સુલેહ-શાંતિ જાળવવા અપીલ:પયગંબર અંગે ટીપ્પણીનો વિવાદ, નવસારી SPએ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ આગેવાનોએ શાંતિ જાળવવાની ખાતરી આપી

ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા હઝરત મહંમદ પયગંબર બાબતે વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં મુસ્લીમ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ હતી જેને લઇને દેશના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગે સતત દોડધામ કરવી પડી રહી છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ કોમી એખલાસ ભર્યુ વાતાવરણ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય ની આગેવાનીમાં SP કચેરી ખાતે મુસ્લિમ આગેવાનો સાથે મિટિંગ યોજીને શાંતિ બની રહે તે માટે અપીલ કરી હતી.

સોશિયલ મીડિયા પર પોલીસ નજર રાખશે

આગામી સમયમાં રથયાત્રા,ગણેશોત્સવ અને નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હંમેશાની જેમ નવસારી જિલ્લામાં રહેતા મુસ્લિમ આગેવાનો ધાર્મિક એકતાના દર્શન કરાવે અને કોઈ પણ વિરોધ પ્રદર્શન કે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી. સાથે જ સોશિયલ મીડિયામાં દુષ્પ્રચાર કરતા તત્વો વિરોધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી.

મુસ્લિમ આગેવાનોએ પોલીસને સહકારની ખાતરી આપી

મુસ્લિમ આગેવાનો દ્વારા પણ પોલીસને સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે જોખમ ઊભું કરતા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમ જ આવા અસામાજીક તત્વોને ખુલ્લા પાડી જરૂર કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષકને મુસ્લિમ આગેવાનોએ અપીલ કરી હતી.

આ સમગ્ર મિટિંગમાં શેખ રફીક અબ્બાસ, ઇફતેખાર અહમદ કરીમ,મૌલાના મહમૂદ વાડી,યુનુસ મુલતાની,બિલાલ ગની,આમિર યુફૂફ ગની,હાફિઝુલ શેખ,મીનહાઝ શેખ,જુનેદ શેખ, સહિત અન્ય મુસ્લિમ આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...