છેતરપિંડી:નવસારી શહેરમાં મિલકતની લે-વેચમાં 18.09 લાખની છેતરપિંડી કર્યાની બે સામે ફરિયાદ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21.91 લાખ ચૂકવ્યા, બાકીના 18.09 લાખના બદલામાં સુરત ખાતે ફ્લેટ આપવાની બાહેધરી આપી હતી

નવસારીમાં લુન્સીકૂઈ નજીક રહેતા શખસે તેની પત્નીના નામે આવેલી જમીન વેચાણના 40 લાખ આવ્યા હતા. આ નાણાં તબીબ અને જમીન ડેવલપ કરતા શખસે લાલચ આપીને 40 લાખ લીધા હતા. બાદમાં તબીબે નાણાં નહીં ચૂકવીને વાયદા કરતો હતો અને તેમના મિત્રની સહાયથી સુરતમાં ફ્લેટ આપવાનો વાયદો કર્યો હતો પરંતુ સાટાખત કે ફ્લેટ પણ નહીં આપતા અંતે છેતરપિંડી કરનાર તબીબ અને ફ્લેટ નહીં આપનાર બે વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

નવસારીના લુન્સીકૂઈ રોડ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિન એન. બારોટે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે વર્ષ-2013માં તેમની પત્નીના નામે આવેલી જમીન વેચી દેતા 40 લાખ આવ્યા હતા. આ જમીન વેચાણ રાખનાર ડો. નીતિન બાસોટીયા (રહે. આસુંદર, ધામણ પાટિયા ગામ પાસે, નવસારી)એ તેમને લાલચ આપી કે તેઓ જમીન ડેવલપ કરે છે. તમારા ઘરે પડેલા નાણાંનું રોકાણ કરશો તો વધુ પૈસા આવશે તેમ જણાવતા અશ્વિનભાઈએ તેને 40 લાખ આપી દીધા હતા. બાદમાં તેમણે નાણાંની ઉઘરાણી કરતા ડો. નીતિન નાણાં આપતો ન હતો. તેમનું દેવું વધી જતાં ડો. નીતિન પાસે નાણાંની માંગ કરતા તેમણે ટૂકડે ટૂકડે રૂ. 21.91 લાખ આપ્યા હતા. બાદમાં નોટબંધી આવી જતા ડો. નીતિને નાણાં ન આપી બાકી નાણાંના ચેક આપ્યા હતા.

આ તમામ ચેક બાઉન્સ થયા હતા. ડો. નીતિને વર્ષ-2021માં માર્ચ માસમાં આસુંદર પાસે આવેલા રિસોર્ટમાં બ્રિજેશ વાકાવાળા (રહે. અલથાણ, સુરત)ની ઓળખાણ અશ્વિનભાઈ સાથે કરાવીને જણાવ્યું કે મારે બ્રિજેશ પાસે નાણાં લેવાના છે. તેમનો સુરતમાં ફ્લેટ છે તે તમારા પુત્રના નામે કરી દઈશું તેમ જણાવ્યું હતું. જેથી બિલ્ડરને આઇડી પ્રુફ આપવાના બહાને જણાવ્યું કે સાટાખત કરવા પહેલા ડો.નીતિન બાસોટીયાએ જે ચેક આપ્યા હતા તે પરત કરી દો તેમ જણાવતા તેમણે ચેક આપી દીધા હતા.

બાદમાં બિલ્ડરે ફ્લેટના સાટાખત કરવા 3 લાખ માંગ્યા હતા પરંતુ ડો.નીતિન અને બ્રિજેશ વાકાવાળાએ 3 લાખ નહીં આપતા ફ્લેટના સાટાખત બનાવ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારીમાં રિસોર્ટમાં ફરજ બજાવતી આદિવાસી યુવતીને રાત્રિના સમયે રોકાવાનું કહીંને તેણીને શરીરે ગંભીર ઇજા પહોંચવાની ઘટના બની હતી. આ બનાવ જે રિસોર્ટમાં બન્યો તે આરોપીનો હોવાની પણ ફરિયાદમાં નોંધ થઇ છે.

નાણાં નહીં આપતા ફરિયાદીએ આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો
નવસારીમાં છેતરપિંડીની ઘટનામાં વર્ષ-2013મા વ્યવહાર થયો હતો. ડો.નીતિન બાસોટીયાએ ફરિયાદીને નાણાં ન આપતા ઘણી આર્થિક મુશ્કેલી ઉભી થઇ હતી. જેમાં જુના ઘરની ઘરવખરી વેચાઈ હતી. મકાનના લોનના હપ્તા ભરી નહીં શકવાને કારણે તેમની બેંકે એનપીએ કરી દીધી છે.

હાલમાં રહેતા મકાનને પણ સીઝ કરવા બેંકે નોટિસ આપી છે. તેમનો દીકરો નાણાંના અભાવે પ્રોફેશનલ કોર્સ કરી શક્યો ન હતો. ઘર ચલાવવા પૈસા નહીં હોવાનું અને પત્નીના દાગીના પણ વેચી નાંખ્યાં અને અમુક ગીરવે મુક્યાં હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...