નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં:વિજલપોરની જલારામ સોસાયટીમાં બીયુસી વિનાના ઘરનું ગંદુ પાણી છોડાતા વિવાદ

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં ફરિયાદ કરતા નોટિસ આપ્યાનો દાવો

વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતા પરિવાર દ્વારા જાહેર રસ્તા પર ડ્રેનેજ લાઈનનું પાણી છોડી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બાબતે કલેક્ટર, ચીફ ઓફિસર સહિત અન્ય સરકારી કચેરીમાં ફરિયાદ કરી હતી. વિજલપોરના મણિલાલ સંગોઈ સહિત સોસાયટીમાં રહેતા લોકોએ નવસારી-વિજલપોર નગરપાલિકામાં ફરિયાદ કરતા જણાવ્યું કે વારંવાર ગેરકાયદે અધિકૃત પરવાનગી વગર બાંધકામ ચાલુ થયું હતું ત્યારથી વારંવાર રજૂઆતો કરવા છતાં નુડાનાં અધિકારીઓએ બાંધકામ અટકાવાને બદલે ફકત નોટિસો મોકલતા હતા, જે બાંધકામ પાયાથી અટકવું જોઈતું હતું તે પૂર્ણ થઈ ગયું છે.

બાંધકામ બિનઅધિકૃત હોવાથી નવસારી–વિજલપોર નગરપાલિકા ડ્રેનેજ લાઈન જોડવા આવેલા ત્યારે પાડોશીના તીવ્ર વિરોધને કારણે જોડી શક્યાં નથી. હાલ આ ગેરકાયદે બાંધકામ કરાવનાર પટેલ પરિવાર રહેવા આવેલ છે અને ડ્રેનેજનું ગંદુ પાણી જાહેર રસ્તા પર છોડીને આસપાસના લોકોનાં આરોગ્યને હાનિ પહોંચાડી રહ્યા હોય તાત્કાલિક કાર્યવાહી કરવા અને બીયુસી વગર રહેતાં પરિવાર સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

આ સોસાયટીનો આંતરિક મામલો છે
જલારામ સોસાયટીમાં જે તે વખતે પટેલ પરિવારે જૂનું ઘર લીધું હતું. તેને તોડી નવું ઘર બાંધ્યું હતું. જેની કોઈપણ પરવાનગી તંત્ર પાસે લેવામાં આવી ન હતી અને સોસાયટીના રહીશો દ્વારા ફરિયાદ કરાઇ હતી. નૂડા દ્વારા પાલિકાને આદેશ આપી પટેલ પરિવારને ડ્રેનેજ, પાણી અને આકારણી ન કરવા માટે આદેશ આપ્યા હતા.જેના કારણે સમસ્યાનું નિર્માણ થયું છે. આ બાબતે પાલિકાને આજે ફરિયાદ મળતા પાલિકાના કર્મચારીઓ ઘટનાસ્થળે જઇ ગંદુ પાણી છોડનારાને નોટિસ આપીને ત્યાં પાવડર છંટકાવ કરવાની કાર્યવાહી કરી છે. - શશીભાઈ પટેલ, અધિકારી, નવસારી-વિજલપોર પાલિકા

અન્ય સમાચારો પણ છે...