તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:નવસારીમાં કલાકાર-સંગીતકારોને કોરોનાએ રડાવ્યા : આર્થિક પેકેજ જાહેર કરવા માંગણી

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યને રજૂઆત છતાં પરિણામ ન મળતા કલાકારોની મિટીંગ મળી

નવસારી જિલ્લામાં કોરોના મહામારીને પગલે ધંધા-ઉદ્યોગોની માઠી દશા થઈ છે. સાથે સાથે માત્ર સંગીત અને લગ્ન, સામાજીક પ્રસંગો અને નવરાત્રિમાં વર્ષભરની આજીવિકા કમાનારા કલાકારો અને સંગીતકારોની આર્થિક સ્થિતિ વિકટ બની છે. કોરોનાનાં કારણે હવે ગણેશોત્સવ બાદ હવે નવરાત્રિનો ઉત્સવ પણ ઉજવવા સરકારે મનાઈ ફરમાવતા સંગીતકારો અને કલાકારો સંકટમાં આવ્યા હોય સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી નવસારીનાં ધારાસભ્ય પિયુષ દેસાઈ પાસે રજૂઆત કરશે.

કોરોના મહામારીએ ધાર્મિક પર્વો, ઉત્સવો, મેળાવડાઓ, સામાજીક પ્રસંગોને મર્યાદિત કરી દીધા છે. સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની માર્ગદર્શિકા મુજબ કાર્યક્રમો કરવા માટે પરવાનગી લેવા જણાવતા નવસારીનાં સંગીત કલાકારોની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બની છે. જેમાં અગાઉ ગણેશોત્સવ વખતે નવસારીના ધારાસભ્યને રજૂઆત કરી હતી પરંતુ કોઈ જવાબ ન મળતા મંગળવારે કલાકારોની મિટીંગ યોજાઈ હતી. જેમાં અગ્રણી નિરવ ગાંધીએ જણાવ્યું કે કોરોના પર્વને કારણે કલાકારો કોઈ કામ કરી શકતા નથી. સંગીત કલાકારો પાસે સંગીતના કાર્યક્રમો સિવાય કોઈ આજીવિકા નથી. નવરાત્રિ દરમિયાન કલાકારોને સંગીતનાં કામો મળશે તેવી આશા હતી પરંતુ સરકારે નવરાત્રિ ઉજવવા પર પ્રતિબંધ મુકતા આર્થિક સ્થિતિ વિકટ બની છે ત્યારે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે એ માટે નવસારી ધારાસભ્યને રજૂઆત કરાશે. નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા લોકોને બહાર નીકળવા માટે જરૂરી સૂચનાઓ જારી કરી છે. ઉપરાંત જ્યાં સંક્રમણની વધુ શક્યતા છે તેવા સરકારી કાર્યક્રમો પર રોક લગાવી છે. આવા સંજોગોમાં કલાકાર-સંગીતકારોની હાલત વધુ બગડી છે જેથી આર્થિક પેકેજની માંગ કરાઇ છે.

આત્મનિર્ભર યોજનામાં કલાકારોને કડવો અનુભવ
મંગળવારે સંગીતકારની મળેલી મિટીંગમાં સરકારની આત્મનિર્ભર લોન લેવા બેંકમાં ગયા ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો. જેમાં બેંક તરફથી જણાવ્યું કે 1 લાખની લોન માટે 4 સાક્ષીની સહીની જરૂર પડે, 3 વર્ષનું રિટર્ન માંગે, બાંયધરી માંગે, કલાકાર કેવી રીતે આ બેંકની માંગણી પૂરી કરી શકે તેમ સંગીતકારોએ પોતાના બેંક લોનનાં કડવા અનુભવ જણાવ્યા હતા.
બીજી વાર રજૂઆત કરવામાં આવશે

લોકડાઉન બાદ અમે ઘરે બેઠા છીએ. ગણદેવી અને રાજકોટમાં સંગીતકારોએ આપઘાત કર્યો છે. જાહેર સામાજીક કાર્યક્રમ ન મળતા આર્થિક સ્થિતિ નબળી બની છે. નાના કલાકારોને રાહત પેકેજ મળે જેથી કોઈ નાનકડો ધંધો શરી કરી શકે. અગાઉ નવસારીના ધારાસભ્યને રજૂઆત કરી હતી. કલાકારોને કોઈ યોજનામાં લાભ મળે તે માટે નવસારીના ધારાસભ્યને રજૂઆત કરીશું. - જીતેશ દંતાણી, કલાકાર

અન્ય સમાચારો પણ છે...