ઘારી બજારમાં તેજી:લોકડાઉન બાદ પ્રથમ વખત ઘારીની ડિમાન્ડ વધી, નવસારીમાં ચંદની પડવાને લઈને થનગનાટ

નવસારીએક મહિનો પહેલા
  • તાપી થી વાપીમાં ઘારી આરોગવાનો ઉત્સવ આવ્યો
  • નવસારી જિલ્લામાં સિઝનમાં આશરે 25 હજાર કિલો ઘારી ખવાય છે

કોરોનાએ તમામ તહેવાર અને ઉત્સવની રોનક છીનવી હતી. ત્યારે હાલ કોરોનાના કેસ ઓછા થતા સરકારે છૂટછાટ આપતા લોકો આગામી દિવાળી તહેવારને લઈ મીઠાઈ આરોગવા તલપાપડ થઈ રહ્યા છે. દ. ગુજરાતની ઓળખ અને જેનું અહીં જ અસ્તિત્વ જ નિર્માણ પામ્યું છે. એવી ઘારી મીઠાઈ આ વર્ષે મોટી સંખ્યામાં બની રહી છે. તાપીથી વાપી વચ્ચે વસેલી પ્રજા ઉત્સવ ઉજવવા અને ભોજન પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે. નવસારીમાં વેપારીઓને ઘારીની ડિમાન્ડ વધતા ઓર્ડર બંધ કરવાની નોબત આવી છે.

આમ તો સુરતમાં ઘારીની શોધ થઈ હતી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે ઘારીની ડિમાન્ડ વધતી રહી છે. સુરતમાં તો કરોડોની ઘારી લોકો ખાય છે ત્યારે પાડોશી શહેર નવસારીમાં પણ સીઝનમાં આશરે 15 હજાર કિલો અને જિલ્લામાં આશરે 25 હજાર કિલો ઘારી ખવાય છે. સાથે 5 હજાર જેટલી ઘારી વિદેશમાં એક્સપોર્ટ થાય છે. આમ તો ઘારી સમગ્ર વર્ષ દરમ્યાન મળે છે પણ ચાંદની પડવા પર ઘારીના ટેસ્ટમાં ચાર ચાંદ લાગે છે. ઘારીને સુરતી ભુસા (ફરસાણ)સાથે આરોગવામાં આવે છે.

મોંઘવારી વધી છતાં ભાવ નિયંત્રિત

સુકામેવા અને ઘીમાં વધેલા ભાવની સામે ઘારીને હોલસેલમાં બનાવતા વેપારીઓએ માત્ર 20 રૂપિયાનો વધારો કર્યો છે, એટલે આ વર્ષે કેસર બદામ પિસ્તા ઘારી 640 રૂપિયા કિલો વેચાશે. કોરોનાને કારણે ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી છે, છતાં ઘારીની વાત આવે ત્યાં લોકો બીજા અન્ય ખર્ચાઓ પર કાપ મૂકીને કમસેકમ 1 કિલો ઘારી તો આરોગશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.

ઘારીના વેપારી કમલેશ ગાંધીના જણાવ્યાં મુજબ દ. ગુજરાતમાં ઘારી આરોગવાનું ખૂબ મહત્વ છે ત્યારે આ વર્ષે માર્કેટ સારું રહેશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે અમને ઘારીનો સારો એવો ઓર્ડર મળ્યો છે અને હવે ઓર્ડર પ્રમાણે સ્ટોક તૈયાર કરીને તમામ ગ્રાહકોને ના પાડવી પડી રહી છે. તેવી સ્થિતિ ઉતપન્ન થઈ છે.

અન્ય સમાચારો પણ છે...