ડાંગ જિલ્લાના સુબીરમાં 6ઠ્ઠી ઓગસ્ટ 2018ના રોજ સુબીર વન અધિકારી દ્વારા સુબીરના જ સ્થાનિક આદિવાસી યુવાનને લાકડાચોરીની મામલે અટકાયત કરી માર માર્યાની ઘટનામાં 4 વર્ષ બાદ આહવા એડિશનલ સેશન્સ કોર્ટે તપાસનો હુકમ કર્યો છે.
ફરિયાદી નીલેશ ઝાબરેના જણાવ્યા મુજબ 6ઠ્ઠી ઓગસ્ટ 2018ના રોજ તેઓ કાર લઈને સુબીરથી ઇસખંડી ગામે પેસેન્જર ઉતારી પરત આવી રહ્યો હતો. દરમિયાન સુબીર રેન્જના આરએફઓ અનિલ પ્રજાપતિ, બીટગાર્ડ વાની, રાઉન્ડ ફોરેસ્ટર ગાંગુર્ડે અને વોચમેન સીતારામ દ્વારા ખોટી રીતે તેમની પાસે લાકડાચોરી કબૂલાત કરાવવા માટે માર માર્યો હતો અને ફોરેસ્ટ વિભાગની ગાડીમાંથી લાકડા લાવી તેમની કારમાં મૂકી દઈને ચોર સાબિત કરવા ષડ્યંત્ર રચ્યું હતું. તેમને સુબીર રેંજના આરએફઓ, બીટગાર્ડ, રાઉન્ડ ફોરેસ્ટર અને વોચમેને માર મારતા સિવિલમાં સારવાર લેવી પડી હતી.
સ્થાનિક આગેવાનોની ભલામણ બાદ પણ પોલીસ વિભાગમાં ફરિયાદ દાખલ થઈ ન હતી. આખરે ન્યાય નહીં મળતા નવસારી સિવિલ કોર્ટ મારફત આહવા સિવિલ કોર્ટમાં તેમણે ફરિયાદ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ-2018ની ઘટના મામલે તેમની ફરિયાદ, વેરીફિકેશન, તેમનું નિવેદન, સાહેદોનું નિવેદન તથા મેડીકલ ઓફિસરનું કોર્ટ સમક્ષ રૂબરૂ નિવેદન તેમજ દલીલોને ધ્યાનમાં રાખી જેતે સમયના સુબીર રેન્જના આરએફઓ અનિલ પ્રજાપતિ, બીટગાર્ડ વાની, રાઉન્ડ ફોરેસ્ટર ગાંગુર્ડે અને વોચમેન સીતારામ ગાવિત વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ ગુનાની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવા આહવા એડિશનલ સેશન્સ કોર્ટે 23મેના રોજ હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.