ડાંગના રાજવી પરીવારોને વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ વર્ષમાં એકવાર ભવ્ય ડાંગ દરબાર યોજી બહુમાન કરી પોલિટિકલ પેન્શન એટલે કે રાજકીય સાલીયાણું આપવામાં આવે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા કોરોના કાળમાં બંધ રહી હતી, જો કે હવે કોવિડની અસર સાર્વત્રિક ઓછી થતાં ડાંગ વહીવટી તંત્રએ આ વર્ષે ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે.
ડાંગ જિલ્લાની ઐતિહાસિક અને ભાતીગળ લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ખાસ કરીને સ્થાનિક રાજાઓ કે જેમને વર્ષમાં એકવાર જાહેરમાં રાજ્યપાલના હસ્તે સન્માનિત કરીને મોંઘી ભેટ સોગાદો આપવામાં છે, સાથે જ રાજકીય સાલિયાણું એટલે કે પોલિટીકલ પેન્શન આપવાની પરંપરા જાળવે છે. આ ડાંગ દરબાર મેળામાં દેશના વિવિધ આદિવાસી નૃત્યો અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. ખુદ રાજ્યપાલ ડાંગ આવીને ભીલ રાજાઓનું સન્માન કરે છે અને તેમને પોતાના વરદ હસ્તે ચેક અર્પણ કરે છે.
ગત વર્ષે કોરોના સંક્રમણને લીધે ડાંગ દરબાર મોકૂફ રાખવામાં આવ્યો હતો. જો કે હવે કોરોનાની અસર ઓછી થતાં ડાંગ વહીવટી તંત્રએ ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે. ડાંગ જિલ્લા કલેક્ટરે હોળી પહેલા મહમાહિમ રાજ્યપાલ પાસે સમય લીધા બાદ તારીખ જાહેર કરવા જણાવ્યું છે. જો કે જે રાજાઓએ સરકારને પોતાની કરોડોની સંપત્તિ એવા અણમોલ જંગલો આપી દીધા અને આ જંગલોની રક્ષા પણ કરી એ તમામ રાજાઓની હાલત આજે તેમની ગરીબ પ્રજા કરતા પણ બદતર બની ગઇ છે. એક તરફ રાજાનો ઠાઠ, સાંસ્કૃતિક વારસો છે, જ્યારે બીજી તરફ પારીવારીક જવાબદારી. ડાંગ દરબાર યોજાશે એ માટે રાજાઓ ખુશ છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજુ ડાંગ દરબારની તારીખની જાહેરાત નથી કરાઈ. તેમજ આ માટેની મિટિંગમાં તેમને બોલાવ્યા નથી જેને લઈને પણ તેમણે નારાજગી બતાવી છે.
ઉલ્લેખનીય છે કે ડાંગ જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં ડાંગ દરબાર એ એક માત્ર મનોરંજન માટેનો મેળો છે. જેને લઈને સ્થાનિક લોકોમાં જેટલો ઉત્સાહ હોય છે, એટલો જ ઉત્સાહ આદિવાસી સંસ્કૃતિને નિહાળવા માટે દેશ અને દુનિયામાંથી આવતા પ્રવાસીઓ માટે પણ રહેતો હોય છે. ત્યારે આ વર્ષે ડાંગ દરબારની રોનક જોવા જેવી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.