જલાલપોર તાલુકાના ચીજગામમાં કોસ્ટલ પ્રિમિયર લીગ (સીપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ તથા નવસારી જિલ્લા ભાજપા પ્રમુખ ભુરાભાઈ શાહના હસ્તે રિબિન કપાવી ખુલ્લી મુકાઈ હતી. ચીજગામ ક્રિકેટ કલબ દ્વારા કલબના ક્રિકેટ મેદાન ઉપર કોસ્ટલ પ્રિમિયર લીગ (સીપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મર્યાદિત આઠ ઓવરની આ ટુર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લઈ રહી છે.
જેમાં જલાલપોર તાલુકાના ઐતિહાસિક દાંડીથી લઈને ગણદેવી તાલુકાના મેંધર-ભાટ સુધીના દરિયાઈ પટ્ટી પર આવેલા 50 ગામના ક્રિકેટરોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઓનલાઈન નોંધણી કરાવી હતી. તે પૈકીના 160 જેટલા યુવા ક્રિકેટરો ઓકશન દ્વારા પસંદગી પામ્યા હતા. આ તમામ યુવા ક્રિકેટરો વિવિધ ટીમો વતી રમી પોતાની ક્રિકેટ પ્રતિભાને પ્રદર્શિત કરશે.
આ ટુર્નામેન્ટનો પ્રારંભ શુક્રવારે જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ તથા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ રણધીર પટેલ, જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ વિજય પટેલ, વસંતભાઈ દેસાઈ, ચીજગામના મહિલા સરપંચ દીપાબેન પટેલ સહિત અનેક મહાનુભવો તથા ખેલાડી મિત્રો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્રિકેટ રસિયાઓની હાજરી વચ્ચે રિબિન કાપીને કરાવ્યો હતો.
આ પ્રસંગે આર.સી.પટેલે આવી ટુર્નામેન્ટ યોજવા બદલ આયોજક ચીજગામ ક્રિકેટ કલબનો પણ આભાર માન્યો હતો અને જલાલપોર વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગામોને આવરી લઈ આવી ટુર્નામેન્ટનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. આ ટુર્નામેન્ટ સતત ત્રણ દિવસ સુધી રમાનાર છે. જયારે ફાઈનલ મેચ રવિવારે બપોર બાદ રમાશે. ફાઈનલ વિજેતા ટીમને ટ્રોફી સહિત રૂ. 33333નો રોકડ પુરસ્કાર જયારે રનર્સઅપ ટીમને ટ્રોફી સહિત રૂ. 22,222નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.