નવસારીના કબીલપોરમાં જૂની જીઆઇડીસીમાં આવેલ રિલાયન્સ જીઓની માલિકીની વનવર્લ્ડ લોજીસ્ટીક કંપનીમાં ગત 14મી ફેબ્રુઆરીએ ચોરી થઈ હતી. આ ચોરીમાં સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ડિલીવરી બોયનું નામ આવતાં ગ્રામ્ય પોલીસે તેની અટકાયત કરી પૂછતાછ કરતા યુવાને જ ચોરી કરી હોવાનું સ્વીકારતા ચોરીના નાણાં રિકવર થયાં હતાં.
જરૂરિયાત કરતાં વધારે ખર્ચા અને ટૂંકી આવક ક્યારેક લોકોને ઊંધી દિશા તરફ જવા માટે પ્રેરણા આપે છે. નવસારીના યુવાન સાથે પણ કંઈક આ જ પ્રકારની ઘટના બની છે. કબીલપોરમાં જૂની જીઆડીસીમાં આવેલ વનવર્લ્ડ લોજીસ્ટીક પ્રા. લિ.ના મેનેજરે તેમની ઓફિસમાં નિયમિત રોકડ મુકાતી હોવાની જાણ ડિલિવરી બોયને હતી. જેથી તેણે ચોરી કરવાનો પ્લાન બનાવી તેને સિફતપૂર્વક અંજામ આપ્યો હતો. પણ પોલીસના ત્રીજા નેત્ર સમાન શહેરમાં ઠેરઠેર લાગેલા CCTVએ તેનો ખેલ ઊંધો પાડ્યો હતો અને નવાસવા ચોર બનેલા યુવાનને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
ચોરીમાં ઓફિસમાં કામ કરતા યુવાનનું નામ શકમંદ તરીકે આવ્યું હતું. કોલ ડિટેઇલ, ટેકનિકલ સર્વેલન્સને આધારે ઓફિસમાં કામ કરતા ડિલિવરી બોય રોનક રાઠોડની શામેલગીરી હોવાનું ખબર પડતાં પોલીસે તેની અટકાયત કરી હતી. તેમજ પૂછતાછમાં તે ભાંગી પડતા પોલીસે તેની પાસેથી રોકડ રિકવર કરવામાં સફળતા મેળવી હતી.
ચોરીનો પ્લાન કેવી રીતે ઘડ્યો?
વિજલપોરનો રોનક રાઠોડ નામનો યુવાન કંપનીમાં ડિલીવરી બોય તરીકે કામ કરતો હોવાથી તેને કંપની લોકરની ચાવી અને નાણાં ક્યાં મૂકાય છે તેની ખબર હતી. એક દિવસ અગાઉ તે ડ્રોઅરમાં મુકેલી ચાવી પોતાની સાથે ઘરે લઈ ગયો હતો. 14મી ફેબ્રુઆરીએ મળસ્કે 3.30 વાગ્યાના સમયે પોતાની મોપેડ લઈને કંપનીમાં ગયો અને ચાવી વડે તાળું ખોલી પ્રવેશ કરી કબાટની તિજોરીમાંથી રૂ. 19.18 લાખ રોકડા ચોરી ઘરે જતો રહ્યો હતો. રોનક રાઠોડની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઘરનું દેવું વધી જતા દેવામાંથી મુક્ત થવા તેણે ચોરીનો આશરો લીધો હતો. ચોરી કર્યા બાદ રોનકે 22 હજાર રૂપિયા વાપરી નાંખ્યા હોવાની પણ માહિતી મળી છે.
ડીવીઆર કબજે લેવાયું
આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસના પીઆઈ કે.એલ.પટનીએ જણાવ્યું હતું કે કંપનીમાંથી રૂ. 19.18 લાખની રોકડની ચોરી કર્યા બાદ પોતે પકડાઈ જવાની બીકે રોનકે ઓફિસના ડીવીઆરની ચોરી પણ કરી હતી. ઘરે જતી વેળા ઇટાળવા પાસે તળાવમાં તેણે ડીવીઆર નાંખી દીધું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તરવૈયાની મારફતે આ ડીવીઆર પણ કબજે લીધું હતું. જો કે ટેકનિકલ સર્વેલન્સમાં રોનકની હાજરી દેખાઈ આવતા તેની અટકાયત કરી રૂ. 18.96 લાખ રોકડા, મોબાઈલ, મોપેડ મળી કુલ 19.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.