ગિરિમથક સાપુતારા ખાતે આવેલા સાઈલીલા નામના બંગલોમાં રાત્રે પાર્કિંગમાં દીપડો ઘૂસી આવ્યો હતો. જેમાં સૂતેલા શ્વાન પર એકાએક હુમલો કરતાં શ્વાનએ પણ પ્રતિકાર કર્યો હતો. બંગલાના માલિક જાગી જતા દીપડો ત્યાંથી નાસી છુટ્યો હતો, જેને લઈને શ્વાનનો બચાવ થવા પામ્યો હતો. દીપડાના બંગલાના પ્રવેશ અને હુમલાની સમગ્ર ઘટના CCTVમા કેદ થઇ છે.
આ સમગ્ર ઘટના બનતા સ્થાનિકો ભય હેઠળ જીવી રહ્યાં છે. ત્યારે દીપડો ફરિવાર રહેણાંકમાં ન આવે અને હુમલો ન કરે તે માટે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગે પાંજરું મુકીને દીપડાને ઝડપી પાડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.
દક્ષિણ ગુજરાતમાં જંગલો બોડા થતા દીપડાની પ્રજાતિ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. સાથે તેમના ખોરાકનો પણ પ્રશ્ન વિકટ બનતા દીપડાઓ મોટાભાગે રહેણાંક મકાનમાં નાના બાળકો, મરઘી શ્વાન પર હુમલો કરતા સતત જોખમી સાબિત થઈ રહ્યા છે. ત્યારે ફરિવાર ગિરિમથક સાપુતારામાં કે જ્યાં મોટે ભાગે સહેલાનીઓએ પ્રવાસ અર્થે આવતા હોય એવા સ્થળ પર દીપડો દેખાતા સહેલાણીઓ અને સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.