વિશેષ ઉપલબ્ધિ:ડાંગની પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટીમ 5મીવાર ચેમ્પિયન

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવારીમાળની પ્રજ્ઞા મંદિરની મહિલા ક્રિકેટરોએ રાજ્યમાં ડંકો વગાડ્યો

ડાંગની પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ સુરેન્દ્રનગરમાં આયોજીત રાજ્ય કક્ષાની ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચમાં વિજેતા થઈ હતી. ડાંગની પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ પોતાની રમતનો પરચો બતાવીને પાંચમીવાર ટ્રોફિ પર કબજો જમાવ્યો હતો. આજે વિજય પરચમ લહેરાવીને તેઓ નવસારી આવ્યા હતા અને નવસારીના એરૂ વિસ્તાર સ્થિત મમતા મંદિરમાં ખેલાડીઓનો આવકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં રમત-ગમત ક્ષેત્રે ઘણા ખેલાડીઓએ પોતાનો દમખમ બતાવી આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સારૂ પ્રદર્શન કરી નામના મેળવી છે. વાંસદાના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર વર્ષ 2018માં બ્લાઈન્ડ ક્રિકેટરોના વર્લ્ડકપ ટીમનો ભાગ રહી ચુક્યા છે. આવી જ રીતે ડાંગના શિવારીમાળની પ્રજ્ઞા મંદિરની મહિલા ક્રિકેટરોએ રાજ્યમાં ડંકો વગાડ્યો છે. કોરોનાના બે વર્ષ બાદ રમાયેલી રાજ્યકક્ષાની પ્રજ્ઞાચક્ષુ બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફરી એકવાર ડાંગના શિવારીમાળની ક્રિકેટરો વિજેતા બની છે.

આપણે ત્યાં આજે પણ રમત-ગમત ક્ષેત્રે સુવિધા ન હોવાને કારણે કેટલાય ખેલાડીઓ અને તેમની પ્રતિભાને યોગ્ય ન્યાય મળી શકતું નથી. જોકે આવા પ્રતિભાશાળી ખેલાડીઓ પાછળ મમતા મંદિર જેવી સંસ્થાઓ પડખે રહીને તેમની પ્રતિભાને ચમકાવવાનું કાર્ય કરે છે. જે ખૂબ જ સારી વાત કહેવાય.

ખેલાડીઓની 2 કેટેગરી હોય છે
પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટમાં સામાન્ય ક્રિકેટની જેમ ટીમમાં 11 ખેલાડીઓ તો હોય જ છે, પણ તેમાં અલગ-અલગ કેટેગરી પાડવામાં આવેલ હોય છે. ટીમમાં અમુક એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે કે જેેઓ સંપૂર્ણ રીતે જોઇ ન શકતા હોય અને બાકીના ખેલાડીઓ એવા હોય કે જેઓ ઓછુ જોઇ શકતા હોય. ક્રિકેટના નિયમ અનુસાર નક્કી કરવામાં આવેલી સંખ્યા પ્રમાણે બન્ને કેટેગરીના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે.

ખાસ પ્રકારના બોલથી રમાડવામાં આવે છે
બ્લાઇન્ડ ક્રિકેટમાં રમાનાર બોલ ખાસ પ્રકારનો હોય છે. પ્લાસ્ટિકથી બનેલા બોલમાં બોલ બેરિંગ નાખવામાં આવે છે, જે ધુંધરૂ જેવો અવાજ કરે છે. તેના અવાજથી ખેલાડીઓ અંદાજ લગાવીને રમતા હોય છે. બોલ ફેંકતા પહેલા બોલર પ્લે બોલતા હોય છે, જેનાથી બેટ્સમેન અને ફિલ્ડરને ખબર પડે છે કે બોલ ફેંકવામાં આવી રહ્યો છે. બોલનો અવાજ સાંભળીને બેટ્સમેન શોટ મારે છે.

અન્ય સમાચારો પણ છે...