જન્મદિન વિશેષ:ચીખલીના સ્નેહરશ્મિએ જાપાની કાવ્ય પ્રકાર ‘હાઇકુ’ને ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ કર્યા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તમ સાહિત્ય રચના થકી અનેક ટોચના એવોર્ડથી સન્માનિત થયા

‘સ્નેહરશ્મિ’ તરીકે વધુ જાણીતા થયેલ ઝીણાભાઈ રતનજી દેસાઈનો જન્મ આજથી 119 વર્ષ અગાઉ 16 એપ્રિલ 1903ના રોજ નવસારી જિલ્લાના ચીખલીમાં થયો હતો. આમ તો સાહિત્ય ક્ષેત્રે તેમણે આપેલા યોગદાન અમૂલ્ય છે પણ તેઓ ‘હાઇકુ’થી વધુ જાણીતા બન્યાં હતા. મૂળત: જાપાની કાવ્ય પ્રકાર હાઇકુને તેમણે ગુજરાતી સાહિત્યમાં પણ જાણીતુ કર્યું હતું. તેમણે હાઇકુના અનેક સર્જન કર્યા હતા. 359 હાઇકુ અને 6 તાંકા કાવ્યો સમાવતો કાવ્યસંગ્રહ પણ તેમનો ‘હાઇકુ કાવ્યસંગ્રહ’ છે.

સ્નેહરશ્મિના અનેક કાવ્યસંગ્રહો, વાર્તાસંગ્રહો જાણીતા થયા છે. જેમાં ગાતા આસોપાલવ, તૂટેલા તાર, સ્વર્ગ અને પૃથ્વી, મોટી બહેન, હિરાના લટકણીયા વગેરે છે. ‘મટોડુ ને તુલસી’ એમનો નાટ્યસંગ્રહ છે. ‘પ્રતિસાદ’ એમનો વિવેચન સંગ્રહ છે. સ્વ. ઝીણાભાઈ દેસાઈને તેમના સાહિત્યના યોગદાન તથા શિક્ષક તરીકેના યોગદાન થકી અને ટોચના એવોર્ડ પણ મળ્યાં છે, જેમાં રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ ચંદ્રક, ઉત્તમ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ વગેરે પણ સામેલ છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા હતા
સ્નેહરશ્મિ માત્ર સાહિત્યકાર ન હતા પરંતુ તેમની પ્રતિભા બહુમુખી હતી. તેઓ ઉત્તમ શિક્ષક હતા અને મુંબઈની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય રહ્યાં હતા. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ, ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ, સી.એન. વિદ્યાલય અમદાવાદના આચાર્ય અને નિયામક રહ્યાં હતા. ગુજરાત વિદ્યાપીઠ સાથે પણ તેમનો નાતો રહ્યો હતો.

આઝાદીના આંદોલનમાં ‘જેલવાસ’ પણ ભોગવ્યો
સ્નેહરશ્મિજી આઝાદીની લડત દરમિયાન ગાંધીજીના આદર્શ અને મૂલ્યોથી પ્રભાવિત થયા હતા, તેમણે અંગ્રેજો સામે લડત પણ ચલાવી હતી અને જેના કારણે જ તેમને બે વર્ષ જેટલો જેલવાસ પણ ભોગવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...