‘જેને ઉડવું છે તેને ગગન મળી રહે છે’ એ ઉક્તિને નવસારી જિલ્લાના કછોલી ગામની આદિવાસી સમાજની દીકરી ધર્મિષ્ઠા નાયકાએ સાર્થક કરી છે. ધર્મિષ્ઠા નાયકાની ઈન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સમાં પસંદગી થઇ હતી. સેનામાં મહિલાઓની ભાગીદારીના પગલે ખાલી પડેલી જગ્યામાં નવસારીની ધર્મિષ્ઠા નાયકાએ સેનાના તમામ માપદંડોમાં પાસ કરીનેને બુધવારે બપોરે દિલ્હીમાં નિમણુંકપત્ર લઈ ત્યાંથી સેનામાં તાલીમ માટે જશે. આમ હવે ભાઇની એકની એક બહેન રાષ્ટ્રની સેવા કરશે.
અડગ મનના માનવીને હિમાલય નડતો નથી
રાષ્ટ્ર હિતની વાત બોલવામાં સારી લાગે પણ જ્યારે રાષ્ટ્ર માટે કંઈ કરી છૂટવાનું આવે ત્યારે ભલભલાના હાજા ગગડી જાય છે પરંતુ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી એ ઉક્તિ નવસારીના કછોલી ગામની આદિવાસી યુવતી ધર્મિષ્ઠા નાયકાને લાગુ પડે છે. સામાન્ય ઘરની તેણીના પિતા ચાર વર્ષ અગાઉ બોટમાં મજૂરી કામ કરવા ગયા હતા.
પિતાનો આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી
તેમની બોટ ગુમ થઈ જતા તેણીના પિતાનો આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી. તેણીનો એકનો એક ભાઈ અંકિત નાયકા એક-બે વાર પિતાની ભાળ મેળવવા ઓખા જઇ આવ્યા છતાં કોઈ ભાળ મળી નથી. ઓછુ ભણેલા ભાઈ અંકિતને બહેન ધર્મિષ્ઠાએ દેશસેવા માટે સેનામાં જોડાવું છે તેમ જણાવ્યું હતું.
ઇન્ડો તિબેટીયન ફોર્સમાં પસંદગી
જેને પગલે બહેનના સ્વપ્નને પૂર્ણ કરવા ગામના જ પ્રાકૃતિક સ્થળોએ બહેનની સાથે ગામમાં જ તાલીમમાં મદદરૂપ બન્યા હતા. આખરે ભાઈની મહેનત રંગ લાવી અને બહેન ધર્મિષ્ઠાની અમદાવાદમાં યોજાયેલ ઇન્ડો તિબેટીયન ફોર્સમાં પસંદગી થઈ હતી. બુધવારે ધર્મિષ્ઠા દેશ સેવાનું પ્રથમ પગલું નિમણુંક પત્ર અને અન્ય કાર્યવાહી માટે દિલ્હી જનાર છે. રાષ્ટ્ર હિત માટે બહેનને સેવા માટે મોકલનાર અંકિત એ સાચા અર્થમાં ભાઈ તરીકેની ફરજ બજાવી છે.
ગામ અને સમાજનું ગૌરવ વધારશે
મારી બહેન ધર્મિષ્ઠાએ દેશસેવા કરવાનું મને જણાવ્યું હતું. જેને પગલે બીલીમોરાની કોલેજમાં બહેનને બી.કોમ કરાવ્યું, ત્યારબાદ સેનામાં જવા માટેની તૈયારી કરતી હતી, એજ અરસામાં બોટ પર મજૂરીકામ અર્થે ગયેલા પિતાનું બોટ ગુમ થઈ જતા 4 વર્ષથી કોઈ પત્તો નથી. જેથી મારા ઉપર કુંટુંબની જવાબદારી આવી ગઇ હતી. આમ છતાં હું હિંમત ન હાર્યો. બહેનને સવારે હું અને મામાએ સાથે જઇને પ્રેક્ટિસ કરાવી અને અમદાવાદમાં સેનાની ભરતીમાં મારી બહેનનું સિલેક્શન થયું. દેશસેવા માટે મારી બહેનની પસંદગી થઈ એ મારા ગામ, સમાજ અને રાજ્ય માટે ગૌરવની વાત છે. >અંકિત નાયકા, ધર્મિષ્ઠાનો ભાઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.