તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણની શરૂઆત:18+ રસીકરણના ઓછા સેન્ટરથી શહેરીજનો ગામડા ભણી

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં 18થી 45 વર્ષની વયના 7.50 લાખ લોકો માટે માત્ર 20 સેન્ટર પર મોડે મોડે રસીકરણની શરૂઆત થઇ
  • વિજલપોર, ગણદેવી જેવા શહેરી વિસ્તારમાં પ્રથમ દિવસે સેન્ટર નહીં, રજીસ્ટ્રેશન કરાવેલ 4000માંથી 352 ગેરહાજર રહ્યાં

નવસારી જિલ્લામાં 18થી 45 વર્ષ વચ્ચેના વેક્સિનેશનના પ્રથમ દિવસે ખૂબ ઓછા સેન્ટર ફળવાતા શહેરીજનોની વેક્સિન માટે ગામડા ભણી દોડ જોવા મળી છે. નવસારી જિલ્લામાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને 45 વર્ષ ઉપરની વયના લોકોને તો કોવિડ વેક્સિન અપાઈ પણ 18થી 45 વર્ષ વચ્ચેની વયના લોકોને વેક્સિન અપાઈ ન હતી. આવા જિલ્લામાં રહેતા અંદાજે 7.50 લાખ લોકોને રસી આપવાની શરૂઆત શુક્રવારથી કરાઈ હતી. જોકે જિલ્લાના 3 શહેર અને 394 ગામ વચ્ચે માત્ર 20 સેન્ટર પર જ સેન્ટર દીઠ 200 ડોઝ આપવામાં આવ્યા હતા.

ખાસ કરીને શહેરી વિસ્તારના યુવાનો ઘણા દિવસોથી વેક્સિનની રાહ જોઇ રહ્યા હતા તેમને શહેરી વિસ્તારમાં માત્ર 4 જ સેન્ટર પ્રથમ દિવસે મળતા શહેરી યુવાનો રસી માટે ગામડાના સેન્ટર ઉપર રજીસ્ટ્રેશન કરાવી ત્યાં વેક્સિન મુકાવા ગયાનું જોવાયું હતું. વિજલપોર અને ગણદેવીમાં રસીકરણનું સેન્ટર જ પ્રથમ દિવસે ન હતું. શહેરના યુવાનો જલાલપોર તાલુકા તથા નજીકના ગ્રામ્ય સેન્ટરો પર રસી મુકાવવા ગયા હતા. પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન કરેલા લોકોમાંથી 352 લોકો રસી મુકાવવા સેન્ટર ઉપર ન જતા કુલ 4000માથી 3648 લોકોને રસી મુકાઈ હતી.

વેક્સિન લેવા માટે નિયત સમયે જ જવું
કેટલાય લોકો વેક્સિન લેવા માટે પોતાના નક્કી કરેલા સ્લોટના સમય કરતા વહેલા પહોંચી ગયા હતા. વેક્સિન સેન્ટર પર વધુ પ્રમાણમાં ભીડ એકઠી ન થાય તેને ધ્યાને રાખીને સ્લોટ સિસ્ટમ બનાવાઇ છે. ઓનલાઇનમાં પણ લોકોએ જાતે જ પોતાનું બુક કરાવ્યું હોય છે, આ બાદ પણ બપોરનો સ્લોટ હોય તો લોકો સવારથી પહોંચી ગયા હતા. જોકે સ્લોટ પ્રમાણે જ ટોકન અપાતા વહેલા પહોંચી ગયેલા લોકોને પોતાનો ટાઇમ સ્લોટ ન આવે ત્યાં સુધી રાહ જોવી પડી હતી. કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાને રાખીને આપણે સમજદાર બની વેક્સિન લેવા માટે ખોટી હોડ ન કરી જેતે સમયે જ વેક્સિન લેવા જવુ હિતાવહ છે.

ચોવીસીમાં સુવિધાનો અભાવ
ચોવીસી સરકારી પ્રા. શાળામાં વેક્સિનેશન સેન્ટર ઉભુ કરાયું છે. 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિન મુકવાની કામગીરી શરૂ કરાઇ છે, પરંતુ ત્યાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. લોકો માટે બેસવાની કોઇપણ પ્રકારની સુવિધા ઉભી કરાઇ ન હતી. જેને પગલે લોકોને જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને પોતાનો નંબર આવે તેની રાહ જોઇ રહ્યાં હતા.

45+ના રસીકરણમાં ઘટાડો
18+ના રસીકરણની સાથે જિલ્લામાં 45+નું રસીકરણ પણ શુક્રવારે જારી રહ્યું હતું. જોકે 45+ના લોકોને પ્રથમ અને બીજો ડોઝ મળી કુલ 1200 રસી જ મુકાઈ હતી.

ગણદેવીના લોકોએ ગડત જવું પડ્યું
કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થતાં શુક્રવારે સવારે ગણદેવી નગરમાં એકપણ રસીકરણ કેન્દ્ર નહીં હોવાથી અને વીસ હજારની વસતિ ધરાવતા નગરજનોએ 7 કિ.મી. દૂર ગડત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવું પડ્યું હોય ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ મામલે ધારાસભ્ય નરેશભાઇ પટેલને પણ રજૂઆત કરાઇ હતી.

હોન્ડ સેન્ટર ઉપર અફરાતફરી
ચીખલી તાલુકાના 67 ગામ અને 12 PHC વચ્ચે માત્ર 3 જ સેન્ટર ફાળવવામાં આવ્યા હતા. સરકાર દ્વારા 18+ના લોકો માટે કોરોના વિરોધી રસી મૂકવાનું શરૂ કરવામાં આવતા પ્રથમ દિવસે હોન્ડ PHCમાં વેક્સિન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. રજીસ્ટ્રેશન કરાવેલ હોય તે મુજબ લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા હતાપરંતુ સર્વર ડાઉન થવાની સમસ્યા સર્જાતા એક સમયે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...