માતાજીના આ ભવ્ય મંદિરે હજારો માઇ ભક્તો માંના આશિર્વાદ લેવા દોડી આવે છે.

અન્ય સમાચારો પણ છે...