વિવાદ:નવસારીમાં બની રહેલ રાધાકૃષ્ણ મંદિરની જગ્યા વિવાદમાં

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વોદય સોસાયટીનું મંદિર તોડી પાડવા નગરપાલિકા પ્રમુખ જેસીબીના રસાલા સાથે ગયાનો સોસાયટીવાળાનો આક્ષેપ
  • સોસાયટીની પાછળની જગ્યાનું ઉપરાણું લઈ જીગીશ શાહે સોસાયટીમાં ભયનો માહોલ ઉભો કર્યાંની કલેક્ટરમાં ફરિયાદ કરવામાં આવી

નવસારીની એક સોસાયટીમાં મંદિર તોડવાની વાતે વિવાદ વકર્યો છે. જેમાં ખુદ પાલિકા પ્રમુખ પાલિકાના રસાલા સાથે પહોંચવાનો ગંભીર આક્ષેપ થયો છે.નવસારીમાં ગણદેવી રોડ વિસ્તારમાં સર્વોદય સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં ઘણા રહેણાંક મકાનો છે. સોસાયટીના રહીશોને જણાવ્યા મુજબ, ‘સોસાયટીના રૂણમૂકતેશ્વર મંદિરનો આનુષંગિક પ્લોટ કે જે વ્યક્તિગત માલિકીનો હોય અને તે પ્લોટ મંદિરને અને સોસાયટીને દાનમાં મળ્યો હતો.

તેની અંદર એક બની રહેલ મંદિરને તોડવાના હેતુસર પાલિકાના પ્રમુખ જીગીશ શાહ અને પાલિકાની ટીમ, નુડાના અધિકારી વગેરે સોસાયટીમાં પાછળ આવેલ કોઈ વ્યક્તિગત માલિકીનો રસ્તો પસાર થાય છે એવું ઉપરાણું લઈ ભયનો માહોલ ઉભો કર્યાનો ગંભીર આક્ષેપ સોસાયટીવાળાએ કર્યો છે. આ બાબતે શુક્રવારે સોસાયટીના રહીશો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં હાજર નિવાસી એડિશનલ કલેકટર (જે નુડાના મુખ્ય કારોબારી અધિકારી પણ છે) કેતન જોશીને મળ્યા હતા અને તેઓએ સોસાયટીમાં બની રહેલ મંદિરની જગ્યા મુદ્દે રજૂઆત કરી હતી અને આ પ્રકરણે પાલિકા પ્રમુખ જીગીશ શાહે ગેરવર્તણૂક કર્યાની પણ ફરિયાદ કરી હતી.

15 દિવસ અગાઉ આજ કમ્પાઉન્ડનું તાળુ તોડાયું હતું
સોસાયટીમાં બની રહેલા રાધાકૃષ્ણ મંદિરની જગ્યા મુદ્દે ઘણાં સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. 15 દિવસ અગાઉ 22મી એપ્રિલે પણ આ મંદિર પરિસરની કમ્પાઉન્ડ વોલમાં તાળુ તોડી કોઈ શખસ બિનઅધિકૃત રીતે પ્રવેશી ગયો હતો. અહીં તાળુ પણ તે સાથે લઈ ગયો હતો. આ ઘટના સંદર્ભે સોસાયટીના પ્રમુખે પોલીસમાં અરજી પણ આપી હતી. ઉક્ત ઘટના પણ આ મંદિરની જગ્યાના વિવાદ સંદર્ભે જ બની હોવાનું સોસાયટીના રહીશોનું કહેવું છે.

પાલિકામાં મળેલ અરજી સંદર્ભે ગયો હતો, મંદિર તોડવા ગયાની વાત ખોટી
અમને એક વિપુલભાઇ શાહ નામના વ્યક્તિની 27મી એપ્રિલે અરજી મળી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સોસાયટીની ઉક્ત જગ્યા રસ્તા માટે 1998માં તેમણે સોસાયટીને પૈસા ચૂકવીને વેચાતી લીધી હતી. જેની સબ રજિસ્ટ્રારમાં પણ નોંધ થઇ છે અને તેના કેટલાક અન્ય પુરાવા પણ આપ્યા હતા. તે જગ્યાએ કંપાઉન્ડ વોલ બની છે. આ અરજી મળતા નુડામાં જાણ કરી હતી અને નુડાના અધિકારી સાથે હું માત્ર સ્થળ જોવા જ ગયો હતો. ત્યા આમ તો દિવાલ બની ગયાનું જાણ થઇ હતી. જોકે, ત્યાં જઇને જોયું તો મંદિર બનાવવા સ્ટ્રકચર ઉભુ થઇ રહ્યું હતું. જેસીબી અને અન્ય સાધનો લઇ મંદિર તોડવા ગયો હતો તથા અપશબ્દ બોલ્યો એ વાત બિલકુલ જ ખોટી છે. જેસીબી કે અન્ય સાધનોના ફોટા બતાવાઇ રહ્યા છે તે અન્ય જગ્યાના છે. > જીગીશ શાહ, પાલિકા પ્રમુખ, નવસારી

પ્રમુખ ભયનો માહોલ ઉભો કરે એ યોગ્ય નથી
જો તંત્રને સોસાયટીમાં જે જગ્યાએ મંદિર બને છે તે ખોટી રીતે બની રહ્યું હોવાનું લાગતુ હોય તો તે માટે કાયદેસર ધોરણે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ જે રીતે ગુરૂવારે પાલિકા પ્રમુખ અને પાલિકાની ટીમે આવી ભયનો માહોલ ઉભો કર્યો હતો તે યોગ્ય નથી. જે રીતે જોર જબરદસ્તી કરવામાં આવી તે યોગ્ય નથી. > નિરલ નાયક, ઉપપ્રમુખ, સર્વોદય કો-ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લી. જમાલપોર નવસારી

અન્ય સમાચારો પણ છે...