નવસારી શહેરમાં 35 વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતમાં આવેલા પાલનપુર, થરાદ વાવ, ડીસા અને આસપાસના ગામોના લોકો ડાયમંડ સિટી ગણાતી નવસારી શહેરમાં ધંધા અર્થે સ્થાયી થયા હતા. કોરોના મહામારી દરમિયાન ધંધા માટે આવનજાવન માટે ટ્રેનસેવા બંધ થઈ ત્યારબાદ અનિયમિતતાને કારણે નવસારીમાં રહેતા ઉત્તર ગુજરાતના જૈન પરિવારો 200થી વધુ સુરત કે મુંબઈ વિસ્તારમાં સ્થળાંતર થઈ ગયાની ચોંકાવનારી માહિતી મળી છે.
જેમાં નવસારીના આર્થિક વિકાસ કહી શકાય તેવા ધંધા-રોજગાર નહીં, અભ્યાસ બાદ નોકરીની અસલામતી તેમના વાલીઓને કોરી ખાતી હોય અને હાલના સંજોગોને લઈ નવસારીની હવે ડાયમંડ સિટીની છાપ ભૂંસાઈ રહી હોય જૈન પરિવાર સહિત અન્ય સમાજના પરિવાર પણ અન્ય વિકાસશીલ શહેરમાં ખસી રહ્યાં છે. નવસારી શહેર એક સમયે ડાયમંડ સિટી તરીકે નામના ધરાવતું હતું. જેમાં લોકો રત્નકલાકાર તરીકે કામ કરવા સરકારી નોકરી પણ છોડી દેતા હોવાની વાતો જાણવા મળી છે
. તે વખતે નવસારીમાં રત્નકલાકારો તરીકે ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાંથી લોકો આવીને નવસારીને કર્મભૂમિ બનાવીને તેઓએ પોતાનું અને પરિવારનું ભવિષ્ય ઉજળું બનાવ્યું હતું. છેલ્લાં ઘણા સમયથી હીરાના ઉદ્યોગોમાં તેજી-મંદીના ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. ધીરે ધીરે ડાયમંડ ઉદ્યોગ સુરત અને અન્ય શહેરમાં ખસી રહ્યો છે. અન્ય ઉદ્યોગ એકવાર બન્યા પછી તે ઉભા થયા નથી. આર્થિક વિકાસનો પાયો ઉદ્યોગો હતા તેની દશા સારી નથી. કાપડ ઉદ્યોગમા બે મોટી મિલ બંધ થયા બાદ નવસારીમાં ઘણા ઉદ્યોગો બંધ થયા છે.
જેમાં ડાયમંડ ઉદ્યોગ પણ ધીરે ધીરે તેની ઉજાસ ખોઈ બેઠો છે. તો જીઆઇડીસીમાં પણ ઉદ્યોગ મરવા પડ્યા છે, જેના એક કારણ ટ્રાન્સપોર્ટેશનમાં કોરોના બાદ ટ્રેન-બસ સેવાને પણ ગ્રહણ લાગતા લોકો ધંધા માટે નવસારીથી અન્ય શહેરમાં જઈ શક્યા ન હતા. આ બાબતે રેલવે સમિતિ સભ્યો દ્વારા ઘણી રજૂઆત કર્યા બાદ અમુક ટ્રેનો શરૂ થઈ છે. અમુક ટ્રેન સુરતથી ઉપડતી હોય લોકોને સુરત જવું પડે છે. જ્યારે સ્થળાંતર થયેલા પરિવાર સુરતના વેસુ વિસ્તારમાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે.
નવસારીમાં શુ રહેલું છે ? એક સળગતો પ્રશ્ન
નવસારી શહેરમાં એમ તો પાંચ વર્ષ પહેલાં જ ઉત્તર ગુજરાતના નવસારી આવેલા જૈન સમાજ સુરત અને મુંબઈ સ્થળાંતર થવા લાગ્યો હતો. કોરોના મહામારી બાદ થયેલ આર્થિક અને કૌટુંબિક સમસ્યાને કારણે જૈન અને અન્ય સમાજ પણ સ્થળાંતર થઈ રહ્યા છે. જેના કારણે અભ્યાસ બાદ પોતાના સંતાનોના ભવિષ્ય માટે, નવસારીનો આર્થિક વિકાસ જ પડી ભાગ્યો છે. સરકાર દ્વારા કોઈપણ ધંધાને સહાય નહીં કરવા, કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાઈ નથી તો સામાજિક કારણમાં સગપણ માટે સુરત અને મુંબઈના છોકરીઓના વાલીઓની માંગ નવસારીના છોકરાઓ પ્રત્યે ખૂબ ઓછી હોય છે. જેમાં છોકરીઓ ખાસ કરી મેટ્રો સિટીમાં રહેવા માંગતી હોય છે. જેથી નવસારીના યુવાનોની ધરાર અવગણના થતી હોય છે.
ડાયમંડ હબ જયપુર જવા નવસારીના વેપારીઓએ સુરત સુધી લંબાવુ પડે છે
કોરોના બાદ ઘણી ટ્રેનો બંધ થઈ ગઈ હતી. જયપુર-બાંદ્રા સ્ટોપેજ નવસારી રેલવેને સ્ટોપેજ મળે તે માટે વારંવાર રજૂઆત કરી તેના કારણમાં છેલ્લા ઘણા સમયથી હિરાનો ધંધો રાજસ્થાનના જયપુર તેમજ આજુબાજુની સિટી સાથે છે. નવસારીના લોકોએ ટ્રેન પકડવા સુરત જવું પડે છે. નવસારીથી બપોરે 12થી 1 વાગ્યાના સમયે 3થી 4 હજાર હિરાના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓ સુરત જતા હોય છે. અગાઉ વિરાર-સુરત લોકલ ટ્રેન જતી હતી. તે 3 વરસથી બંધ છે.
સુરત ડાયમંડ બુર્સના કારણે એક નવા બિઝનેસની હારમાળા શરૂ થઇ શકે
સુરત ગુજરાતની આર્થિક વિકાસની હોમ પીચ છે. સુરતમાં બિઝનેસ કરવા માટે મોટું ફિલ્ડ છે. આવનાર સમયમાં સંતાનો માટે મોટું ફિલ્ડ મળી શકે. સુરત ડાયમંડ બુર્સના કારણે એક નવા બિઝનેસની હારમાળા શરૂ થઈ શકે. મેગાસિટીનો લાભ મળે તે માટે સુરત સ્થળાંતર કર્યું છે. - તરૂણ જોગાણી, હાલ સુરત અને પૂર્વ પ્રમુખ નવસારી ડાયમંડ એસો.નવસારી.
નવસારીમાં પ્રોફેશનલ કોર્સ ઓછા છે
નવસારીમાં એજ્યુકેશન બાબતે પ્રોફેશનલ કોર્સ ઘણા ઓછા છે. નવસારીમાં બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે કોઈ મોટો સ્કોપ નથી. ટ્રાન્સપોર્ટની સુવિધા બરાબર નથી. જ્યારે સુરત જેવા સ્થળોએ તમને દરેક પ્રકારની સુવિધા મળી શકે. નવસારીમાં હજુ થીંકીંગ ઓછું છે. જ્યારે મેટ્રોસિટીમાં લોકો ઉચ્ચ વિચાર ધરાવે છે. સંતાનોના બ્રાઇટ ફ્યુચર માટે અમે નવસારીથી સ્થળાંતર કર્યું છે. - હિરલબેન સોની, ગૃહિણી, 1 વરસથી સુરત મૂળ નવસારી
બનાસકાંઠા જૈન સમાજના 270 પરિવાર સુરત અને 125 મુંબઈ વસી ગયા છે
નવસારી શહેરમાં આર્થિક વિકાસ નહીં હોય કોઈ મોટા ઉદ્યોગ-ધંધા નહીં હોય અને કોરોના બાદ ટ્રેનસેવા પડી ભાંગતા વેપારીઓ હવે તેમના સંતાનો શૈક્ષણિક અને ધંધાકીય વિકાસ માટે યોગ્ય નથી તેવું માની રહ્યા છે. બનાસકાંઠાના જૈન સમાજના 270 પરિવાર સુરત અને 125 મુંબઈ વસી ગયા છે. તેમનું કહેવું છે કે નવસારીમાં શું છે. તેમની દલીલ સંજોગોને અનુરૂપ હોય છે પણ આર્થિક વિકાસની પારાશીશી ટ્રેનસેવા જ છે. જો નવસારીના જાહેર સેવકો એક્ટિવ થઈ રેલવે વિભાગમાં રજૂઆત કરે તો જ હવે નવસારીમાંથી વેપારીઓ અને ક્રીમ પીપલના સ્થળાંતર અટકી શકે. - સંજય શાહ, મંત્રી, નવસારી ડાયમંડ એસો. અને ZRUCC કમિટી મેમ્બર મુંબઈ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.