વિચારણા શરૂ:નવસારી શહેરના વધુ હદ વિસ્તરણ ઉપર હાલ પડદો

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારને અડીને આવેલ ચાર ગામો નકશામાં. - Divya Bhaskar
નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારને અડીને આવેલ ચાર ગામો નકશામાં.
  • વિજલપોર અને 8 ગામોને ભેળવ્યા બાદ નજીકના વધુ 4 ગામો એરૂ, હાંસાપોર, દાંતેજ અને ધારાગીરીને જોડવાની વાત છે
  • જે 4 ગામોને પાલિકામાં જોડવાની ચર્ચા છે એ ગામોની પંચાયતોની પણ ચૂંટણી જાહેર થતા હાલ હદ વિસ્તરણની શકયતા લગભગ નહિવત

નવસારી-વિજલપોર પાલિકામાં નજીકના જે 4 ગામને સામેલ કરવાની વાત છે એ તમામ ચારેય ગામોની ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી જાહેર થતા હાલ નગરપાલિકામાં ભેળવવાની વાત પર પડદો પડી ગયો છે. 22 જૂન 2020ના રોજ નવસારી શહેરનું હદ વિસ્તરણ કરાયું હતું, જે અંતર્ગત વિજલપોર અને નજીકના 8 ગામને જોડી નવસારી-વિજલપોર નગરપાલિકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે આ નવી પાલિકાનું વોર્ડ સીમાંકન થઈ ચૂંટણી થઈ ગયા બાદ વધુ 4 ગામને જોડવાની વાતો શરૂ થઈ હતી, જેમાં ધારાગીરી અને દાંતેજ ઉપરાંત એરૂ અને હાંસાપોરનો સમાવેશ થાય છે.

આ ગામોને પાલિકામાં સમાવવા નવસારી-વિજલપોર નગરપાલિકાએ તો ઠરાવ પણ કરી દીધો છે. જોકે હાલ નવસારીના વધુ હદ વિસ્તરણ પર પડદો પડી ગયો છે. આ અંગેની વિગતો જોતા રાજ્ય ચૂંટણી પંચે હાલ નવસારી જિલ્લાની 310 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી દીધી છે,જેનું મતદાન 19મી ડિસેમ્બરે થશે.આ 310 ગ્રામ પંચાયતોમાં એરૂ, હાંસાપોર, દાંતેજ અને ધારાગીરી ગ્રામ પંચાયતનો પણ સમાવેશ કરાયો છે.

આ ચારેય ગામોની પંચાયતોની ચૂંટણી જાહેર થતા હવે નજીકના સમયમાં પાલિકામાં ભેળવાય એ શક્યતા ખૂબ જ ઘટી ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે નજીકના આમડપોર ગામની ગ્રામ પંચાયતની પણ ચૂંટણી જાહેર થઈ છે,જેને પણ પાલિકામાં જોડવાની વિચારણા શરૂ થઈ હતી.

નવી પાલિકા બની પણ હજુ ચર્ચા મહાપાલિકાની
નવસારી-વિજલપોર અને નજીકના 8 ગામને ભેળવી સરકારે 22મી જૂન 2020થી નવી નવસારી-વિજલપોર પાલિકા બનાવી હતી, જેનું વોર્ડ સીમાંકન થઈ નવી ચૂંટણી પણ થઈ માર્ચ 2021થી સત્તાધિશો શાસનમાં છે. આમ તો ચૂંટાયેલી પાંખ પાંચ વર્ષ માટે છે પરંતુ હજુ નવસારી મહાપાલિકાની ચર્ચા રહી છે. જેમાં પાંચ વર્ષ બાદ મહાપાલિકા બનશે ? કે આગામી વિધાનસભાની ચૂંટણી બાદ બનશે એ ચર્ચા છે. જોકે પાંચ વર્ષ સુધી હજુ મહાપાલિકા માટે રાહ જોવી પડે એ ઘણાં માનવા તૈયાર નથી.

ચારેય ગ્રા.પં. પાલિકામાં જોડાવા એકમત નથી
નવસારી-વિજલપોર નગરપાલિકામાં એરૂ, હાંસાપોર, દાંતેજ અને ધારાગીરીને ભેળવવાનો પાલિકાએ તો ઠરાવ કર્યો હતો પરંતુ ઉક્ત 4 ગામમાં મતમતાંતર જોવા મળ્યો છે. દાંતેજ ગ્રામ પંચાયતે જોડવા તૈયારી બતાવી હતી તો હાંસાપોર અને ધારાગીરી પંચાયતે પાલિકામાં ભળવા ના પાડી હતી. એરૂ ગામમાં ‘જૂના ગામ’ અને નવા ‘સોસાયટી વિસ્તારો’માં અલગ અલગ પ્રતિભાવ આવ્યા હતા. આમડપોર ગ્રામ પંચાયતે તો પાલિકામાં પ્રતિભાવ માંગે તે અગાઉ જ ‘ના’ પાડી દીધી હતી.

બીલીમોરા નગરપાલિકામાં 7 ગામને જોડવાની અટકળો પર હાલ પૂરતો અંત આવ્યો
હાલમાં જ એક અઠવાડિયા અગાઉ બીલીમોરા પાલિકાએ નજીકના 7 ગામની પંચાયતોને પત્ર લખ્યો હતો. જેમાં દેવસર, તલોધ, વલોટી, ધકવાડા, આંતલિયા, નાંદરખા અને કેસલી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આ પત્રમાં આમ તો પાણી, શિવરેઝની લાઈન પસાર કરવા સંમતિ મંગાઈ હતી પરંતુ આ ગામોમાં બીલીમોરા પાલિકામાં સમાવવાની અટકળો શરૂ થઈ ગઈ હતી, જેને લઈ ઉક્ત ગામોના લોકોની એક સભા પણ ધકવાડામાં મળી અને એકસૂરે પાલિકામાં જોડાવાનો વિરોધ કરાયો હતો.

હવે રાજ્ય ચૂંટણી પંચે જે જિલ્લાના 310 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી છે તેમાં બીલીમોરા નજીકના આ 7 ગામની ગ્રામ પંચાયતનો પણ સમાવેશ કર્યો છે, જેથી હાલ આ ગ્રામ પંચાયતો પણ પાલિકામાં ભળે એ‌વી શક્યતા નહિવત થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...