તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નવસારી શહેરમાં અઢી દાયકા બાદ સિટી બસ દોડતી થઈ, મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામા આવ્યું

નવસારીએક મહિનો પહેલા
  • 10 રૂટ પર સેવા શરૂ કરવામા આવી
  • લોકો 5 થી 8 રૂપિયાની ટિકિટમાં મુસાફરી કરી શકશે.

નવસારી શહેરમાં શહેરીજનોને સસ્તી પરિવહન સેવા મળી રહે તેવા ઉદ્દેશ સાથે આશરે 25 વર્ષ બાદ શહેરને માસ ટ્રાન્સપોર્ટેશન મળ્યું છે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું,

જે બાદ સ્થાનિક ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ ગ્રીન સિગ્નલ આપી બસને વિવિધ રૂટ માટે રવાના કરી હતી.નવસારી શહેરમાં વર્ષોથી શહેરી બસ સેવા શરૂ થાય તે માટેના પ્રયત્નો પાલિકાની ચૂંટાયેલી દરેક પાંખ દ્વારા કરવામાં આવ્યા હતા પણ એમાં કોઈને સફળતા મળી ન હતી.હાલમાં ચૂંટાઈને આવેલી નવી પાંખ દ્વારા શહેરી બસ શરૂ થાય તે માટેના પ્રયત્નો શરૂ કરતાં આશરે 25 વર્ષ બાદ શહેરને સસ્તી પરિવહન સેવા મળી છે.

10 રૂટ પર શરૂ થયેલી પ્રાથમિક શરૂઆતમાં શહેરીજનોને પાંચ રૂપિયાથી લઈને 8 રૂપિયાની ટિકિટ ભાડું નક્કી કરવામાં આવ્યું છે.શહેરી બસ થયાના સમાચાર સામે આવતા રીક્ષા એસોસિએશન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમની રોજગારી પર તેની અસર થશે તેવી વાત સાથે તેમણે આવેદન પણ આપ્યું હતું. પણ શાસકોએ આ મામલે આગળ આવીને તેમને આશ્વાસન આપ્યું છે કે શહેરી બસ શરૂ થવાથી તેમની રોજગારી પર કોઈ અસર પડશે નહીં બસના રૂટ એવા રાખવામાં આવ્યા છે કે જ્યાં રીક્ષા જતી નથી તેવા જેથી મામલો શાંત પડ્યો હતો.રામજી મંદિર ખાતે આજે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નવસારી ના ધારાસભ્ય પિયુષ દેસાઈ, જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ, નવસારી- વિજલપોર પાલિકાના પ્રમુખ જીગીશ શાહ,જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરલાલ શાહ સહિત સંગઠનના આગેવાનો અને તમામ નગરસેવકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

જ્યા વિશાળ એલઈડી સ્ક્રીન ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કર્યા બાદ શહેરી બસ નું ઈ-લોકાર્પણ કર્યું હતું.ટેકનોલોજી સાથે બસની કનેક્ટિવિટી લાઈવ જાણી શકાશે એન્ડ્રોઇડ એપ થકી બસના રૂટ અને લાઈવ લોકેશન અંગે માહિતી મળી શકશે. બસનું મેન ટર્મિનલ સ્ટેશનમાં બનાવવામાં આવશે, જ્યાંથી GIDC, એરું ચાર રસ્તા,છાપરા ચાર રસ્તા,વિશાલ નગર,સર્કિટ હાઉસ વિરાવલ સહિતના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. રક્ષાબંધન નિમિતે મહિલાઓ અને દિવ્યાંગ માટે સોગાત આજથી શરૂ થતી બસ સેવામાં રક્ષાબંધન સુધી મહિલાઓને મફત મુસાફરીનો લાભ મળી શકશે અને આજીવન દિવ્યાંગો માટે બસમાં મુસાફરી નિઃશુલ્ક રાખવાનો નિર્ણય પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

નવસારી વિજલપોર પાલિકાના પ્રમુખ જીગીશ શાહે કહ્યું હતું કે, શહેરી બસ શરૂ થતાં હું ગર્વ ની લાગણી અનુભવું છું. શહેરમાં વસતા મધ્યમ વર્ગ માટે આ સેવા આશીર્વાદરૂપ સમાન સાબિત થશે. શહેરના એક છેડાથી બીજા છેડે જવા માંગતા રાહદારીઓને પાંચ થી આઠ રૂપિયાના નજીવા દરે આ લાભ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...