કાર્યવાહી:ફાતિમા એપાર્ટમેન્ટના બિલ્ડર, આર્કિટેક સહિત 7 સામે ટાઉન પોલીસમાં ફરિયાદ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસરગ્રસ્ત ફ્લેટ ધારકે ન્યાય મેળવવા માટે કોર્ટમાં ઘા નાખી હતી , કોર્ટ આદેશ બાદ કાર્યવાહી કરાઇ

નવસારી વોર્ડ નંબર-4મા આવેલ ફાતિમા એપાર્ટમેન્ટના બિલ્ડરોએ ફ્લેટ ધારકોને યોગ્ય વળતર આપ્યું ન હતું. આ બાબતે પોલીસે ફરિયાદ નહીં નોંધતા આખરે નવસારી કોર્ટમાં કેસ કરતા કોર્ટે ફરિયાદીની તમામ દલીલો માન્ય રાખી બિલ્ડર સહિત 7 સામે FIR દાખલ કરવા આદેશ આપ્યો હતો. જેને પગલે બુધવારે ટાઉન પોલીસમાં કોર્ટમાં આપેલી ફરિયાદ અક્ષરશઃ નોંધાઈ હતી.

નવસારીના અબ્દુસ સમદ શેખ (હાલ રહે. હાજત એપાર્ટમેન્ટ, મૂળ રહે. ફાતિમા એપાર્ટમેન્ટ, દસ્તુરવાડ, નવસારી)એ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે નવસારી-વિજલપોર પાલિકાના હાલના વોર્ડ નંબર-4મા આવેલા દસ્તુરવાડમાં ફાતિમા એપાર્ટમેન્ટ 10 વર્ષ પહેલાં બિલ્ડર નયના બટુક ઠુમ્મર (રહે. રામજી મંદિર પાછળ, ખોડિયારનગર સોસાયટીમાં, જલાલપોર), ઇમરાન અમરેલીવાળા (રહે.મન્નત એપાર્ટમેન્ટ, વિરાવળ), ઈલિયાસ બેટરી (રહે. ઓરનેટ એપાર્ટમેન્ટ, રીંગરોડ, નવસારી), આસિફ હિંગોરા (આર્કિટેક્ટ, રહે.ગાર્ડનવ્યુ, યશફીન હોસ્પિટલ પાછળ, વિરાવળ નવસારી)એ બનાવ્યું હતું.

બાંધકામમાં મટિરિયલ ઓછું વાપરતા ઇમારતના પિલર ડેમેજ થયા હતા, જેના કારણે નવસારી પાલિકાએ તાત્કાલિક કમિટી બનાવી તેના સ્ટ્રક્ચર બાબતે રિપોર્ટ આપતા ઇમારત તોડી પાડવામાં આવી હતી. બિલ્ડરોએ અને સ્થાનિકો સાથે બેઠક મળી વળતર આપવા જણાવ્યું હતું. પરંતુ વળતર ઓછું હોય આ સામાધાન શક્ય બન્યું ન હતું.

આ બાબતે એપાર્ટમેન્ટના ફ્લેટ ધારક અબ્દુસ સમદ શેખે નવસારી પોલીસમાં ફરિયાદ આપવા જતા એક અધિકારીએ આ સિવિલ મેટર હોય કોર્ટમાં કેસ દાખલ કરો તેમ સમજ આપી ગુનો નોંધવામાંથી હાથ ખંખેરી નાંખ્યા હતા. જેથી ફ્લેટ ધારક અબ્દુલ હસન શેખે તેમના એડવોકેટ સતિષભાઈ શર્મા અને અન્ય એડવોકેટ મારફતે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટે ફરિયાદી અબ્દુસ સમદ શેખની અક્ષરસહ ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો.

હલકી કક્ષાના બાંધકામનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યુ કે તમામ આરોપીઓ ભેગા મળી ગુનાહિત કાવતરું આચરી તેઓ પ્રથમથી જ જાણતા હતા કે તેઓ જે હલકી કક્ષાનું બાંધકામ કરવા જઇ રહ્યા છે. તેના કારણે મોટી જાનહાનિ કે હોનારત થશે. બિલ્ડીંગ પડી જાય તેમ છે અને આ હલકી ગુણવત્તાવાળા ફ્લેટ વેચી છેતરપિંડી આચરી છે. તેમાં મદદરૂપ થનાર અને રિપોર્ટ આપનાર વર્ષ 2008-09ના તમામ સભ્યો અને નૂડાના સભ્યો, તે જ વર્ષના ચીફ ઓફિસર અને એ જ વર્ષના બિલ્ડીંગ ઇન્સ્પેકટર વિરુદ્ધ ગુનો દાખલ કરી સમાજમાં એક ચીલો બેસે તેમ ફરિયાદમાં જણાવ્યું હતું. ફાતિમા એપાર્ટમેન્ટના ફલેટ ધારકોને હવે ન્યાય મળશે તેવી આશા પણ જાગી છે.

છેતરપિંડી સહિતનો ગુનો દાખલ કરાયો
પોલીસ ફરિયાદમાં 7 આરોપી વિરુદ્ધ આઇપીસીની કલમ 307, 336, 418, 420, 425, 427 તથા 114 મુજબ બિલ્ડર, આર્કિટેક, સહિત 7 સામે ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...