આ વર્ષે તાપમાનમાં વધારો થતાં નવસારીમાં કેરીનું ઉત્પાદન ઘટ્યું છે. તેમજ ખેતીમાં મજૂરી અને ખાતરમાં ભાવ વધારો થતા મૂડી રોકાણ પણ ન નીકળે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાતરનો છંટકાવ અને બીજા અન્ય ખર્ચાઓ જેમ કે, મજૂરી, પેકિંગમાં વધારો થતાં ઝાડ પર રહેલી કેરી કઈ રીતે તોડવી અને તેને કઈ રીતે APMC સુધી પહોંચાડવી તેની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે.
બદલાયેલા વાતાવરણે ખેડૂતોની કમર તોડી નાખી છે. આ વર્ષે કેરીનો માત્ર 20 ટકા પાક જ બચ્યો છે. જેથી કેરી વેચવાનું ગણિત બગડ્યું છે. જેને કારણે વેપારીઓ સહિત ખેડૂતો પણ કેરી તોડી ને માર્કેટમાં કઈ રીતે પહોંચાડશે તેની વિમાસણમાં પડ્યા છે.
ખેડૂતને પોતાના ખેતરથી APMC સુધી કેરીને પહોંચવા માટેના ગણિત પર નજર કરવામાં આવે તો સૌપ્રથમ પ્રતીમણના 10 ટકા દલાલી આપવી પડે છે, પ્રતિ મણ ટેમ્પો ચાલકને 80 રૂપિયા આપવા પડે છે. 50 રૂપિયા પેકિંગ, 50 રૂપિયા પ્રતિમણ કેરી ઉતારવા વાળા મજૂરને આપવા પડે છે. આમ આંબા પર લાગેલી કેરીને ઉતારવામાં આશરે 1500 સુધીનો ખર્ચ થાય છે. તો બીજી તરફ ઉત્પાદન ઘટતા ખેડૂતોને ખાતરના છંટકાવના પૈસા નીકળશે કે કેમ તેની પણ ચિંતા છે.
ગત વર્ષે પ્રતિ મણ ખેડૂતોને 600 રૂપિયા જેટલો ખર્ચો આવતો હતો તે વધીને હવે 1500 રૂપિયા થયો છે. ત્યારે તેની સીધી અસર વેપારીઓ અને ખરીદદારો પર પણ પડશે. જેથી મધ્યમ વર્ગ કેરી કઈ રીતે ખરીદશે તેનો જવાબ મળવો મુશ્કેલ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મહેનતથી પકવેલા ખેતપેદાશની જ્યારે માર્કેટમાં લઈ જવામાં આવે છે અને તેની વેપારીઓ હરાજી કરે છે ત્યારે ઓછા પૈસામાં ક્યારેક હરાજી થાય છે. જેથી પણ ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવે છે.
ખેડૂત દીપક નાયકના જણાવ્યા મુજબ સતત બદલાતા વાતાવરણને કારણે ખેતીનો વ્યવસાય દિવસેને દિવસે જોખમી બનતો જાય છે જેને કારણે રાત-દિવસ એક કરીને કરેલી મહેનત પર વાતાવરણ પાણી ફેરવે છે ત્યારે આગામી પેઢી આ વ્યવસાય ટકાવી રાખશે કે કેમ તેવી ચિંતા આજની પેઢીને સતાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.