વીજળીક હળતાળ:નવસારી સીવિલમાં દોઢ મહિનાથી પગારથી વંચિત રહેલા વર્ગ-3 અને 4ના કર્મચારીઓએ હડતાળ કરી વિરોધ નોંધાવ્યો

નવસારીએક મહિનો પહેલા
  • કોન્ટ્રાક્ટ કંપનીએ દોઢ મહિનાથી પગાર ન આપતા કર્મચારીઓ હડતાળ પર ઉતરવા મજબૂર કર્મચારીઓની હડતાળને પગલે દિવસમાં થતી આશરે 1000 જેટલી OPD અટવાઈ
  • સિવિલમાં અચાનક હડતાળ પર ઉતરેલા કર્મીઓને સમજાવવા ગયેલા સિવિલ સર્જનને સણસણતો જવાબ
  • ‘અરે..સાહેબ, તમારો માત્ર એક મહિનાનો પગાર અમારા દોઢ વર્ષના પગાર બરાબર છે’ : વીજળી કર્મીઓ
  • 120થી વધુ આરોગ્ય કર્મીઓ સવારે 8 થી 12 વાગ્ય સુધી હડતાળ પર ઉતર્યા પણ 4 કલાકમાં સમેટી લેવાઇ

નવસારી સિવિલમાં વિશ્વા એન્ટરપ્રાઇઝ કંપની કોન્ટ્રાક્ટ ધરાવે છે. જેમાં વર્ગ 3 અને 4ના તમામ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરે છે. ત્યારે છેલ્લા દોઢ મહિનાથી પગારથી વંચિત 128 કર્મચારીઓએ હડતાળમાં ઉતર્યા હતા. 35 ડિગ્રી તાપમાન વચ્ચે કર્મચારીઓએ સિવિલની બહાર બેસી વીજળીક હડતાળ શરૂ કરી હતી. જેને પગલે દિવસમાં થતી આશરે 1000 જેટલી OPD અટવાઈ હતી.

નવસારી સિવિલમાં OPD,ઓપરેશન થિયેટર, મેન ગેટ, વોર્ડ બોય સહિત મહત્વની કામગીરી સુપેરે પાર પાડતા કર્મચારીઓને છેલ્લા દોઢ મહિનાથી વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીએ પગાર બાબતે ઠાગાઠૈયા કરતા મજબૂરીવશ કર્મચારીઓએ સિવિલની બહાર 35 ડિગ્રી તાપમાનમાં બેસી હડતાળ શરૂ કરી હતી.

જોકે, સિવિલ સર્જન કે.એમ.શાહ કર્મચારીઓને સમજાવવા માટે કેમ્પસમાં આવ્યા હતા, પરંતું કર્મચારીઓએ પગાર કરો ત્યારબાદ તેઓ માનશે તેવી વાત કહી હતી.આ મોંઘવારીમાં એક દિવસ પગાર મોડો થાય તો ઘર ચલાવવું મુશ્કેલ બને છે ત્યારે આ કર્મચારીઓ છેલ્લા દોઢ મહિનાથી વધુથી પગાર વગર કામ કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક નેતાગીરીએ મધ્યસ્થી કરીને પગાર થાય તેવી માંગ પણ આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. નવસારીમાં દરરોજ 1000 જેટલી ઓપીડી થાય છે ત્યારે સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન પણ કર્મચારીઓએ રાખ્યું છે. માનવતાના ધોરણે કોઈ ઇમર્જન્સી આવે તો તેઓ ફરજ બજાવવામાં પાછી પાની નહીં કરે તેવો પણ નિર્ધાર આ કર્મચારીઓએ કર્યો છે.

દરરોજ 1300 દર્દીઓ હોસ્પિટલમાં આવે છે
નવસારી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં અલગ-અલગ વિભાગમાં બતાવવા માટે 1300 દર્દીઓ આવે છે. જેમાં મળતી માહિતી મુજબ બાળરોગ વિભાગમાં આશરે 200, ફિઝીશિયન વિભાગમાં 600, નાક-કાન-ગળાના વિભાગમાં 150, ઓર્થોપેડિક વિભાગમાં 100, ગાયનેકોલોજીસ્ટ વિભાગમાં 100, માનસિક રોગ વિભાગના 100થી વધુ, આંખ સારવાર વિભાગમાં 50થી વધુ દર્દી આવે છે.

અમને હડતાળ પાડવી ગમતી નથી પણ મજબૂરીમાં પાડવી પડે છે
નવસારી સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં પગારના મુદ્દે 12 માસમાં આ પાંચમીવાર હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. અગાઉ અમુક અગ્રણી તબીબોએ સમજાવતા કર્મચારીઓ માની ગયા હતા પણ આ વખતે કર્મચારીઓએ સિવિલ સર્જનને જણાવ્યું કે તમારો એક માસનો પગાર અમારા દોઢ વર્ષનો પગાર થાય છે. હડતાળ પાડવી અમને ગમતી નથી પણ મજબૂરીમાં પાડવી પડે છે તેમ જણાવતા સિવિલ સર્જન આ બાબતે મૌન થઈ ગયા હતા.

કલેકટરે મધ્યસ્થી કરી પગાર કરવા આદેશ આપ્યો
સિવિલ હોસ્પિટલમાં વિશ્વા એન્ટરપાઈઝ નામની સંસ્થા દ્વારા આઉટ સોર્સિગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જોકે, પગાર બાબતે અનિયમિતતાને કારણે હવે સરકાર દ્વારા ગ્રાન્ટ આપી જે તે કર્મચારીઓના ખાતામાં પગારની રકમ જમા કરાઇ છે. હાલમાં 120થી વધુ કર્મી હંગામી ધોરણે ફરજ બજાવે છે. તેમનો પગારની સિવિલ હોસ્પિટલમાં ગ્રાન્ટ આવી ન હતી. જેથી તેમનો પગાર નહીં કરતા સિવિલ સર્જને કલેકટરને રજૂઆત કરી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ ખાતામાંથી પગાર કરવા જણાવ્યું હતું. જોકે આ હંગામી વ્યવસ્થા હોય ક્યારે પગાર તેના નિયત સમયમાં થશે તેની ચિંતા કર્મીઓને રહી છે.

આંતરિક ફંડમાંથી પગાર કરવા ભલામણ કરી
દર માસે સરકારી ગ્રાન્ટ આવતા કર્મચારીઓનો પગાર સમયસર જમા થતો હતો.આ વખતે નવસારી સિવિલમાં કામ કરતા આરોગ્યકર્મીઓ માટે સરકારે આ વખતે ગ્રાન્ટ મોકલી નથી. જેથી આજે કર્મચારીઓની માગને પગલે કલેકટરને મળ્યા હતા. તેમની સાથે ચર્ચા કરતા તેમણે આંતરિક ફંડમાંથી પગાર કરવા ભલામણ કરી જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે તે રકમ ખાતામાં જમા કરીશું. - ડો. કિરણ શાહ, સિવિલ સર્જન, નવસારી

અન્ય સમાચારો પણ છે...