આકર્ષણમાં વધારો:ડાંગને પ્રકૃતિ જિલ્લો ઘોષિત કરાતા ડાંગી ભોજનની ડીમાન્ડ વધી, લોકોને નાગલીના રોટલા ઘેલા લાગ્યા

નવસારી12 દિવસ પહેલા
  • નાગલીમાંથી બનતા બેકરી પ્રોડક્ટ અને નાહરી કેન્દ્રો ઉપર મળતા સ્વાદિષ્ટ ભોજન ડાંગની વિશેષ ઓળખ
  • સરકારની વિવિધ યોજના હેઠળ આદિવાસી ખેડૂતો નાગલીનો પાક મેળવી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે

ડાંગ જિલ્લાને રાજ્ય સરકારે ઓર્ગેનિક જિલ્લો જાહેર કર્યો છે. જેમાં અહીની શુદ્ધતા અને પૌષ્ટિકતા ધરાવતા ઔષધિ ઉત્પાદનોમાં સફેદ મુસળી, અને ધાન્ય એવા નાગલી અને ડાંગરનું પણ ખાસ મહત્વ છે. ખાસ કરીને ડાંગની ઉપજ એવી નાગલીમાંથી બનતા બેકરી પ્રોડક્ટ અને નાહરી કેન્દ્રો ઉપર મળતા સ્વાદિષ્ટ ભોજન ડાંગની વિશેષ ઓળખ છે, ત્યારે અહીં પ્રવાસે આવતા સહેલાણીઓ ડાંગની નાહરીનો આસ્વાદ માણવાનું ચુકતા નથી.

વન પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં સ્થાનિક લોકો નાગલીની ખેતી કરે છે, આ નાગલીમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન અને ફાયબર હોય છે, જેના સેવનથી લોકોના હાડકા ખુબ જ મજબૂત હોય છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ પણ અન્ય લોકો કરતા વધારે હોવાનું માનવામાં આવે છે, ચોમાસા દરમિયાન ડાંગના મોટા ભાગના ખેડૂતો નાગલી જેને રાગી પણ કહેવામાં આવે છે તેની ખેતી કરતા જોવા મળે છે.

સરકારની વિવિધ યોજના હેઠળ આદિવાસી ખેડૂતો નાગલીનો પાક મેળવી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. રાજ્ય સરકાર નાગલીના પાક માટે તાલીમ આપે છે અને ખેતી માટે અન્ય રીતે મદદ પણ કરે છે. ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લાના લોકોના રોજિંદા ખોરાકમાં વપરાતી નાગલી હવે ધીમેધીમે શહેરોમાં રહેતા લોકો પણ અપનાવતા થયા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ અને એનજીઓ દ્વારા સ્થાનિક મહિલાઓને રોજગારી પુરી પાડવા ત્રણ તાલુકામાં અનેક જગ્યાએ નાહરી કેન્દ્રો સ્થાપવા આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે.

ડાંગમાં આવેલા પ્રવાસન સ્થળો ઉપર આ નાહરી કેન્દ્રોમાં ડાંગી ભોજનનો સ્વાદ ચાખવા મળે છે. જેમાં નાગલીના રોટલા, નાગલીના પાપડ, ચોખા ના રોટલા, અડદની દાળ અને વિવિધ ચટણી સાથે શાકભાજી બધુંજ ઓર્ગેનિક ભોજન પીરસવામાં આવે છે. ચૂલાહ ઉપર બનતું નાહરીનું ભોજન એટલું સ્વાદિષ્ટ હોય છે કે એકવાર આ ડાંગના ભોજનનો સ્વાદ ચાખ્યા પછી લોકો વારંવાર નાહરીમાં આવે છે. ડાંગના નડગખાડી ગામની મહિલાઓ નાગલીમાંથી વિવિધ પ્રકારના બિસ્કિટ બનાવી પગભર બની છે જેમના બિસ્કિટની આજે રાજ્યભરમાં ખુબજ માંગ છે. ઘઉં અને મેદામાંથી બનતા બિસ્કિટ કરતા આ બિસ્કિટનો સ્વાદ અલગ છે. આ બિસ્કિટ ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે અને ખૂબજ શક્તિ વર્ધક હોવાથી લોકો હવે નાગલીના બિસ્કિટ તરફ વળી રહ્યા છે. ડાંગમાં સ્થાનિક લોકો નાગલીની પ્રાકૃતિક ખેતી કરી આવક મેળવતા થયા છે ત્યારે, બીજી તરફ બેકરી ઉદ્યોગ અને નાહરી કેન્દ્રોમાં કામ મળતા સ્થાનિક મહિલાઓને કાયમી ધોરણે રોજગારી પણ ઉભી થઇ ગઇ છે. જેનાથી મહિલાઓને અન્ય સ્થળે મજૂરી કરવા જવું પડતું નથી. એ માટે મહિલાઓ રાજ્ય સરકારનો આભાર માને છે.

આદભૂત ભોજન
આદભૂત ભોજન
અન્ય સમાચારો પણ છે...