કોરોના સંક્રમણ:નવસારીમાં 1 માસમાં 50 વિદ્યાર્થીને કોરોના, 10 વર્ષની ઉપરની વયના વધુ

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10 વર્ષથી નીચેની વયના માત્ર 2 બાળકનો જ રિપોર્ટ પોઝિટિવ

નવસારી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં શાળાઓ-કોલેજમાં ભણતા 50 વિદ્યાર્થીના રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યા છે, જેમાં માત્ર 2 જ વિદ્યાર્થી 10 વર્ષ યા તેથી ઓછી ઉંમરના છે. ડિસેમ્બર મહિનાની 5 તારીખથી નવસારી જિલ્લામાં સતત વિદ્યાર્થીઓના કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં પણ મહત્તમ કેસો 24 ડિસેમ્બર બાદ બહાર આવ્યા છે. સોમવાર સુધી 44 વિદ્યાર્થી હતા, જેમાં મંગળવારે વધુ 6 વિદ્યાર્થીના રિપોર્ટ પોઝિટિવ આવતા 4 જાન્યુઆરીએ પુરા થતા 1 મહિનામાં કુલ સંખ્યા 50 થઈ ગઈ છે.

જે કેસો બહાર આવ્યા છે તે જોતા 17 વર્ષની નીચેની વયમાં પણ ભારે અસમાનતા જોવા મળી છે. 50માંથી 48 વિદ્યાર્થી તો 11 વર્ષ યા તેની ઉપરની વયના છે, 10 વર્ષ યા તેની નીચેની વયના તો માત્ર 2 જ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 9 ડિસેમ્બરે ચીખલી તાલુકાના ઘેજના 8 વર્ષીય બાળક અને 4 જાન્યુઆરીએ ચીખલી તાલુકાના ટાંકલના જ 6 વર્ષીય બાળકનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારીના કબીલપોર વિસ્તારની એક ખાનગી સ્કૂલમાં જ્યાં હાલમાં વધુ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે તેને હાલ થોડા દિવસ બંધ કરવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે મંગળવારે 6 વિદ્યાર્થી સહિત વધુ 18 નવા કેસ, 1 વૃદ્ધનું મૃત્યું
મંગળવારે પણ જિલ્લામાં કોરોનાના વધુ કેસોનો સિલસિલો જારી રહ્યો હતો અને નવા 18 કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. જે નવા કેસ નોંધાયા છે તેમાં નવસારી શહેર-તાલુકાના 7 કેસ છે. આ ઉપરાંત ચીખલી તાલુકામાં 5, ગણદેવી તાલુકામાં 4, જલાલપોર અને વાંસદા તાલુકામાં 1-1 કેસ નોંધાયા હતા. જે નવા કેસો બહાર આવ્યાં તેમાં 6 વિદ્યાર્થી પણ છે. જેના ચીખલી તાલુકાના ટાંકલમાં જ 3 ઉપરાંત નવસારીમાં 2 અને 1 વિદ્યાર્થી ગણદેવી તાલુકાના નાંદરખાનો છે.

વધુ 18 કેસની સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7455 થઈ ગઈ છે. વધુ 2 દર્દી રિકવર થવાની સાથે કુલ રિકવર સંખ્યા 7163 થઈ ગઈ છે. એક્ટિવ કેસ વધીને 94 થઈ ગયા છે. વધુમાં મંગળવારે 1 કોરોના દર્દીનું મૃત્યુ પણ થયું હતું. ગણદેવી તાલુકાના અજરાઈના 70 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હતું. જેની સાથે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 198 થઈ ગઈ છે.

10થી નીચેનાના ઓછા કેસનું કારણ શાળા મોડી ખુલી
છેલ્લા 1 મહિનામાં કોરોનાના જે 50 કેસ નોંધાયા છે તેમાં 10 વર્ષથી નીચેની વયના નહિવત કેસ છે એ વિચાર માગી લે એવો સવાલ છે. આ માટેનું એક કારણ તંત્ર 1થી 5ના વર્ગો 6થી ઉપરના વર્ગો કરતા મોડા શરૂ કરાયાનું પણ જણાવાય છે. કેટલાક તો હજુ ઓનલાઈન પણ ભણે છે.

બીજુ એક કારણ 10થી નીચેના વયના લોકોનું ટેસ્ટીંગ ઉપરની વય કરતા ઓછુ હોવાનું પણ હોઈ શકે ! બીજુ કે ખુબ નાના બાળકોનો કોવિડ ટેસ્ટ કરવો પણ મુશ્કેલીભર્યો છે. હજુ સુધી ખૂબ નાના બાળકો સંક્રમિત થયાનું જોવાયું નથી. નવસારી જિલ્લામાં બાળકોમાં કોરોના કેસની સંખ્યા વધતા વાલીઓની ચિંતા પણ વધી છે.

અન્ય સમાચારો પણ છે...