તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Corona's Takeover Of Power Line Underground Work, Work To Start Power Line Underground In Navsari Was Started 6 Years Ago, Work Has Been Delayed For Several Months Now.

સમસ્યા:વીજલાઇન અન્ડરગ્રાઉન્ડના કામને કોરોનાનું ગ્રહણ, 6 વર્ષ અગાઉ નવસારીમાં વીજલાઈન અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી, હાલ કેટલાક મહિનાથી કામમાં વિલંબ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નવસારી શહેરમાં આવેલી વીજકંપનની મુખ્ય કચેરી. - Divya Bhaskar
નવસારી શહેરમાં આવેલી વીજકંપનની મુખ્ય કચેરી.
 • શહેરમાં 22 કિમીમાં કામ પૂર્ણ કરી 70 ટકા જેટલી કામગીરી થઇ ગયાનો દાવો, બાકીના 30 ટકા કામ માટે વહીવટી મંજૂરીની જોવાતી રાહ

નવસારી શહેરમાં વીજલાઈન અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરીને કોરોના કાળના સમયમાં છેલ્લા કેટલાક મહિનાથી બ્રેક લાગી છે. 6 વર્ષથી શરૂ થયેલ પ્રોજેકટમાં હજુ ઘણી કામગીરી બાકી છે. નવસારી જિલ્લામાં એચ.ટી. અને એલ.ટી. બન્ને પ્રકારની વીજલાઈનો ઓવરહેડ જ છે. જોકે રાજ્યના જિલ્લાના મુખ્યમથકના વિસ્તારમાં પ્રથમ તબક્કે વીજલાઈનો અન્ડરગ્રાઉન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત અહીંના નવસારીમાં પણ અન્ડરગ્રાઉન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. મળતી માહિતી મુજબ આશરે 6 વર્ષ અગાઉ નવસારીમાં વીજલાઈન અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂઆત થઈ હતી.

જે અંતર્ગત એચ.ટી. લાઈન 22 કિમી જેટલી અન્ડરગ્રાઉન્ડ કરવાનું કામ હાલ સુધીમાં પૂર્ણ થયું છે, જોકે હજુ ય કામ બાકી છે. કોરોનાના છેલ્લા એક -સવા વર્ષના સમયમાં ખાસ કામ થયું નથી. છૂટાછવાયા કામને બાદ કરતાં સ્થાનિક વીજ કંપનીના અધિકારીઓ 70 ટકા જેટલું કામ પૂર્ણ થયાનું અને 12-14 કિમીનું બાકી હોવાનું જણાવી રહ્યાં છે.

અહીં દર વર્ષે ક્રમશઃ વહીવટી મંજૂરી મળતા વીજલાઈનને અન્ડરગ્રાઉન્ડ કરવાનું કામ આગળ ધપાવાઈ રહ્યું છે. હાલ વધુ ફોકસ જુના નવસારી પાલિકા હદ વિસ્તાર ઉપર વધુ છે.અહીં ઉલ્લેખનીય છે કે, નવસારી શહેરી વિસ્તારમાં હાલના સમયમાં વધુ આઠ ગામો પણ સમાવેશ થયો છે. જયા હાલ અન્ડરગ્રાઉન્ડનું કામ ચાલતુ નથી, પરંતુ આગામી સમયમાં ત્યા પણ આયોજનમાં હોવાની જાણકારી આધારાભૂત સૂત્રોમાંથી જાણવા મળી છે.

ધારાસભ્યે સંકલન સમિતિની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો
નવસારી શહેરમાં વીજલાઈન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીને બ્રેક લાગ્યાની વાત ધારાસભ્ય પિયુષ દેસાઈના ધ્યાન ઉપર પણ આવી હતી. જેને લઈને તેમણે હાલમાં જ 21મી ઓગસ્ટે મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ મુદ્દો ઉઠાવી અધિકારી પાસે બાકીના કામ અંગે જવાબ માંગ્યો હતો. જેનો જવાબ અધિકારીએ પાઠવ્યો હતો.

અંડરગ્રાઉન્ડ વીજલાઇનના ફાયદા

 • પાવર ગુણવત્તાયુકત મળે અને ફોલ્ટ ઓછા થાય
 • ઓવરહેડ લાઇનને લઇ થતી હોનારત ટાળી શકાય
 • વીજલાઇનથી ઉભી થતી ટ્રાફિક સમસ્યા હળવી થાય
 • અન્ડરગ્રાઉન્ડ લાઇનને લઇ અન્ય મુશ્કેલી પણ ઉભી ન થાય

હાલ એચટી લાઈન જ અંડરગ્રાઉન્ડ
શહેરમાં બે પ્રકારની વીજલાઈનો પસાર થાય છે. એક એચ.ટી. (હાઈ ટેન્શન લાઈન) અને બીજી એલટી (લો ટેન્શન લાઈન) છે. જે લાઈનો હાલ અંડરગ્રાઉન્ડ કરાઈ રહી છે, તે એચ.ટી. લાઈન જ છે. એલ.ટી. લાઈનનું કામ કરાતું નથી.

અંડરગ્રાઉન્ડની કામગીરીમાં પણ મુશ્કેલી
વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં મુશ્કેલીઓ પણ પડી રહી છે. એનું એક મુખ્ય કારણ અગાઉથી જ અંડરગ્રાઉન્ડમાં પાણી, ગટર ઉપરાંત ટેલિકોમ, ગેસ વગેરેની લાઈનો જઈ રહી છે, જેને પણ સાચવી, ધ્યાન રાખી કામગીરી કરવાની હોય છે. શહેરમાં ટ્રાફિક અસરગ્રસ્ત ન થાય તેનું ધ્યાન રાખવુ પડે છે અને પરમિશન વગેરેમાં પણ મુશ્કેલી પડી રહી છે. જેને લઇને પણ કામમાં વિલંબ થવાની શક્યતા જણાઇ રહી છે.

મટિરિયલ આવતા કામ શરૂ થશે
અંડરગ્રાઉન્ડ એચ.ટી. લાઈનનું કામ વેસ્ટ વિભાગમાં 80 ટકા અને બાકીનું 50 ટકા એમ સમગ્રત: 70 ટકા કામ પૂરૂ થયું છે. બાકીનું કામ વહીવટી મંજૂરી મળતાં મટિરિયલ આવતા શરૂ થશે. હાલ કેબલ નથી. - કે.બી. તંબોલી, ઈજનેર, સિટી ડિવિઝન , વીજ કંપની

અન્ય સમાચારો પણ છે...