સલામત-સ્વચ્છ ઉભરાટ:દરિયા કિનારે ચેતવણી બોર્ડ, બોયા, સાવચેતી પત્રિકા લગાવાઇ, બીચ પર ડૂબતાને બચાવવા ઝુંબેશ

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીના ઉભરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે પર્યટક સ્થળ છે. નવસારીની સાથે સુરતના લોકો પણ તહેવાર તથા રજાના દિવસોમાં દરિયાના પાણીની મોજ માણવા આવતા હોય છે. સહેલાણીઓ મોજ-મસ્તીમાં દરિયામાં નહાવા પણ જતા હોય છે, જોકે કેટલીક વાર નહાવા પડેલા લોકોની ડૂબવાની ઘટના પણ સામે આવતી હોય છે. કેટલાકને સ્થાનિકો ડૂબતા બચાવી લેતા હોય છે તો કેટલાકનું મૃત્યુ નિપજે છે. આવી ઘટનાઓને ટાળવા માટે નવસારીનું ઉત્કર્ષ મંડળ આગળ આવ્યું છે.

સલામત ઉભરાટ, સ્વસ્છ ઉભરાટના ધ્યેય સાથે નવસારીની સામાજિક સંસ્થા ઉત્કર્ષ મંડળ તરફથી લોકોને દરિયા ડૂબતા કેવી રીતે બચાવી શકાય અને કિનારાને સ્વચ્છ કેવી રીતે રાખી શકાય કામગીરી આરંભી દેવામાં આવી છે.

સલામત ઉભરાટ, સ્વસ્છ ઉભરાટ અંતર્ગત દરિયા કિનારે ભયસૂચક નિશાની દર્શાવતા ચેતવણી બોર્ડ, બોયા (દેશી લાઇફ જેકેટ), રેડ સિગ્નલ અને સાવચેતી પત્રિકા દરિયા કિનારે લોકોને માહિતગાર કરવા માટે મૂક્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ અહીં વેપાર કરતા વેપારીઓએ પણ ઉત્કર્ષ મંડળના પ્રયાસને મહત્વપૂર્ણ સહકાર આપ્યો છે.

બીચ પર સૂરક્ષા માટે કોઇ સુવિધા નહીં
દાંડી દરિયા કિનારો હોય કે પછી ઉભરાટ દરિયા કિનારો બન્ને બીચ પર તંત્ર તરફથી સૂરક્ષા માટેની કોઇ સુવિધા આજદિન સુધી ઉભી કરવામાં આવી નથી. કોઇપણ વ્યક્તિ પાણીમાં ડૂબતું હોય તો સ્થાનિકો જ તેમને બચાવવા જતા હોય છે. લાઇફ જેકેટ અને કોસ્ટ ગાર્ડની પણ કોઇ સુવિધા ન હોવાને કારણે સામાજિક મંડળોએ જવાબદારી સ્વીકારીને આગળ આવવુ પડે છે.

સ્થાનિકોનો સારો સહકાર મળી રહ્યો છે
આ પ્રોજેક્ટ દ્વારા ટીમના સભ્યોએ 1500 જેટલી પત્રિકા વહેંચી હતી. જેમાં ભરતી-ઓટના સમયની માહિતી આપવામાં આવી હતી. સહેલાણીઓએ બોયા (લાઇફ સેવિંગ જેકેટ) લઇને દરિયામાં જવું અને પરત આવતી વખતે પરત આપવા જેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. સ્થાનિક પોલીસ, હોમગાર્ડનો ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે. સ્થાનિકોએ પણ આ પ્રોજેક્ટના વખાણ કરીને તેની કામગીરીમાં સહકાર આપવાનું જણાવ્યું છે. - હરેશ વશી, પ્રમુખ, ઉત્કર્ષ મંડળ

અન્ય સમાચારો પણ છે...