નવસારી જિલ્લામાં હરવા ફરવાલાયક એકમાત્ર દાંડીમાં નિર્માણ પામેલા નેશનલ સત્યાગ્રહ સોલ્ટ મેમોરિયલની મુલાકાતે મોટા પ્રમાણમાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. વેકેશનને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ મેમોરિયલના તળાવની મુલાકાતે આવી રહ્યા છે. જોકે, ઉનાળાના કારણે તળાવ ખાલીખમ થઈ જતા સહેલાણીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી જિલ્લામાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દેશને લોકાર્પિત કર્યું હતું. ત્યારથી આ મેમોરિયલ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોરોનાના બે વર્ષ બંધ રહ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા મેમોરિયલ ફરી શરૂ કરવા માટે પરવાનગી આપી હતી. જેથી હાલમાં વેકેશનના ગાળામાં અહીં મોટા પ્રમાણમાં દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે. જોકે, આ મેમોરિયલમાં આકર્ષણનું કેન્દ્ર એવું તળાવ ખાલીખમ થઈ જતા સહેલાણીઓમાં નિરાશા જોવા મળી રહી છે. મેમોરિયલની મધ્યમાં બનાવવામાં આવેલા આ તળાવ થી મેમોરિયલને ચાર ચાંદ લાગે છે. ઉનાળામાં તળાવમાં રહેલું પાણી બાષ્પીભવન થતાં હાલમાં ત્યાં મીઠાના થર જામી જતાં સફાઈ શરૂ કરવામાં આવી છે. ચોમાસાની સિઝન દરમિયાન તેમાં કુદરતી પાણી ભરવામાં આવશે.
દાંડી વિસ્તારમાં ખારાશ વાળું પાણી હોવાથી આ પાણી તળાવમાં ભરવામાં આવે તો ઉનાળાની સિઝનમાં મીઠાના થર જામી જાય છે અને તેની સાફ-સફાઈ કરવામાં કર્મચારીઓને મુશ્કેલી પડે છે તેથી દર વર્ષે ઉનાળાની સિઝનમાં પાણી બાષ્પભવન થયા બાદ તળાવને સાફ કરવામાં આવે છે. હાલમાં પણ મેમોરિયલના કર્મચારીઓ દ્વારા તળાવમાંથી મીઠાના થરને ઉલેચીને બહાર મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, તળાવ ખાલીખમ રહેતા સહેલાણીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર જો બારેમાસ મેમોરિયલના તળાવમાં પાણી રહે તેવી વ્યવસ્થા કરે તો દૂરથી આવતા સહેલાણીઓને મેમોરિયલ મુલાકાત લેવું વધુ ગમશે કારણ કે લોકો દેશના વિવિધ વિસ્તારોમાંથી અહીં આવીને બાપુના દાંડી સત્યાગ્રહની ઝાંખી જુએ છે ત્યારે મેમોરિયલમાં તળાવ ખાલીખમ રહેતા કંઇક ખૂટતું હોય તેવો અહેસાસ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.