કોરોના રસીકરણ:રસી લેવા છતાં કોરોના થયો પણ અસર ગંભીર નહીં

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં 18 વર્ષ ઉપરના 80 ટકાએ પહેલો અને 43 ટકાએ બીજો ડોઝ લઇ લીધો
  • છેલ્લા​​​​​​​ 10 દિવસથી એકલદોકલ કેસ સામે આવી રહ્યા છે, જેમાં નોંધાયેલા કોરોનાના 7 દર્દીઓ પૈકી 5 જણાએ રસી લીધી હતી

નવસારી જિલ્લામાં કોવિડ રસી લેનારા પોઝિટિવ તો આવી રહ્યા છે પણ અસર વધુ થતા હોસ્પિટલ દાખલ કરવા પડી રહ્યા નથી. નવસારી જિલ્લામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ કોવિડ રસીકરણ અભિયાનને 8 મહિના પુરા થયા છે. જેમાં 18 વર્ષ ઉપરના 80 ટકા એ પહેલો ડોઝ લઈ લીધો છે જ્યારે 43 ટકા જેટલાએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. હાલ સતત 17 દિવસ કોરોના કેસ બહાર ન આવ્યા બાદ હવે 10 દિવસથી પુનઃ એકલદોકલ કેસ નોધાવા પામ્યા છે.

આ 10 દિવસમાં 7 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જે 7 કેસ હાલ નોંધાયા છે તેની એનાલીસીસ કરતા જોવા મળ્યું છે કે કોવિડ રસી લેનારા પણ પોઝિટિવ આવ્યા છે. કુલ 7 કેસમાં 1 કેસ 15 વર્ષનો બાળક છે અને રસી ન લીધી હોય એ સ્વાભાવિક છે. અન્ય 6 કેસોમાં પણ 1 કેસમાં દર્દીએ રસી લીધી ન હતી. બાકીના 5 પોઝિટિવ કેસમાં રસી લીધી હતી, જેમાં 1 કેસમાં દર્દીએ રસીના બન્ને ડોઝ લીધા હતા,જ્યારે અન્ય 4 કેસમાં એક-એક ડોઝ રસીનો લીધો હતો. આ કેસો જોતા એ તો સ્પષ્ટ થયું છે કે વેક્સિન લેવા છતાં પોઝિટિવ થઈ શકે છે, સાથે એ પણ ઉલ્લેખનીય છે કે તમામ 7 દર્દીને ગંભીર અસર થઈ નહીં.

અેક પણ દર્દી હોસ્પિટલમાં નહીં
જિલ્લામાં કોવિડ રસી લેનારાને કોરોનો તો થયો છે પણ અસર ગંભીર થઈ નથી. જે 7 કેસ 10 દિવસમાં સરકારી ચોપડે નોંધાયા છે તેમાંથી એકપણ દર્દીને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો નથી. તમામ દર્દીને હોમ આઈસોલેશનમાં જ રખાયા છે અને 7માંથી 4 દર્દી તો રિકવર પણ થઈ ગયા છે.

રસીકરણને લઇને કોરોના પણ કાબૂમાં
વધુ સંખ્યામાં રસીકરણ થઈ જવાના કારણે જિલ્લામાં કોરોના પણ કાબૂમાં રહ્યો છે. લોકડાઉન લગભગ ઉઠી ગયું છે, લોકો એકબીજાના સંપર્કમાં વધુને વધુ આવી રહ્યાં છે છતાં પોઝિટિવ કેસો એકલદોકલ જ બહાર આવી રહ્યાં છે. જિલ્લામાં લગભગ 17 દિવસ તો એકપણ કેસ સરકારી ચોપડે નોંધાયો ન હતો. હવે 10 દિવસથી કેસો બહાર આવી રહ્યા છે પણ તેની સંખ્યા કોવિડ ટેસ્ટના પ્રમાણમાં લગભગ નહીંવત છે.

રસીથી ‘એન્ટીબોડી’ તૈયાર થાય છે
કોવિડ રસીની 100 ટકા સારી અસર છે. રસી લેવાથી કોવિડ પોઝિટિવ આવે તો પણ ગંભીર અસર થતી નથી એ વાત સાબિત પણ થઈ છે. રસી લેવાના કારણે શરીરમાં એન્ટીબોડી બને છે. જેથી જ્યારે ખરેખર ઈન્ફેકશન થાય ત્યારે તેની સામે લડવા રસીના કારણે ‘સૈનિક’ મોજૂદ જ હોય છે.- ડો. અંકુર રાણા, અગ્રણી તબીબ, નવસારી

આજે મોદીના જન્મદિવસે રેકર્ડ બ્રેક 70 હજારને રસી આપવાનો ટાર્ગેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન શુક્રવારે નવસારી જિલ્લામાં રેકર્ડબ્રેક રસીકરણ કરવાનો ટાર્ગેટ રખાયો છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ 70 હજાર રસીકરણનો ટાર્ગેટ છે, જેમાં તાલુકાવાર જોઈએ તો નવસારી અને જલાલપોરમાં 15-15 હજાર, ગણદેવી અને ચીખલીમાં 12-12 હજાર, વાંસદામાં 10 હજાર અને ખેરગામમાં 6 હજાર રસીકરણનો છે. જિલ્લામાં આવેલા 50 જેટલા પીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર રસીકરણ થશે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોમ્યુનિટી હોલ વગેરે જગ્યાએ પણ રસીકરણ કરવાનું આયોજન છે.

અહીં ઉલ્લેખનીય છે કે પહેલો ડોઝ મહત્તમ લોકોનો થઈ ગયો છે ત્યારે બીજો ડોઝની મુદત જેમની પૂર્ણ થઈ એવાના રસીકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં 8 મહિનાથી ચાલતા રસીકરણમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 20 હજાર લોકોને રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...