PI સામે કાર્યવાહીની માગ:નવસારીમાં પોલીસ સાથે થયેલી ઝપાઝપી દરમિયાન ધારાસભ્યનું ગળુ દબાવ્યાનો આક્ષેપ, કોંગી કાર્યકરોનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ

નવસારીએક મહિનો પહેલા
  • અનંત પટેલને વાહનમાં બેસાડતી વખતે PI દીપક કોરાટે કોણીથી ગળું દબાવ્યું હોવાનો આક્ષેપ

ગઇકાલે મંગળવારે નવસારીના લુન્સીકુઇ મેદાન પાસે ધારાસભ્ય અનંત પટેલ અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. જેમાં અનંત પટેલનું એલસીબી પીઆઇએ કોણીથી ગળું દબાવ્યું હોવાના આક્ષેપ સાથે કોંગી કાર્યકર્તાઓએ એસપી કચેરીની બહાર સૂત્રેચ્ચાર કરી દેખાવો કર્યા હતા. તેમજ આ મામલે પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર ડિવાઇએસપી આર. ડી. ફળદુને પાઠવ્યું હતું.

નવસારીનાં લુન્સીકૂઇ મેદાન પાસે ગઈકાલે જેટકોના કર્મચારીઓના પડતર પ્રશ્નોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવાની તૈયારી કરી હતી પરંતુ પોલીસ પરમિશન ન મળતાં કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. પરંતુ લુન્સિકુઈ પાસે સમર્થકો સાથે ઉભા ધારાસભ્ય અનંત પટેલ અને પોલીસ વચ્ચે કોઈક વાતે ચકમક થઈ હતી. જેને પગલે પોલીસ ટીંગાટોળી કરીને કોંગ્રેસી કાર્યકરો સહીત ધારાસભ્યને ગ્રામ્ય પોલીસ મથકે લઈ ગઈ હતી. જેમાં ધારાસભ્ય અનંત પટેલને સરકારી વાહનમાં બેસાડતી વખતે LCB PI દીપક કોરાટે કોણીથી અનંત પટેલનું ગળું દબાવ્યું હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસી કાર્યકરોએ SP કચેરી બહાર નરેન્દ્ર મોદી, હર્ષ સંઘવી અને PI વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને Dysp આર. ડી. ફળદુને PIને સસ્પેન્ડ કરવા મામલે આવેદનપત્ર આપ્યું હતું.

હાલમાં 10મી જૂનના રોજ ખુંડવેલ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં સરકારી મશીનરી વ્યસ્ત છે. ત્યારે કચેરીએ કોંગી કાર્યકર્તાઓને જિલ્લા પોલીસ વડા તો નહોતા મળી શક્યા. જેથી ડિવાયએસપીને જિલ્લા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય સાથે થયેલા અસભ્ય વર્તન બદલ આવેદનપત્ર અપાયું હતું. કોંગ્રેસી અગ્રણીઓએ LCB PI દીપક કોરાટને સસ્પેન્ડ કરવામાં આવે તે મુદ્દે ઉગ્ર વલણ અપનાવ્યું હતું.

કોંગ્રેસી યુવા આગેવાન જય પટેલના જણાવ્યા મુજબ રક્ષક જ ભક્ષક બન્યા હોય તેમ LCB PI જો ધારાસભ્ય સાથે આવું વર્તન કરી શકતા હોય તો સામાન્ય લોકો સાથે શું કરતા હશે? આ બાબતને લઇને અમારી એક જ માંગ છે કે PIને સસ્પેન્ડ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...