રોજગારને અસર:નવસારીમાં ઠંડીની લહેર છતાં ગરમ વસ્ત્રોના માર્કેટમાં ઠંડી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની બીજી લહેર બાદ માર્કેટ ભરાયું છતાં વેપારીઓને ઘરાકી ન મળતાં િચંતા

નવસારીમાં છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના કારણે ગરમ વસ્ત્રો વેચવા આવતા હિમાચલ પ્રદેશના વેપારીઓએ દુકાન માંડી ન હતી. બે વર્ષ બાદ કોરોનાનું સંક્રમણ ઘટતા તેઓ નવસારીમાં આવ્યા છે. શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી નહીં પડવાથી તિબેટીયન માર્કેટમા ગ્રાહકો નહીં આવતા વેપારીઓની ચિંતા વધી છે. ઉપરાંત ઓમિક્રોનનો ભય પણ ફેલાતા ચિંતાનો માહોલ ફેલાયો છે.

કોરોના મહમારીના કારણે છેલ્લા બે વર્ષથી વિશ્વમાં મોટાભાગના તમામ ઉદ્યોગ-ધંધાની કમર તૂટી ગઈ છે. હાલમાં જ્યારે કોરોના નબળો પડ્યો છે ત્યારે ઉદ્યોગ-ધંધાની ગાડી પાટે ચઢી રહી છે. નવસારી જિલ્લામાં છેલ્લા 35 વર્ષથી ગરમ કપડા વેચવા હિમાચલ પ્રદેશથી વેપારીઓનું જૂથ તિબેટીયન માર્કેટ નામ હેઠળ દુકાનો લગાવે છે. આ વર્ષે પણ તેઓ ટાટા હોલ પાસેના પાર્કિગ પ્લોટમાં વેપારની શરૂઆત કરી છે.

બે વર્ષ બાદ તેઓ નવસારી શહેરમાં આવીને ઉદ્યોગ-ધંધાની શરૂઆત તો કરી છે, પરંતુ કુદરતે પણ તેમની પરીક્ષા લઈ રહ્યાં હોય તેમ ડિસેમ્બરનો અડધો મહિનો વીતવા છતાં પણ ઠંડીનો ચમકારો નહીં વધતા માર્કેટ હાલ ઠંડુગાર જોવા મળી રહ્યું છે. જેને લઈને વેપારીઓમાં ચિંતા વધી છે. હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં વસેલા આ વેપારી પરિવારો સમગ્ર વર્ષ દરમિયાન હાથ અને મશીન દ્વારા સ્વેટર મેન્યુફેક્ચરિંગ કરે છે. જેમાં 500 જેટલા લોકો આ વેપાર સાથે સંકળાયેલા છે અને તેમની રોજીરોટી ચાલે છે. તેઓ દિવાળી બાદથી નવસારી જિલ્લામાં આવે છે અને ફેબ્રુઆરી માસમાં પાછા જતાં રહે છે.

આ વખતે માર્કેટની સ્થિતિ કંઈ અલગ જ પ્રકારની જોવા મળી રહી છે. હાલમાં નવસારી જિલ્લામાં મિશ્ર પ્રકારના બેવડા વાતાવરણનો અહેસાસ થઇ રહ્યો છે. જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જેને લઇને સીધી અસર આ ગરમ કપડાના વેપાર પર પડી રહી છે. દિવસ દરમિયાન એકલદોકલ ગ્રાહક આવતા વેપારીઓમા ચિંતા વધી છે.

ડિસેમ્બરના અડધા દિવસ છતાં ઘરાકી ઓછી
36 વર્ષથી નવસારી જિલ્લામાં વેપાર કરવા આવીએ છીએ. પહેલાના વર્ષોમાં સિઝનનું વેચાણ 10 લાખ હતો. બે વર્ષ માર્કેટ બંધ રહ્યું હતું પરંતુ આ વખતે કુદરત પણ સાથ આપતું નહીં હોય તેમ ઠંડી વધી નહીં હોવાથી માર્કેટ નરમ જોવા મળી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના હોવાને કારણે વેપાર કરવા આવી શક્યાં ન હતા, પરંતુ આ વખતે પણ માર્કેટની સ્થિતિ ઠંડી હોવાથી વેપારને લઈને ચિંતા વધી છે. > નિમા, સ્થાનિક વેપારી

વેપારીઓમાં ચિંતાનું મોજુ ફેલાયું છે
છેલ્લા બે વર્ષથી આ વેપારીઓ કોરોનાને કારણે આવી શક્યા ન હતા, પરંતુ આ વખતે અમે તેમને કોઈ જ ખતરો નહીં હોવાને લઈને મનાવી લીધા હતા. તેઓ અહીં વેપાર કરવા આવ્યા છે પરંતુ અમને હવે ઓમિક્રોન વેરિઅન્ટની બીક લાગી રહી છે કે જો ફરીવાર લોકડાઉન આવ્યું તો શું કરશું ? તેઓ કયાં જશે એવી ચિંતા છે. > ચાર્મી, ગ્રાહક

અન્ય સમાચારો પણ છે...