નવસારી જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના નજીવા પગારવધારા બાબતે કર્મીઓમાં નારાજગી હોય પગારવધારો કરવા માગ કરતું આવેદનપત્ર સર્વશિક્ષા અભિયાનના પ્રમુખને મોકલી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
તાજેતરમાં સમગ્ર સર્વ શિક્ષા અભિયાનમાં ગુજરાતમાં જિલ્લા-બ્લોક ક્ક્ષાએ ફરજ બજાવતા તમામ કર્મચારીઓમાં એમ.આઈ.એસ. કો.ઓર્ડિનેટર, ઓફિસ આસિસ્ટન્ટ - ડેટા એન્ટ્રી ઓપરેટર-પટાવાળા કમ સ્વીપરના 7 % જેટલા નજીવા પગાર વધારા કરવા બાબતે કર્મચારીઓમાં નારાજગી ફેલાઈ છે.
નવસારી સર્વ શિક્ષા અભિયાનના 70થી વધુ કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓએ સર્વ શિક્ષા અભિયાનના પ્રમુખને લેખિતમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે શિક્ષા ગુજરાત રાજ્ય અંતર્ગત જિલ્લા તેમજ બ્લોક ક્ક્ષાએ કમ્પ્યૂટર વિભાગના પાયાના કર્મચારીઓ જેવા કે ડિસ્ટ્રિક્ટ એમ.આઈ એસ., ડિસ્ટ્રિકટ ડેટા એન્ટ્રી ઓપરેટર, બ્લોક એમ.આઈ.એસ, બ્લોક ઓફિસ આસિસ્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટરો તેમજ પટાવાળા કમ સ્વીપર નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
આમ છતાં પણ ચાલુ વર્ષે 7% જેટલા (10000/- પગાર વાળાને માત્ર 700/- રૂ.જેટલો વધારો) નજીવા ટકાવારીમાં ફક્ત કહેવા માત્રનો પગાર વધારો કર્યો છે. જેના વિરોધમાં શુક્રવારે તાલુકા-જિલ્લા અને રાજ્ય ક્ક્ષા સુધી ફરજ ઉપર નોકરીના સમય દરમિયાન કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી ફિક્સ પગારના કર્મચારીઓ પોતાની માંગણી સંદર્ભે અવારનવાર રજૂઆત કરતા રહે છે, પરંતુ બહેરા કાને તંત્ર કંઇ સાંભળતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.