મેઘરાજા:ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ

નવસારીએક વર્ષ પહેલાલેખક: ભદ્રેશ નાયક
  • કૉપી લિંક
ડાંગ જિલ્લામાં નાગલીનો પાક કેટલીક જગ્યાએ સૂકાઇ ગયો છે. - Divya Bhaskar
ડાંગ જિલ્લામાં નાગલીનો પાક કેટલીક જગ્યાએ સૂકાઇ ગયો છે.
  • ડાંગનો 30 વર્ષનો સરેરાશ વરસાદ 95 ઈંચ છે,જે ગુજરાતના કોઇ પણ જિલ્લા કરતા વધુ છે ત્યાં ઓણ મેઘરાજા રૂઠ્યાં
  • ચાલુ સાલ ડાંગમાં અહીંના સરેરાશ વરસાદ સામે માત્ર 61 ટકા જ વરસ્યો છે,જે રાજ્યભરમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછો છે

રાજ્યમાં જ્યાં સૌથી વધુ વરસાદ વરસતો આવ્યો છે અને જેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે એ ડાંગ જિલ્લામાં ચાલુ સાલ ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછો માત્ર 61 ટકા જ વરસાદ વરસ્યો છે. રાજ્ય સરકારે છેલ્લા 30 વર્ષમાં પડેલ વરસાદના આધારે સમગ્ર રાજ્યનો અને તમામ જિલ્લાનો સરેરાશ વરસાદ નક્કી કર્યો છે.જે મુજબ રાજ્યનો સરેરાશ વરસાદ 831 મિમી છે.

આ સરેરાશ વરસાદની સામે રાજ્યમાં ચાલુ સાલ હાલ સુધી વરસાદ 1053 મિમી વરસી ગયો છે, આમ 126 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આમ તો રાજ્યના બહુમતી જિલ્લામાં સરેરાશની સરખામણીએ 100 ટકાથી વધુ સારો વરસાદ વરસી ગયો છે પરંતુ એવા પણ જિલ્લા છે ,જ્યાં સરેરાશ વરસાદ કરતા ઓછો વરસાદ પણ ચાલુ સાલ ચોમાસામાં થયો છે. આવો જ એક જિલ્લો દક્ષિણ ગુજરાતમાં પર્વત, જંગલોથી ઘેરાયેલો ડાંગ જિલ્લો છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ આ ડાંગ જિલ્લામાં જ મહત્તમ વર્ષોમાં વરસતો આવ્યો છે. ડાંગ જિલ્લાનો 30 વર્ષનો સરેરાશ વરસાદ જ 2377 મિમી (95 ઈંચ) છે,જે રાજ્યના કોઈ પણ જિલ્લા કરતા વધુ છે.

જોકે વર્તમાન ચોમાસામાં આખીય સ્થિતિ બદલાઈ છે. જ્યાં રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા આવેલું છે એ ડાંગમાં હાલ ચોમાસામાં 1463 મિમી (58.50 ઈંચ) વરસાદ જ વરસ્યો હતો. આમ અહીંના સરેરાશ વરસાદની સામે 61 ટકા જ વરસાદ થયો છે.સમગ્ર રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટિએ ડાંગનો વરસાદ સૌથી ઓછો છે.રાજ્યના કોઈ પણ જિલ્લામાં ચાલુ સાલે 61 ટકાથી ઓછો વરસાદ વરસ્યો નથી. રાજ્યમાં જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે એવા ડાંગમાં ભૂતકાળમાં ભાગ્યે જ ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછો વરસાદ થયો હશે.

  • આ વર્ષે રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ

આટલા જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ
સુરેન્દ્રનગર 144 ટકા, રાજકોટ 171 ટકા, મોરબી 199 ટકા, જામનગર 220 ટકા, દેવભૂમિ દ્વારકા 344 ટકા, પોરબંદર 217 ટકા, જૂનાગઢ 171 ટકા, ગીર સોમનાથ 155 ટકા, અમરેલી 165 ટકા, ભાવનગર 109 ટકા, બોટાદ 167 ટકા, કચ્છ 268 ટકા, પાટણ 134 ટકા, બનાસકાંઠા 111 ટકા, મહેસાણા 107 ટકા, સાબરકાંઠા 109 ટકા, ગાંધીનગર 114 ટકા, ભરૂચ 126 ટકા, નર્મદા 104 ટકા, તાપી 103 ટકા, સુરત 139 ટકા, નવસારી 105 ટકા, આણંદ 117 ટકા

આટલા જિલ્લામાં 100 ટકાથી ઓછો વરસાદ
અમદાવાદ 92 ટકા, ખેડા 98 ટકા, વડોદરા 84 ટકા, છોટાઉદેપુર 88 ટકા, પંચમહાલ 92 ટકા, મહીસાગર 88 ટકા, દાહોદ 71 ટકકા, વલસાડ 84 ટકા, ડાંગ 61 ટકા, અરવલ્લી 92 ટકા

ડાંગમાં ખેતીમાં મુશ્કેલી પડી, ઝરણાં-નાળા ઓછા ખીલ્યાં
ડાંગમાં નાગલીનો પાક લેવાતો આવ્યો છે. અહીં 15 દિવસ પહેલા પડેલા સારા વરસાદથી નાગલી રોપાઈ હતી. રોપાયા પછી સતત સારો વરસાદ જોઈએ છે, જે હાલ પૂરતો પડી રહ્યો નથી. (સાધારણ ઝાપટાં જ પડે છે) જેથી કેટલીક જગ્યાએ સુકાઈ પણ છે. ડાંગરમાં પણ મુશ્કેલી પડી છે. જ્યાં પિયત ન હતું ત્યાં ડાંગરને મુશ્કેલી છે. ડાંગમાં ચોમાસામાં 3થી 4 મહિના ઝરણાં, નદી-નાળા ખીલી ઉઠે છે, જે પણ દર વર્ષથી ઓછા ખીલ્યાં છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે કલાઈમેટમાં ફેરફારની અસર
ગ્લોબલ વોર્મિગના કારણે કલાઈમેટમાં ફેરફાર થતો રહે છે, જે વરસાદમાં પણ જોવા મળે છે. દર વરસે મોસમનું રૂખ પણ બદલાય છે. ‘લો પ્રેશર’ સિસ્ટમ ડેવલપ થાય તે પ્રમાણે પણ વરસાદ પડે છે. > ડો. નિરજકુમાર, હવામાનશાસ્ત્રી, નવસારી કૃષિ યુનિ.

દક્ષિણ ગુજરાતમાં અન્યત્ર સારો વરસાદ
સામાન્યત: વરસાદની પેટર્ન ઝોનવાર જોવા મળતી આવી છે. એક ઝોનમાં આવેલા મહત્તમ જિલ્લામાં એકસરખી પેટર્ન જોવાય છે. જોકે ચાલુ સાલ દ.ગુજરાતમાં ડાંગ અપવાદ રહ્યો હતો. દક્ષિણ ગુજરાતના 7માંથી 5 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. વલસાડમાં 100 ટકાથી ઓછો 84 ટકા પડ્યો, ડાંગમાં તો તેથીય ઓછો 61 ટકા જ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...