નવા વર્ષે આશા:નવસારીમાં સિનેમાઓ 100 ટકા પાટે ચઢશે, છેલ્લા 20 મહિનાથી કોરોનાને લઇ શહેરનું મનોરંજન ઘૂંટાયું છે

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લગભગ 20 મહિનાના લાંબા અંતરાય બાદ નવસારીના સિનેમાઓ હવે નવા વર્ષમાં 100 ટકા પાટે ચઢશે. સંસ્કાર નગરી નવસારીના લોકો કલારસિકો પણ છે. અહીંના લોકો માટે મનોરંજનનું મુખ્ય સાધન સિનેમાઓ છે. જોકે માર્ચ 2020માં કોરોના શરૂ થતા જ સિનેમાઓ બંધ થઈ ગયા હતા. આ દરમિયાન અહીંના બે જાણીતા સિનેમા ગિરિરાજ અને પ્રકાશ તો બંધ પણ થઈ ગયા હતા. આ દરમિયાન કોરોના શાંત થતા સરકારે પ્રથમ 50 ટકા કેપેસિટી સાથે તથા બાદમાં 60 ટકા કેપેસિટી સાથે ખોલવાની મંજૂરી આપી હતી.

જોકે ઓછી કેપેસિટીને મંજૂરી મળતા અને પિકચરો પણ વધુ રિલીઝ નહીં થતા સિનેમા ઉદ્યોગ 100 ટકા પાટે ચઢ્યો ન હતો. જોકે હિન્દુ નવા વર્ષમાં સ્થિતિ બદલાશે. હવે સરકારે સિનેમાઓને પ્રેક્ષકોની 100 ટકા કેપેસિટી સાથે ચાલુ કરવાની મંજૂરી આપી છે. જેને લઈને નવસારીના સિનેમાઓ લક્ષ્મી સિનેમેજીક, રાજહંસ, જહાંગીર, બીલીમોરાનું આનંદ સિનેમા વગેરે 100 ટકા કેપેસિટી સાથે શરૂ થઈ શકશે. સિનેમા શરૂ થતા લોકોને તો મહત્ત્વનું મનોરંજન સાધન પાછુ મળશે.

સાથે સિનેમા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મુશ્કેલી પણ ઓછી થશે. છેલ્લા 20 માસથી સિનેમાઘરો બંધ રહેતા માલિકોએ નુકસાન વેઠવુ પડયું છે. તેનો અંદાજ કાઢવો પણ હાલના તબક્કે મુશ્કેલ છે, પરંતુ સિનેમા ઘર પુન: ધબકતા થશે તો તેમની મુશ્કેલી પણ હળવી થવાની આશા છે.

હવે મુશ્કેલી હળવી થવાની આશા
છેલ્લા 20 મહિનાથી કોરોનાને લઈ નવસારીમાં સિનેમા ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં આવી પડી છે. ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતા હવે 100 ટકા પ્રેક્ષકોની મંજૂરી આપવામાં આવી છે જેને લઈને સિનેમા ઉદ્યોગને પણ 100 ટકા બુસ્ટર ડોઝ મળશે અને લાંબા સમયથી ચાલી આવેલી મુશ્કેલ ભરી સ્થિતિનો ધીમે ધીમે અંત આવશે. હાલના સમયમાં નવી મૂવી સિનેમાભરોમાં રિલિઝ થતા મુશ્કેલી હળવી થવાની આશા જીવંત બની છે. - મુકેશ નાયક, સિનેમા સંચાલક

અન્ય સમાચારો પણ છે...