કોરોના બેકાબૂ:નવસારીમાં કોરોનાના 3 દર્દીના મૃત્યુ, મૃત્યુદર 11 ટકા નજીક

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુદર ક્રમશઃ 3.48 ટકાથી વધી 9 અને 10 ટકા અને હવે તો 10.33 ટકાએ પહોંચ્યો
  • જિલ્લામાં કોરોનાની ચકાસણી માટે લેવાતા સેમ્પલોની સંખ્યા વધારવા છતાં કેસ વધ્યા નથી પણ મૃત્યુદર વધતો રહ્યો છે

નવસારી જિલ્લામાં 3 વધુ કોરોનાના દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 88 ઉપર પહોંચ્યો છે,જે પોઝિટિવ કેસમાં મૃત્યુદર 10.37 ટકા જેટલો ચિંતાજનક દર્શાવે છે.

કુલ 848 પોઝિટિવ કેસ સામે કુલ મૃત્યુઆંક 88 થયો
નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની ચકાસણી માટે લેવાતા સેમ્પલોની સંખ્યા દરરોજ 100 થી વધારી 1000 (10 ગણી) કરવામાં આવી છે તેમ છતાં દરરોજ સરકારી ચોપડે નોંધાતા કોરોનાના પોઝિટિવ કેસો વધવા પામ્યા નથી અને અગાઉની જેમ જ દરરોજ 10 કેસની આસપાસ જ રહે છે. બીજી તરફ કોરોનાના દર્દીના થતા મૃત્યુમાં ઘટાડો થઈ શક્યો નથી અને વધતો જ રહેવા પામ્યો છે. ગુરુવારે પણ જિલ્લામાં પોઝિટિવ કેસ તો 12 નોંધાયા પરંતુ તેની સામે કોરોનાના 3 દર્દીના મૃત્યુ સરકારી દફતરે નોંધાયા હતા. જે 3 દર્દીના મૃત્યુ નોંધાયા તેમાં નવસારી,શજલાલપોર અને ચીખલી તાલુકાના એક -એક મૃત્યુ હતા. નવસારીના છાપરાના નિવાસી 75 વર્ષીય રમીલાબેન નાનુભાઈ નાયકનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ચીખલી તાલુકાના મજીગામ આહિરવાસના 45 વર્ષીય કાંતિ ઝીણાભાઈ પટેલ અને જલાલપોર તાલુકાના કૃષ્ણપુરના 59 વર્ષીય શાંતિલાલ ટંડેલનું પણ મૃત્યુ થયું હતું. આ ત્રણ મૃત્યુ સાથે જિલ્લામાં કોરોના દર્દીનો કુલ મૃત્યુઆંક 88 ઉપર પહોંચ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ સુધી જિલ્લામાં નોંધાયેલ 848 પોઝિટિવ કેસમાં 88 મૃત્યુ થયા છે, જે કોરોનાના દર્દીનો મૃત્યુઆંક ચિંતાજનક 11 ટકા નજીક દર્શાવે છે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીનો મૃત્યુદર શરૂઆતમાં 3.48 ટકા જ હતો, જે વધી 9 ટકા, 10 ટકા અને હવે તો 10 ટકાથી ય ઉપર ગયો છે.

મૃત્યુના 8 દિવસ બાદ જાહેરાત
નવસારી જિલ્લામાં કોરોના દર્દીના મૃત્યુ સમયસર સરકારી તંત્ર ન આપતા મૃત્યુ છૂપાવાઈ રહ્યાની છાપ પણ ઉભી થઈ હતી. નવસારીના છાપરા વિસ્તારના રહીશ 5 વર્ષીય વૃદ્ધા રમીલાબેન નાયકનું મૃત્યુ ગત બુધવારે 8 દિવસ પહેલા થયું હતું. આ અંગેનો અહેવાલ 22મી ઓગસ્ટના ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થયો હતો અને તેમનું મૃત્યુ તંત્રએ જાહેર ન કર્યાનું જણાવ્યું હતું. જોકે મોડે મોડે તંત્રએ તેની નોંધ લઈ 8 દિવસ બાદ ગુરૂવારે રમીલાબેનનું મૃત્યુ જાહેર કર્યું હતું.

નવસારી જિલ્લામાં 12 નવા કેસ
નવસારી જિલ્લામાં કોરોનાના વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ પાંચ કેસ તો ચીખલી તાલુકામાં જ હતા. નવસારી તાલુકામાં નવસારી કોટ મહોલ્લો, જમાલપોર અને ઉગત ગામમાંથી કેસ બહાર આવ્યા હતા. વાંસદા તાલુકામાં હનુમાનબારી અને ખાટાઆંબામાંથી નવા કેસ બહાર આવ્યા હતા. આ ઉપરાંત ગણદેવી તાલુકામાં ગણદેવી, છાપરમાંથી પણ કેસ બહાર આવ્યા હતા. નવા 12 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 848 થઈ ગયા હતા.

23 દિવસમાં 16 હજાર સેમ્પલ લેવાયાનો દાવો
નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની ચકાસણી માટે લેવાતા સેમ્પલની સંખ્યા ખુબ જ વધારાઈ છે. જેમાં આરટીપીસીઆર, એન્ટીજન રેપીડ ટેસ્ટ પ્રકારના ટેસ્ટ કરાઈ રહ્યાનું જાણવા મળ્યું છે. 4 ઓગસ્ટ સુધી તો જિલ્લામાં માત્ર 8505 સેમ્પલ જ લેવાયા હતા, જે 27મીને ગુરૂવાર સુધીમાં આંક 24527 ઉપર પહોંચ્યો છે. આમ માત્ર 23 દિવસમાં જ 16022 સેમ્પલ લેવાયા છે.

ચીખલી તાલુકામાં એક જ દિવસે 5 પોઝિટિવ કેસ
આરોગ્ય વિભાગે જાહેર કરેલા પત્રકમાં જણાવ્યાનુસાર ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 29 વર્ષીય પોલીસ કર્મીને તાવ આવતા ચીખલીની રેફરલ હોસ્પિટલમાં બતાવવા જતા સેમ્પલ લેવાયું હતું. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા એમને હોમ આઇસોલેશન રાખવામાં આવ્યા સાથે તેમના સંપર્કમાં આવેલા 13 જણાંને હોમ કવોરન્ટાઇન કરાયા હતા. ઉપરાંત અતુલ કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા બામણવાડા ગામના 30 વર્ષીય યુવક જે કંપનીમાં 15 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવેલાના સંપર્કમાં આવતા ગતરોજ સેમ્પલ લેવાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે કોઈ લક્ષણ ન જણાતા હોમ આઇસોલેશનમાં રાખી તેમના સંપર્કમાં આવેલા 40 જણાંને હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા. માંડવખડકના 36 વર્ષીય યુવક વાપીમાં નોકરીએ જતો હોય જેને તાવ આવતા માંડવખડક પીએચસીમાં સેમ્પલ લેવાતા પોઝિટિવ આવતા તેને તથા તેમના સંપર્કમાં આવેલા 35ને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે તાલુકાના ફડવેલ ગોડાઉન ફળિયામાં રહેતા 57 વર્ષીય શખસ બારડોલી તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેઓ કચેરીમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા બારડોલી સીએચસીમાં સેમ્પલ લેવાયું હતું. જેમાં કોરોના પોઝિટિવ આવતા અને કોઈ લક્ષણ ન હોવાથી ફડવેલ ઘરે જ તેમને તથા સંપર્કમાં આવેલા 3 જણાંને હોમ ક્વોરન્ટાઈ કરાયા હતા. આ ઉપરાંત ચીખલ વાણિયાવાડની 35 વર્ષીય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...