ગોજારી ઘટના:વીજતાર પડતા કરંટથી સાળાનું મોત, બનેવીને ઇજા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ભાવિનની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક ભાવિનની ફાઈલ તસવીર
  • શ્રીજી વિસર્જન બાદ સંદલપોર ગામે બાઇક પર પરત થતી વખતે બનેલી ઘટના

નવસારીના સંદલપોર ગામના સાળા-બનેવી ગણેશ વિસર્જન પતાવી બાઈક પર ઘરે જતા હતા. દરમિયાન અચાનક જીવંત વીજતાર બાઈક ચાલક યુવાન પર પડતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં સાળાનું વીજ કરંટ લાગતા સારવાર અર્થે નવસારી સિવિલમાં લઈ જતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બનેવીને ઈજા થઇ હતી. ચોમાસા દરમિયાન જીઈબીની લાપરવાહીને કારણે આદિવાસી આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો હતો.

જલાલપોર તાલુકાના સંદલપોર ગામે રહેતા ભાવિનભાઈ રાજુભાઇ રાઠોડ (ઉ.વ. 18) મહોલ્લામાં 5 દિવસના ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવા તેમના બનેવી સંતોષ નાનુભાઈ રાઠોડ સાથે બાઈક (નં. GJ-19-B-3299) પર નીકળ્યા હતા. તેઓ સાંજે 7 વાગ્યાના અરસામાં ગામમાં આવેલી ખાડીમાં વિસર્જન કરી તેઓ સંદલપોરના માતા ફળિયાથી ડોડીયા ટેકરી તરફ જતા રસ્તા પરથી પસાર થતા હતા. દરમિયાન અચાનક વીજતાર નીચે પડ્યા હતા, જે વીજતાર બાઈક ચલાવતા ભાવિન રાઠોડના ગળા ઉપર પડતા કરંટ લાગ્યો હતો. જેને પગલે બાઈક સ્લીપ થઈ જતા પાછળ બેસેલા સંતોષભાઈને પણ કરંટ લાગતા તે દૂર ફેંકાઈ ગયો હતો. ભાવિન રાઠોડને કરંટ લાગતા તે બેભાન થઈ ગયો હતો. આ ઘટના બાદ ગ્રામજનો ભાવિન રાઠોડને સ્થાનિક હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના મેડિકલ ઓફિસરે ભાવિન રાઠોડને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની મૃતકના બનેવી સંતોષ રાઠોડ (રહે. ગણેશ સિસોદ્રા, તા.નવસારી)એ ફરિયાદ આપતા પીએસઆઈ પી.વી.પાટીલ તપાસ કરી રહ્યાં છે.

મૃતક યુવાન ગેરેજમાં કામ કરતો હતો
ભાવિન રાઠોડ તેમના પરિવારમાં માતા-પિતા, એક ભાઈ અને એક મોટાબેન સાથે રહે છે. ભાવિને અભ્યાસ છોડી દીધા બાદ પરિવારને આર્થિક મદદરૂપ થવા નવસારીના વિરાવળ ગામે આવેલા એક ગેરેજમાં કામ કરતો હતો.

અચાનક તાર તૂટી ભાવિન પર પડ્યો.
અમે ગણેશ વિસર્જન બાદ ઘરે પરત ફરતા હતા ત્યારે ઝરમર વરસાદ પડતો હતો. બાઈક માતા ફળિયા પાસે આવી અને અચાનક વીજતાર ભાવિન ઉપર જ પડ્યો હતો. વીજ કરંટ લાગવાથી હું દૂર ફેંકાઈ ગયો હતો. ઇજા થઇ પણ ઉભો થતા જોયું તો ભાવિનના ગળા પાસે વીજતાર હતો. મદદ માટે ગ્રામજનોને બોલાવ્યા અને સારવાર માટે લઈ ગયા હતા. > સંતોષ રાઠોડ, પ્રત્યક્ષદર્શી અને મૃતકનો બનેવી

FSL અને GEB સાથે મળી તપાસ કરીશું
સંદલપોરની વીજ કરંટ લાગવાની ઘટનામાં વરસાદના કારણે વીજ થાંભલો નમી ગયો હશે અને તેના તાર અચાનક પડ્યા હોવાની માહિતી મળી છે. આ બાબતે અમે જગ્યા પર FSL અને GEBની ટીમ સાથે મળી તપાસ કરીશું. > પી.વી.પાટીલ, પીએસઆઈ, વેસ્મા ઓપી

અન્ય સમાચારો પણ છે...