નુકસાનની ભીતિ:જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેરડીનું કટિંગ ચાલતુ હોવાથી અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિ

ચીખલી સહિત સમગ્ર પંથકમાં હાલ આંબા કલમ પર આમ્ર મંજરી મોર ફૂટવાની સિઝન છે તો બીજી તરફ શેરડીનું કટીંગ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેવામાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે ધરતીપુત્રોમાં ચિંતા વધી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 12 અને 13 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અને એપીએમસી માર્કેટ અનાજના જથ્થાને ખુલ્લામાં રહેલ ખેતીના માલને તેમજ પરિવહન દરમિયાન કે અન્ય કોઈપણ જગ્યાએ વરસાદના કારણે કોઈ નુકસાની નહીં થાય તે માટે જરૂરી વ્યવસ્થા અને તકેદારીના પગલાં લેવા માટે ખેતીવાડી બાગાયત વિભાગના અધિકારીઓને ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જાણ કરવામાં આવી છે.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલ આંબાવાડીમાં આંબા કલમો ઉપર આમ્રમંજરી ફૂટવાની સિઝન છે, આંબાના ઝાડ ઉપર કેટલીક જગ્યાએ આમ્રમંજરી જોવા પણ મળી રહી છે, બીજી તરફ ફૂટ માટે ઠંડીની માત્રા વધે તો વાતાવરણ સાનુકૂળ થતું હોય છે પરંતુ તેનાથી વિપરીત આગાહી મુજબ કમોસમી વરસાદ થાય તો આંબાવાડીમાં આમ્રમંજરી ફૂટવા પર અસર વર્તાવા સાથે નુકસાન થવાની શક્યતા વચ્ચે ધરતી પુત્રોની ચિંતા વધી છે.

આ ઉપરાંત હાલ આ વિસ્તારનો મુખ્ય પાક એવા શેરડીનું કટીંગ પણ ચાલી રહ્યું છે તેવામાં કમોસમી વરસાદ થાય તો શેરડીનું કટીંગ પણ અટકી જાય તેમ છે. વધુમાં કમોસમી વરસાદથી શાકભાજીના પાકોને પણ નુકસાન થવાની શક્યતા વચ્ચે ખેડૂતોની ચિંતા વધે તે સ્વાભાવિક છે. આ ઉપરાંત ચીખલી તાલુકામાં શેરડી કાપવા આવેલા શ્રમિકો પણ મોટી સંખ્યામાં છે. તેઓ સામાન્ય ટેન્ટમાં વસવાટ કરતા હોય છે ત્યારે આવા શ્રમિકોએ પણ મુશ્કેલી વેઠવાની બાબત આવી શકે એમ છે. તાલુકામાં હાલ વિકાસના કામો પણ ચૂંટણી બાદ તે જ ગતિએ ચાલી રહ્યા છે ત્યારે કમોસમની વરસાદથી વિકાસના કામો પર પણ બ્રેક લાગવાની ભીતી સેવાઈ રહી છે.

ગત ડિસેમ્બરે પણ કમોસમી વરસાદ પડ્યો હતો
ચીખલી પંથકમાં ગત વર્ષે પણ ડિસેમ્બર માસની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડ્યો હતો. ગત 1 અને 2 ડિસેમ્બર દરમિયાન ધોધમાર 74 મિમી જેટલો સારો વરસાદ વરસતા ખેડૂતોને મોટેપાયે નુકસાન થયું હતું.

કમોસમી વરસાદે ખેડૂતોએ રાખવાની તકેદારી
જિલ્લામાં 12 અન 13મી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન સામાન્યથી હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેથી ખેડૂતોએ કમોમસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોના ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ જંતુનાશક દવા/ખાતર ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, એપીએમસીમાં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એપીએમસીમાં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેચાણ અર્થે લઈ જવાતી કહેતા પેદાશો શક્યત: આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરીક્ષણ કરી ટાળવી અથવા સુરક્ષિત રાખવા, ખાતર અને બિચારણના વિક્રેતાઓએ પણ ઈનપુટ ગોડાઉનમાં પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા વગેરે પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. એ.આર.ગજેરા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...