નવસારી જિલ્લામાં લાયસન્સ વગર ઉંચું વ્યાજ વસૂલ કરતા લોકો સામે નવસારી જિલ્લા પોલીસે જાગૃતિના કાર્યક્રમો કરતા નવસારીમાં શનિવારે પુરોહિત દંપતીએ ઊંચું વ્યાજ વસૂલીની ધમકી આપતા એલસીબીએ તેમની અટક કરી હતી. જ્યારે જિલ્લામાં નવા 9 જેટલા કેસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં વ્યાજે નાણાં લઈ શાહુકારોના વિષચક્રમાં ફસાઈ જતા લોકો પૈકી ઘણા લોકો વ્યાજનું દેવું ભરપાઈ નહીં કરી શકતા આત્મહત્યા કરી જીવનનો અંત લાવતા હોય છે. રાજ્ય પોલીસ દ્વારા દરેક જિલ્લામાં લાયન્સસ વગર ગેરકાયદે વ્યાજ વટાવની પ્રવૃત્તિ કરનારા સામે પગલાં લેવા અને આવા વ્યાજખોરોની માહિતી આપવા જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો થયા હતા. જેની અસર થતા શનિવારે એક જ દિવસે પોલીસે 10 કેસ કરવામાં સફળતા મળી હતી.
વિજલપોર પોલીસ મથકે આશિષ ટંડેલે શિવાજી ચોકમાં રાધિકા મની લેન્ડરની દુકાનમાં સોનાની ચેઇન 30 હજારમાં ગીરવે મૂકી તેના વ્યાજ પેટે દર મહિને 600 વ્યાજ પેટે ચૂકવીને વધુ વ્યાજ લેતા ભાવેશ પટેલ (રહે. અલકાપુરી, વિજલપોર) સામે ફરિયાદ આપી હતી.
મરોલીના મહુવરમાં રહેતા જીજ્ઞેશ સોનીના પિતાએ 4 લાખ મરોલીના મનોજ અગ્રવાલ પાસે લીધા હતા. તેના 3 વર્ષમાં 11.10 લાખ વ્યાજ સહિત આપવા છતાં મુદલ રકમ માટે ધાક ધમકી આપતા હોય તેમના વિરુદ્ધ મરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી.
ગણદેવી વિસ્તારમાં રામશકર પાંડે વર્ષ-2020માં મૂળ યુપી ના વિનય રઝાક (રહે. દેવસર, બીલીમોરા) પાસે રૂ. 2.50 લાખ વ્યાજ પેટે લીધા હતા. હાલમાં 3.26 લાખ વ્યાજ સહિત આપવા છતાં દરરોજ 335 વ્યાજ પેટે વિનય રઝાક પૈસા વસૂલ કરતા હોય તેના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી.
નવસારી ટાઉનમાં રહેતા પોપ્યુલર મેડિકલ સ્ટોરના રાજેશ ગાંધીએ વિજય પટેલ અને તેના પુત્ર ચિરાગ પટેલ પાસે વર્ષ-2012થી નાણાં વ્યાજે લીધા હતા. તેના અત્યાર સુધી 1 કરોડ વસુલ કર્યા છતા ધમકી આપતા હોય તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુપા ભૂત બગલાં પાસે રહેતા અને પંચર ની દુકાન ચલાવતા કાર્તિક હળપતિએ બારડોલીના રાજુ યાદવ અને પ્રભાકર રામાસમી પાસે અનુક્રમે 50 હજાર લીધા હતા.અને ડબલ રકમથી પણ વધુ રકમ વ્યાજ સહિત ચૂકવવા છતાં પણ મુદલ રકમની માંગ કરતા હોય ફરિયાદ નોંધાવી હતી.
ગણદેવી ગ્રામ્યમાં તમિલનાડુના વ્યાજ ખોર
ગણદેવી તાલુકાના ગામોમાં ભોળી જનતાને વ્યાજના નામે નાની રકમ આપી અનેક ગણી રકમ વસુલ કરવા માટે મૂળ તમિલનાડુ અને હાલ સુરત રહેતા કલલર અટક ધારી યુવાનો બાઇક પર આવી વ્યાજના નાણાં વસુલ કરી તેઓ સુરત પરત જાય છે. ગણદેવીમાં પણ 4 જેટલા મૂળ તમિલનાડુ વિસ્તારના વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.