હાલમાં માર્કેટમાં ચારેકોર લીંબુની ચર્ચાએ જોર પકડ્યું છે. જોક્સ હોય કે રાજકીય ગપશપ તમામમાં લીંબુની વાત ન હોય તે શક્ય નથી. હાલમાં લોકો એકબીજાને સોના ચાંદીના બદલે કીંમતી ભેટ તરીકે લીંબુ આપી રહ્યા છે. તેવામાં વધેલા ભાવનો લાભ જરૂરી નથી કે ખેડૂતોને મળ્યો જ હોય. વાત કરીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખેડૂતોની તો વધુ પડતી ગરમીને કારણે લીંબુની કાગદી, સરબતી, ઇટાલિયન જેવી જાત પર સીધી અસર પડી છે.
નવસારીના ચીખલી તાલુકામાં છેલ્લા દસ વર્ષથી ખેતી કરતાં પારસભાઈ દેસાઈને માર્કેટમાં વધેલા લીંબુના ભાવથી કોઈ આર્થિક ફાયદો થયો નથી અને તેનું કારણ છે સન સ્ટ્રોક. 15 દિવસ પહેલા નવસારી જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને આંબી ગયું હતું. જેના કારણે વધુ પડતી ગરમીના કારણે લીંબુની ગુણવત્તા પર સીધી અસર પડી હતી. તેના કારણે તેની ક્વોલિટી બગડતાં કોઈ લેવાલ ન મળતાં ખેડૂતોને તેને સસ્તામાં વેપારીઓને આપવાની ફરજ પડી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેતીમાં કુલ 125 ઝાડ લીંબુના છે, જેમાં 16 ઝાડ કાગદી લીંબુ અને 25 ઝાડ શરબત ઇટાલિયન જાતના છે. જેમાં આ વર્ષે વધુ પડતી પડેલી ગરમીને કારણે તેમને ઉત્પાદન ઓછું મળ્યું છે. સાથે જ લીંબુમાં થીપ્સના રોગથી પણ ખેડૂતોને સાચવવું પડે છે. આ વર્ષે વધુ પડતી ગરમીને કારણે 20થી 25 ટકા ઉત્પાદન પર અસર પડી છે. સન સ્ટ્રોકને કારણે લીંબુ પર ડાઘો પડે છે અને તેમાં રહેલો રસ ઓછો થતાં વેપારી આવા લીંબુ ખરીદવાનું ટાળે છે. જેના કારણે પોષણક્ષમ ભાવ મળતા નથી.ગત વર્ષે 5000 મણ લીંબુનું ઉત્પાદન થયું હતું, જેને અસર થવા પામી છે. જેથી માર્કેટમાં મોંઘા વેચાતા લીંબુ ખેડૂતો માટે આર્થિક કમાણીનું માધ્યમ બની શક્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.