તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:શહેર સુરક્ષિત 15% કેસ, ગામડા સંક્રમિત 85% કેસ, શહેરમાં કેસની સંખ્યામાં ઘટાડો

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 70 ટકા વસતિ છે એ ગામોમાં પહેલી અને બીજી લહેરની શરૂઆતમાં 40થી 50 ટકા કેસ હતા, હવે પ્રથમવાર સ્થિતિ વણસી
  • છેલ્લા અઠવાડિયા દરમિયાન નોંધાયેલ કુલ 374 કેસમાં ગામડામાંથી જ 318 કેસ બહાર આવ્યા

નવસારી જિલ્લામાં હવે કોરોનાના કેસો શહેરમાં ખૂબ ઘટી ગયા છે અને 85 ટકા કેસો ગામડામાં જ નોંધાઈ રહ્યા છે.નવસારી જિલ્લામાં પણ કોરોનાની પહેલી લહેરમાં કોરોનાના કેસો નવસારી વિજલપોર, બીલીમોરા અને ગણદેવી શહેરમાં વધુ નોંધાયા હતા. બીજી લહેરની શરૂઆતમાં પણ શહેરમાં કેસો વધુ હતા.જિલ્લાની કુલ વસતિના 70 ટકાથી વધુ લોકો ગામડામાં વસે છે પણ 40થી 50 ટકા કેસ જ ગામડામાં અગાઉ નોંધાયા હતા.જોકે હાલ કેટલાક દિવસથી સ્થિતિ આખી બદલાઈ ગઈ છે.

લગભગ છેલ્લા 7 -10 દિવસથી જિલ્લામાં શહેરમાં તો કોરોનાના કેસો ઘટી ગયા છે પણ ગ્રામ્ય વિસ્તારમાં કેસોનો ઘટાડો ખૂબ જ ઓછો યા નહિવત જોવા મળી રહ્યો છે. આ દિવસો દરમિયાન સરેરાશ 55 જેટલા કેસ બહાર આવી રહ્યા છે, તેમાં સૌથી વધુ કેસો ગામડામાં નોંધાઈ રહ્યા છે.

છેલ્લા અઠવાડિયા દરમિયાન જિલ્લામાં 374 કેસ નોંધાયા હતા, તેમાં 318 કેસ તો ગામડામાં જ નોંધાયા હતા, જયારે નવસારી-વિજલપોર શહેર, ગણદેવી અને બીલીમોરા શહેરમાં તો 56 જ કેસ નોંધાયા હતા. બીજા શબ્દોમાં કહીએ તો કુલ કેસોના 85 ટકા ગામડામાંથી જ બહાર આવ્યા હતા. કોવિડના સમય દરમિયાન આવું પ્રથમવાર જોવા મળ્યું હતું.

છેલ્લા એક અઠવાડિયામાં કેસો

તારીખકુલ કેસગામડાના કેસ
26 મે4940
27 મે7058
28 મે6056
29 મે5649
30 મે6053
31 મે4739
1 જૂન3223
કુલ374318

​​​​​​​

ગામડામાં બહારગામ જઇ આવેલા સંક્રમિત
કેસો ઓછા થયા છે પરંતુ જે પ્રમાણે શહેરોમાં કેસોમાં ઘટાડો થયો છે તેટલા પ્રમાણમાં ગામડામાં કેસો ઘટ્યાં નથી. હાલ જે ગામડામાંથી કેસો આવે છે તેમાં બહારગામ ગયેલા લોકોના, લગ્ન વગેરેમાં ગયેલાઓના કેસ પણ આવી રહ્યાં છે. કાંઠાના ગામોમાં ઓખા વગેરે જગ્યાએથી આવેલા લોકો પણ સંક્રમિત થયા છે. - અંકુર રાણા, અગ્રણી તબીબ, નવસારી

​​​​​​​શહેરમાં કેસ ઘટ્યાં પણ આંશિક લોકડાઉન, ગામમાં નિયંત્રણ ઓછા
નવસારી જિલ્લામાં કોરોનાની જે સ્થિતિ છે તેનાથી ઉલટુ ‘લોકડાઉન’ની સ્થિતિ છે. જિલ્લાનો મુખ્ય શહેરી વિસ્તાર એવા ‘નવસારી-વિજલપોર’માં કેસ ઘટ્યાં છે ત્યાં હજુ રાત્રિ કરફ્યૂ ઉપરાંત વેપાર-ધંધામાં આંશિક લોકડાઉન સહિતના નિયંત્રણો સરકારે જારી જ રાખ્યા છે. ગામડામાં જોકે તેનાથી ઉલટી સ્થિતિ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં કેસો પ્રમાણમાં ઓછા ઘટ્યાં છે ત્યાં કરફ્યૂ, આંશિક લોકડાઉન જેવા કોઈ જ નિયંત્રણો મૂકાયા નથી. લગ્ન-અંતિમવિધિ, મેળાવડા જેવામાં જ નિયંત્રણો મૂકાયા છે.

મંગળવારે 32 કેસ, વધુ 3ના મૃત્યુ, 58 સાજા થયા, એક્ટિવ કેસનો આંક 468 થયો
​​​​​​​નવસારી જિલ્લામાં મંગળવારે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ 32 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે નવા કેસો નોંધાયા હતા તેમાં સૌથી વધુ કેસ નવસારી તાલુકાના 18 હતા. આ ઉપરાંત ગણદેવી, ચીખલી, વાંસદા તાલુકામાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા હતા. જલાલપોર તાલુકામાં 4 અને ખેરગામ તાલુકામાં 1 કેસ નોંધાયો હતો. વધુ 32 કેસ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 6888 ઉપર પહોંચ્યો હતો.
મંગળવારે કોરોનાની સારવાર લેતા 3 જણાંના મૃત્યુ પણ થયા હતા. જેમાં બીલીમોરાનો 65 વર્ષીય વૃદ્ધ, આછવણી ગામની 72 વર્ષીય મહિલા અને વેગામના 55 વર્ષીય આધેડનો સમાવેશ થાય છે. કોરોનાની સારવાર લેતા 58 જણાં રિકવર પણ થયા હતા, જેની સાથે કુલ રિકવરની સંખ્યા 6239 થઈ હતી. એક્ટિવ કેસ 468 રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...