તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો પોઝિટીવી રેટ:કોરોનામાં હવે દર 100 ટેસ્ટમાં 3થી ઓછા પોઝિટિવ

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવસારી જિલ્લામાં 25 દિવસ અગાઉ કોવિડ પોઝિટિવિટી રેટ 12 ટકા નજીક હતો, તે હાલ 2.25 ટકા જ
  • જૂન મહિનામાં કરાયેલ 5774 ટેસ્ટમાંથી 130નો જ રિપોર્ટ પોઝિટિવ, છેલ્લા બે દિવસમાં તો પોઝિટિવિટી રેટ માત્ર 1.75 ટકા નોંધાયો

નવસારી જિલ્લામાં કોરોનાનો પોઝિટીવી રેટ 3 ટકાથી પણ નીચે ગયો છે. હવે દર 100 ટેસ્ટમાં 3 થી ઓછા પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યા છે. નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો જ થઈ રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે, કોવિડ ટેસ્ટમાં ઘટાડો કરાયો ન હોવા છતાં કેસો ઘટી રહ્યા છે, જે બાબત સ્પષ્ટ કરે છે કે, બીજી લહેરમાં સંક્રમણ ઓછું થઈ રહ્યું છે.

આંકડાકીય બાબત જોઈએ તો આજથી 26 દિવસ અગાઉ મેં મહિનામાં કોવિડ પોઝિટિવિટી રેટ 12 ટકા નજીક હતો, એટલે કે દર 100 ટેસ્ટમાં 12 જેટલા પોઝિટિવ કેસ બહાર આવતા હતા, જોકે જૂન મહિનામાં આખીય સ્થિતિ જ બદલાઈ ગઈ છે.જૂન મહિનાના 6 દિવસમાં પોઝીટીવીટી રેટ 2.25 ટકા જ (3 ટકાથી ય ઓછો)નોંધાયો છે. આ દિવસો દરમિયાન ટેસ્ટ કરાયેલ 5774 ટેસ્ટમાં 130 કેસ જ પોઝિટિવ આવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ દરમિયાન તો પોઝિટિવિટી રેટ વધુ ઘટ્યો છે. આ બે દિવસમાં કરાયેલ કુલ 1876 ટેસ્ટમાં 33 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે પોઝિટિવિટી રેટ માત્ર પોણા બે ટકા જ દર્શાવે છે. જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ પોઝિટિવ કેસોની સંખ્યા ઘટતી જાય છે.

એક માસમાં મૃત્યુમાં 85 ટકા ઘટાડો
નવસારી જિલ્લામાં કોરોનાના કેસ ઘટવાની સાથે મૃત્યુમાં તો ભારે ઘટાડો થયો છે. એપ્રિલ અને મેં મહિનાની શરૂઆતમાં વિરાવલ સ્મશાનગૃહ રોજ 20 થી 22 મૃતદેહોને કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અગ્નિદાહ અપાતા હતા, જે ઘટી 15 મી મેં ના અરસા દરમિયાન 10 થયા હતા. હાલ તો ખૂબ જ ઘટી રોજ બે થી ચાર મૃતદેહોને કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અગ્નિદાહ અપાઈ રહ્યા છે. એક માસમાં મૃત્યુનું પ્રમાણ 85 ટકા ઘટી ગયું છે એમ કહેવાય.

RTPCR ટેસ્ટ વધુ છતાં પોઝિટિવિટી ઓછી
નવસારી જિલ્લામાં ઘણા સમયથી બે પ્રકારે કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં આરટીપીસીઆર ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટનો સમાવેશનો સમાવેશ થાય છે. આ બન્નેમાં વધુ વિશ્વસનીય આર ટી પીસીઆર ટેસ્ટ છે. ભૂતકાળમાં જિલ્લામાં રેપીડ એન્ટીજન ટેસ્ટ વધુ કરતા હતા, જેથી તેના રિપોર્ટને લઈ સવાલો પણ કરાતા હતા. હાલ કેટલાય સમયથી જે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમાં 70 ટકા જેટલા આર ટી પીસીઆર કરાય છે, જેથી આ વધુ વિશ્વસનીય ટેસ્ટમાં પણ પોઝિટિવ કેસ ઘટી રહ્યા છે, એ બાબત બતાવે છે કે, સંક્રમણમાં ખૂબ ઘટાડો થયો છે.

રોજ નવા કેસ સામે 4 ઘણા રિકવર થયા
હાલમાં કોરોનાના વધુ ને વધુ રિકવર થઈ રહ્યા છે 24 મેના રોજ કુલ રિકવર 5487 હતા, જે રવિવારે 6545 થઈ ગયા છે. નવા કેસ કરતા 4 ઘણા રિકવર થઈ રહ્યા છે.

13 દિવસમાં 558 એક્ટિવ કેસ ઘટ્યાં
જ્યાં પોઝિટિવ કેસો ખૂબ ઘટી ગયા છે ત્યાં હવે એક્ટિવ કેસો પણ ઝડપથી ઘટી રહ્યા છે. 13 દિવસ અગાઉ 800થી વધુ એક્ટિવ કેસ જિલ્લામાં હતા, જે ઘટી હાલ 254 જ રહી ગયા છે. દરરોજ 40થી 50 એક્ટિવ કેસ ઘટી રહ્યા છે.

કોરોનાની સ્થિતિનું ખરું બેરામીટર પોઝિટિવિટી રેટ
કોરોનાની સાચી સ્થિતિ જે તે વિસ્તારની ‘કોવિડ પોઝિટિવિટી રેટ’ જ બતાવે છે કારણકે તેમાં થઈ રહેલા ટેસ્ટની સામે કેટલા પોઝિટિવ આવે છે તે દર્શાવે છે. ઘણીવાર કેસ તો ઘટે છે પણ ટેસ્ટ ઘટાડયો હોય કેસ ઘટે છે, આ ખરો માપદંડ નથી.હાલ નવસારી જિલ્લામાં ટેસ્ટ ન ઘટાડવા છતાં કેસ ઘટી રહ્યા છે, જે રાહતના સમાચાર છે.

અન્ય સમાચારો પણ છે...